ગુજરાત હાઇકોર્ટમાં વલસાડની 14 વર્ષીય દુષ્કર્મ પીડિતાના પિતા દ્વારા સગીરાનાં 26 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે અરજી કરાઈ હતી, જેમાં હાઇકોર્ટે સગીરાની મેડિકલ તપાસ માટેના નિર્દેશ આપ્યા હતા. એ બાદ હાઇકોર્ટે ચીફ મેડિકલ ઓફિસરની દેખરેખ હેઠળ સગીરાના ગર્ભપાતની મંજૂરી આપી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા બે વર્ષમાં આજના(10 એપ્રિલ, 2025) કેસ સહિત 13 પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપવામાં આવી છે, જેમાં 10 સગીરાનો સમાવેશ થાય છે. 14 વર્ષીય દુષ્કર્મ પીડિતાને 26 સપ્તાહનો ગર્ભ
વલસાડની 14 વર્ષીય દુષ્કર્મ પીડિતાના પિતા દ્વારા સગીરાના ગર્ભપાત માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. સગીરા સાથે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ વાંસદા પોલીસ મથકે ચાલુ વર્ષે ફરિયાદ નોંધાઈ હતી. સગીરાને 26 સપ્તાહનો ગર્ભ છે. હાઇકોર્ટે વાપીની GMERS હોસ્પિટલે સગીરાના મેડિકલ તપાસ માટેના નિર્દેશ આપ્યા હતા. સગીરાના ગર્ભની પેશીનાં DNA સેમ્પલ FSLમાં મોકલાશે
જોકે તપાસનો રિપોર્ટ સ્પષ્ટ ના આવતાં ફરી સગીરાની મેડિકલ તપાસ કરવા હાઇકોર્ટે નિર્દેશ આપ્યા હતા. બાદમાં હાઇકોર્ટે ચીફ મેડિકલ ઓફિસરની દેખરેખ હેઠળ તેના ગર્ભપાતની મંજૂરી આપી હતી. હાઈકોર્ટે સગીરાના ગર્ભપાત માટે એક્સપર્ટ ડોક્ટરોને ઉપસ્થિત રહેવા નિર્દેશ આપ્યા હતા, સાથે જ બાળકોના ડોક્ટર હાજર રહેશે. ગર્ભપાત બાદની સારવાર પણ સગીરાને આપવા કોર્ટે નિર્દેશ આપ્યા છે. સગીરાના ગર્ભની પેશીનાં DNA સેમ્પલ આરોપી સામે કેસ પુરવાર કરવા FSLમાં મોકલવામાં આવશે. ગર્ભાવસ્થાના ગર્ભપાતનો નિયમ શું કહે છે?
મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી (MTP ) એક્ટ હેઠળ કોઈપણ પરિણીત મહિલા, બળાત્કાર પીડિતા, અલગ-અલગ-વિકલાંગ મહિલા અને સગીર છોકરીને 24 અઠવાડિયાં સુધીની ગર્ભાવસ્થાનો ગર્ભપાત કરવાની છૂટ છે. જો પ્રેગ્નન્સી 24 અઠવાડિયાંથી વધુ હોય તો મેડિકલ બોર્ડની સલાહ પર કોર્ટમાંથી ગર્ભપાતની મંજૂરી લેવી પડે છે. વર્ષ 2020માં MTP એક્ટમાં ફેરફારો કરવામાં આવ્યા હતા. એ પહેલાં 1971માં બનેલો કાયદો લાગુ હતો. બે વર્ષમાં 12 પીડિતાઓને ગર્ભપાતની મંજૂરી 16 વર્ષની સગીરાનાં 12 અઠવાડિયાંનો ગર્ભના ગર્ભપાતની મંજૂરી
નર્મદા જિલ્લાના એક પોલીસ મથકે એક આરોપી સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો હતો. આ ગુના અંતર્ગત ભોગ બનનારી સગીરા ગર્ભવતી બની હતી, જેની માતા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં સગીરાના ગર્ભપાત માટે અરજી દાખલ કરવામાં આવી હતી. સગીરા 16 વર્ષની ઉંમરની છે અને તેને 12 અઠવાડિયાંનો ગર્ભ છે. ગુજરાત હાઇકોર્ટે સગીરાને ગર્ભપાતની મંજૂરી આપી હતી. સમગ્ર અહેવાલ વાંચો… 14 વર્ષની સગીરાના 28 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરી
ગર્ભપાત માટેના કાયદા મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી MTP એક્ટ હેઠળ મહત્તમ 24 સપ્તાહ સુધીના ગર્ભના ગર્ભપાતની મંજૂરી આપવામાં આવતી હોય છે, પરંતુ હાઇકોર્ટ સમક્ષ આવેલા એક કેસના વિશિષ્ટ સંજોગોને ધ્યાનમાં લેતાં હાઇકોર્ટે 14 વર્ષની રેપ પીડિતાનાં 28 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરી આપી છે. હાઇકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપતાં આદેશમાં એવું મર્મસ્પર્શી અવલોકન કર્યું છે કે દુષ્કર્મ જેવા જઘન્ય ગુનાના કારણે પીડિતા દુર્ભાગ્યપૂર્ણ રીતે સગર્ભા થઇ છે. જો તેની ગર્ભાવસ્થા ચાલુ રહે તો તેનો જીવ જોખમમાં મુકાઇ શકે છે. આવા સંજોગોમાં જ્યારે પીડિતાના જીવનમરણનો પ્રશ્ન હોય અને એ અસહ્ય માનસિક અને શારીરિક પીડામાંથી પસાર થઇ રહી હોય ત્યારે કોર્ટ પીડિતાની વ્યથા પ્રત્યે મૂકદર્શક બની શકે નહીં. સમગ્ર અહેવાલ વાંચો… 16 વર્ષીય દુષ્કર્મ પીડિતાનાં 15 સપ્તાહના ગર્ભપાતની મંજૂરી
16 વર્ષીય દુષ્કર્મ પીડિતાનાં 15 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે હાઇકોર્ટે મંજૂરી આપી હતી. પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલી ફરિયાદમાં પીડિતાના પિતા તરફથી હાઇકોર્ટ સમક્ષ અરજી કરીને દાદ માગવામા આવી હતી કે તેની દીકરીને ગર્ભપાતની મંજૂરી આપવામાં આવે. એમાં હાઇકોર્ટે તબીબોનો અભિપ્રાય મેળવ્યો હતો અને એના આધારે પીડિતાને ગર્ભપાત માટેની મંજૂરી આપી હતી. સમગ્ર અહેવાલ વાંચો… 15 વર્ષની સગીરાનાં 19 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરી
અમદાવાદની 15 વર્ષની દુષ્કર્મ પીડિતાની માતા તરફથી સગીરાનાં 19 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે હાઈકોટમાં અરજી કરવામાં આવી હતી. એમાં હાઇકોર્ટે સોલા સિવિલ હોસ્પિટલને સગીરાના મેડિકલ તપાસના આદેશ આપ્યા હતા. તબીબોના અહેવાલમાં પણ ગર્ભપાતની મંજૂરી આપી શકાય એવો અભિપ્રાય આપવામાં આવ્યો હતો, તેથી સોલા સિવિલ હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર અને પેનલ પરના અન્ય ડોક્ટરોની દેખરેખ હેઠળ પીડિતાના ગર્ભપાત માટેની મંજૂરી હાઈકોર્ટ દ્વારા આપવામાં આવી હતી. સમગ્ર અહેવાલ વાંચો… 26 વર્ષીય દુષ્કર્મ પીડિતાના 17 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરી
ગુજરાત હાઇકોર્ટમાં દિવાળી વેકેશન દરમિયાન તત્કાલ સુનાવણી માટે આવતા કેસોમાં 4 નવેમ્બર 2024ના રોજ એક 26 વર્ષીય દુષ્કર્મ પીડિતાની ગર્ભપાત માટેની અરજી આવી હતી, જેમાં પીડિતાને 17 અઠવાડિયાંથી વધુનો ગર્ભ હતો અને તેણે ગર્ભપાત કરાવવાનો ઈરાદો દર્શાવ્યો હતો. એક્સપર્ટ ડોક્ટરોની મેડિકલ તપાસ બાદ ગુજરાત હાઈકોર્ટે પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપી હતી. સમગ્ર અહેવાલ વાંચો… 15 વર્ષ 9 મહિનાની સગીરાનાં 27 સપ્તાહના ગર્ભપાતની મંજૂરી
ગુજરાત હાઇકોર્ટમાં તાપીની 15 વર્ષ અને 9 માસની સગીરાના 27 સપ્તાહના ગર્ભપાત માટે તેના પિતાએ એડવોકેટ પી.વી.પાટડિયા દ્વારા અરજી કરી હતી, જે જજ નિર્ઝર દેસાઈની કોર્ટ સમક્ષ રજૂ થઈ હતી. અરજદારના એડવોકેટે કોર્ટને જણાવ્યું હતું કે સગીરા માનસિક દિવ્યાંગ છે. એક આરોપીએ તેનું શારીરિક શોષણ કરતાં તે ગર્ભવતી બની હતી. સમગ્ર અહેવાલ વાંચો… 19 વર્ષીય યુવતીનાં 16 અઠવાડિયાના ગર્ભના ગર્ભપાતની મંજૂરી
ગુજરાત હાઇકોર્ટમાં 19 વર્ષ અને 6 મહિનાની યુવતીએ તેનાં 16 અઠવાડિયાંના ગર્ભના ગર્ભપાત માટે અરજી કરી હતી. યુવતી દુષ્કર્મનો ભોગ બની હતી. તેણે આરોપી મિતેશ ઠાકોર સામે 3 મે, 2024ના રોજ અમદાવાદના રાણીપ પોલીસ મથકે IPCની કલમ 376(2)(f) અને 376(2)(n) મુજબ ફરિયાદ પણ નોંધાવી હતી. યુવતી માનસિક અને આર્થિક રીતે બાળકને રાખવા સક્ષમ નથી, જેથી કોર્ટે અરજી સંદર્ભે યુવતીનો મેડિકલ ટેસ્ટ કરવા અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલને નિર્દેશ આપ્યા હતા. એમાં જણાવાયું હતું કે યુવતી ગર્ભપાત માટે ફિટ છે, પરંતુ એમાં જોખમ પણ છે. સમગ્ર અહેવાલ વાંચો… 17 વર્ષીય સગીરાનાં 7 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરી
ગુજરાત હાઇકોર્ટમાં 17 વર્ષીય સગીરાની માતાએ સગીરાનાં 7 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે એડવોકેટ ચિંતન ગાંધી મારફત અરજી કરી હતી, જે જજ હસમુખ સુથારની કોર્ટ સમક્ષ રજૂ થઈ હતી. કોર્ટે સુરતની સિવિલ હોસ્પિટલને ત્યાંના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ, ગાયનેકોલોજિસ્ટ અને સાઇકોલોજિસ્ટને સગીરાની શારીરિક અને માનસિક સ્થિતિ અંગેનો મેડિકલ રિપોર્ટ આપવા હુકમ કર્યો હતો તેમજ મેડિકલ રિપોર્ટ માટે તપાસ અધિકારીને વ્યવસ્થાઓ કરવા હુકમ કર્યો હતો. કોર્ટે સગીરાનાં 7 સપ્તાહના ગર્ભપાત માટે મંજૂરી આપી હતી. સમગ્ર અહેવાલ વાંચો… સગીરાનાં 9 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરી
ગુજરાત હાઇકોર્ટમાં એક સગીરાની માતા દ્વારા તેનાં 9 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે અરજી કરવામાં આવી હતી. સગીરા ઉપર દુષ્કર્મ આચરવામાં આવતાં તે ગર્ભવતી બની હતી, જોકે અરજદારના વકીલે કહ્યું હતું કે તે શારીરિક અને માનસિક રીતે કમજોર છે. વળી, તે પોતે બાળકના ઉછેર માટે સક્ષમ નથી. ઉપરાંત સમાજમાં બદનામીને જોતાં પણ સગીરાના ગર્ભપાત માટે મંજૂરી આપવી જોઈએ. સમગ્ર અહેવાલ વાંચો… 16 વર્ષની સગીરાનાં 27 અઠવાડિયાંના ગર્ભના ગર્ભપાતની મંજૂરી
ગુજરાત હાઈકોર્ટમાં જજ સમીર દવેની કોર્ટમાં એડવોકેટ નિસર્ગ શાહ દ્વારા 16 વર્ષીય સગીરાના ગર્ભપાત માટે અરજી કરવામાં આવી હતી. આ સગીરાને 27 સપ્તાહનો ગર્ભ હતો, જોકે હાઈકોર્ટે સગીરાને ગર્ભપાતની મંજૂરી આપી હતી. સમગ્ર અહેવાલ વાંચો… 22 વર્ષીય યુવતીનાં 26 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરી
સુરેન્દ્રનગરની 22 વર્ષીય યુવતી પર પાડોશી દ્વારા પરિવારજનોને મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. એ સંદર્ભે સુરેન્દ્રનગરમાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી, જોકે આ દુષ્કર્મથી પીડિતાને ગર્ભ રહી જતાં તેણે એડવોકેટ નિમિત્ત શુક્લા મારફત ગુજરાત હાઇકોર્ટમાં યુવતીનાં 26 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે મંજૂરી માગતી અરજી કરી હતી. એમાં સગીરાના મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ હાઈકોર્ટે મંજૂરી આપી હતી. સમગ્ર અહેવાલ વાંચો… 12 વર્ષીય સગીરાનાં 27 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરી
નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં માતા-પિતા સાથે રહેતી 12 વર્ષીય સગીરા પર તેના જ પિતા દ્વારા દુષ્કર્મ આચરવામાં આવતાં તે ગર્ભવતી બની હતી. સગીરાનાં 27 સપ્તાહના ગર્ભપાત માટે માતાએ જ વકીલ પૂનમ મહેતા દ્વારા હાઇકોર્ટમાં અરજી કરી હતી, જોકે વડોદરાની સયાજીરાવ હોસ્પિલમાંથી સગીરાના મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ કોર્ટે સગીરાના ગર્ભપાતની મંજૂરી આપી હતી. સમગ્ર અહેવાલ વાંચો…