back to top
Homeગુજરાતરત્નકલાકારોની સામૂહિક હત્યાનો પ્રયાસ, 6 ICUમાં:મેનેજરના ભાણિયાને શંકા જતાં મામલો બહાર આવ્યો;...

રત્નકલાકારોની સામૂહિક હત્યાનો પ્રયાસ, 6 ICUમાં:મેનેજરના ભાણિયાને શંકા જતાં મામલો બહાર આવ્યો; ફિલ્ટર પાસે CCTV નહીં, પોલીસને કારીગર પર શંકા

સુરતના કાપોદ્રા વિસ્તારમાં અનભ ડાયમંડમાં પીવાના પાણીના ફિલ્ટરમાં સેલફોસનું પાઉચ ભેળવી દઈ સામૂહિક રીતે રત્નકલાકારોની હત્યાનું ષડ્યંત્ર રચવામાં આવ્યું હતું. ફિલ્ટરનું પાણી પીધા બાદ 118 જેટલા રત્નકલાકારોને ચક્કરની ફરિયાદ બાદ ફિલ્ટરમાંથી સેલફોસ (અનાજમાં નાંખવાની જંતુનાશક ગોળીઓનું પાઉચ) મળી આવતાં અફરાતફરી મચી ગઈ હતી. ઉતાવળે રત્નકલાકારોને કિરણ અને ડાયમંડ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા. જેમાંથી 6ને આઈ.સી.યુ.માં દાખલ કરાયા હતા. પોલીસ દ્વારા હત્યાના પ્રયાસ BNS 109 (1)ની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. જે જગ્યા પર ફિલ્ટર હતું ત્યાં સીસીટીવી નથી. કારખાનાથી વાકેફ હોય તેવા વ્યક્તિ એટલે કે કારખાના કારીગર દ્વારા જ આ કૃત્ય કરવામાં આવ્યું હોય તેવી આશંકા છે. જેથી પોલીસ FSLની સાથે ટીમ બનાવીને અસરગસ્ત 118 સહિત કારખાનામાં બેસતા તમામ રત્નકલાકારોના નિવેદન નોંધશે. અનભ જેમ્સમાં વોટર ફિલ્ટર ક્યાં રાખેલું છે?
પોલીસ હાલ આ મામલે તપાસ અર્થે અનભ ડાયમંડ હોસ્પિટલ પહોંચી છે અને રત્ન કલાકારોના લિસ્ટ સહિતની તપાસ હાથ ધરી છે. તેમજ પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે, કારખાનામાં પ્રવેશતા સમયે એક ગ્રીલ છે, જે લોક હોય છે. ત્યારબાદ બે દરવાજાથી અંદર પ્રવેશ કરી શકાય છે. અંદર પ્રવેશ કરતા જમણી બાજુ વધુ એક ગ્રીલ છે ત્યાંથી અંદર જતાં જમણી બાજુ પાણીનું ફિલ્ટર છે. ત્યાંથી વધુ એક દરવાજાથી કારખાનાની અંદર જઈ શકાય છે. ડીલર અને કારીગરોની તપાસ, 50નાં નિવેદન લેવાયાં: DCP
આલોક કુમાર (ડીસીપી)એ જણાવ્યું હતું કે, શંકાસ્પદ જણાયેલા ચારથી પાંચ જેટલા કારીગરોની કાપોદ્રા પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. આ સાથે જ ટીમો બનાવીને વધુ તપાસ ચાલી રહી છે. અનભ જેમ્સના કારીગરોના લિસ્ટ પ્રમાણે પણ તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે જ અનભ જેમ્સની અંદર આવેલા ડીલર અને સબ ડીલરની પણ તપાસ કરવામાં આવી રહી છે. જેના માટે ત્રણ ટીમ બનાવવામાં આવી છે. અત્યાર સુધીની પૂછપરછ હજુ કંઈ નક્કર વાત સામે આવી નથી. અત્યાર સુધીમાં 50 જેટલા નિવેદન પણ લેવામાં આવ્યા છે. ફિલ્ટરનું પાણી પીધા બાદ 118 રત્નકલાકારની તબિયત લથડી
કાપોદ્રા ચાર રસ્તા પાસે જીવરાજભાઈ શામજીભાઈ ગાબાણીનું અનભ ડાયમંડના નામે કારખાનું આવેલું છે. ગત રોજ સવારે સાડા આઠ વાગ્યે રાબેતા મુજબ 120થી વધુ કર્મચારીઓ નોકરીએ આવ્યા હતા. નોકરી પર આવ્યાના એકાદ કલાક એટલે કે સાડા 9 વાગ્યા આસપાસ સંખ્યાબંધ રત્નકલાકારોએ ચક્કર આવવા લાગ્યા હતા, એ સાથે શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હોવાની ફરિયાદ કરી હતી. ચક્કર આવવાની ફરિયાદ સાથે આ કારખાનામાં નોકરી કરતાં 118 કરતાં વધુ રત્નકલાકારોની હાલત કથળતાં મામલો ગંભીર બન્યો હતો. રત્નકલાકારોની સામૂહિક હત્યાના ઇરાદાની શંકા
મેનેજરના ભાણિયા નિકુંજ નામના યુવકે સુપરવિઝન કરતાં મામા કાંતિભાઈને પીવાના પાણીના ફિલ્ટરમાંથી દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ કરતાં પેઢીના મેઇન મેનેજર હરેશભાઈએ પાણીનું ફિલ્ટર ચેક કરાવ્યું હતું. કૂલરની અંદરથી જે વસ્તુ મળી હતી તે જોતાં જ બધાની જાણે આંખો ફાટી ગઈ હતી. પાણીની અંદર સેલફોસનું પાઉચ તરી રહ્યું હતું. ઉપરનું પ્લાસ્ટિક ફાટેલું હતું અને અંદર કાગળમાં પેક ગોળીઓ પાણીમાં ભળી ગયાની શંકા સાથે જ અફરાતફરી મચી ગઈ હતી. કોઈએ આ રત્નકલાકારોની સામૂહિક હત્યા કરવાના ઈરાદે અનાજમાં જીવાત પડતી રોકવા વપરાતી આ ગોળીનું પાઉચ પાણીમાં ભેળવી દીધું હોવાની વાતે આખા કારખાનામાં ગભરાટ ફેલાઈ ગયો હતો. તમામની તબિયત લથડતાં હોસ્પિટલમાં ખસેડાયા
તમામ કર્મચારીઓએ આ ફિલ્ટરમાંથી જ સંખ્યાબંધ વખત પાણી પીધું હોવાથી તમામની હાલત દયનીય બની હતી. મામલો નાજુક હોવાથી કારખાનેદારે ઉતાવળે નિર્ણય લઇ તમામ રત્નકલાકારોને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડ્યા હતા. 104 રત્નકલાકારને કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જ્યારે બીજા 14ને ડાયમંડ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. કિરણ હોસ્પિટલમાં દાખલ 104 પૈકી બેને ICUમાં ખસેડાયા હતા. હાલ તમામને 24 કલાક માટે ઓબ્ઝર્વેશનમાં રખાયા છે. 6 રત્નકલાકાર ICUમાં દાખલ
ઝેરી પાણી પીધાના બનાવમાં 118 રત્નકલાકાર પૈકી 104 રત્નકલાકારોને કિરણ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જે પૈકી બે રત્નકલાકારો રવિ કિરણભાઇ પ્રજાપતિ (ઉં.વ.30) અને જયદીપ બારૈયા (ઉં.વ.23)ની વધુ તબિયત લથડતાં તેમને કિરણ હોસ્પિટલમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. એ બાદ આજે વધુ ચાર રત્નકલાકારને ડાયમંડ હોસ્પિટલમાં ICUમાં દાખલ કરાયા છે. 24 કલાક દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા
કાપોદ્રાની અનભ જેમ્સમાં પાણીના ફિલ્ટરમાંથી ઝેરી પાણી પી લેતા 118 રત્નકલાકારોને કિરણ અને ડાયમંડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. કિરણ હોસ્પિટલના ડો. મેહુલ પંચાલે જણાવ્યું કે, રત્નકલાકારોએ સેલફોસ નામની ઝેરી દવાની પડીકીનું પાણી પી લીધું હોવાથી આ સેલફોસ દવા તરત જ હૃદયને બેસાડી દે છે. ઉપરાંત આ ઝેરી દવા લાંબા સમયે અસર કરતી હોય છે. જેને લઇને તમામ રત્નકલાકારોની તબિયત સારી હોવા છતાં 24 કલાક સારવાર હેઠળ દેખરેખ રાખવામાં આવ્યા છે. અંદરના જ કોઈ કારીગરે કૃત્ય આચર્યું હોવાની શંકા
ઘટનાની જાણ થતાં કાપોદ્રા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પહેલા જાણવાજોગ નોંધ કરી પાણીમાં ઝેરી પાઉચ ભેળવી હત્યાનું પડ્યંત્ર કોણે રચ્યું તેને લઈને તપાસ હાથ ધરી હતી. ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે, 307ની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ કરવામાં આવી રહી છે, FSLની ટીમ પણ તપાસ કરી રહી છે. પોલીસની ટીમ સીસીટીવીની તપાસ કરી રહી છે. ફિલ્ટર જે જગ્યા પર છે ત્યાં સીસીટીવી નથી પણ ફિલ્ટર નજીક જવા માટેના રસ્તા પર સીસીટીવી છે તેની તપાસ કરવામાં આવી રહી છે. અંદરના જ કોઈ કારીગર દ્વારા કૃત્ય કરવામાં આવ્યું હોય તેવી શંકાના આધારે ટીમ બનાવીને અસરગ્રસ્ત 118 સહિત કારખાનામાં બેસતા તમામનાં નિવેદન નોંધવામાં આવશે. પાણીના ફિલ્ટર આગળ સીસીટીવી પણ નહીં
કાપોદ્રા પોલીસ દ્વારા આખી ઘટનાને લઇ પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરવાની સાથે FSLની પણ મદદ લીધી છે. પાણીમાં ઝેર ભળ્યું છે કે નહિ તે માટે સેમ્પલ્સ લેવામાં આવ્યાં હતાં. જ્યાં પાણીનું ફિલ્ટર હતું ત્યાં સીસીટીવી નહિ હોવાથી કોઇ અંદરના જ જાણભેદુએ પાણીના ફૂલરમાં પાઉચ ભેળવ્યું હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરી હતી. આ શખ્સ બહારથી અનાજમાં નાંખવાનું પાઉચ લઇને આવ્યો હોય અને મોકો જોઇ પ્લાસ્ટિકનું કવર ફાડી તેમાં નાંખી દીધું હોય તેવું પોલીસ માની રહી છે. કારખાનાના માલિક પાસે 5થી વધુ હીરાનાં કારખાનાં
કાપોદ્રાની મિલેનિયમ બિલ્ડિંગમાં ચોથા માળના અનભ જેમ્સ હીરાના કારખાના માલિક જીવરાજભાઈ ગાબાણી (ખોપાળા, જિ. ગઢડા ) સુરતમાં પાંચથી વધુ હીરાનાં કારખાનાં ચલાવે છે. ઉપરાંત રત્નકલાકારોને તાત્કાલિક સારવાર માટે કિરણ અને ડાયમંડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કિરણ અને ડાયમંડ હોસ્પિટલ બંનેના જીવરાજભાઇ ગાબાણી ટ્રસ્ટી પણ છે. કમિશનરે ઘટનાની ગંભીરતાને લઇ તપાસના આદેશ આપ્યા
તમામ પ્રકારની જાણકારી રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા હોસ્પિટલના તંત્ર પાસેથી ફોનમાં જ લેવામાં આવી હતી. તેમજ હોસ્પિટલમાં દાખલ થયેલા રત્નકલાકારોના સ્વાસ્થ્ય અંગેની તમામ વિગતો મેળવી હતી. ઘટનાની જાણ થતાં જ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા, મેયર દક્ષેશ માવાણી, પાલિકા કમિશનર શાલીની અગ્રવાલ, આરોગ્ય વિભાગ તથા પાલિકાના અધિકારીઓનો કાફલો કારખાનામાં તથા હોસ્પિટલમાં ધસી ગયો હતો. પોલીસ કમિશનરે ઘટનાની ગંભીરતાને લઇ તપાસના આદેશ આપ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments