વડોદરા જિલ્લાના જરોદનો યુવક અંગત કારણોસર પરિવારને સંબોધતી અંતિમચિઠ્ઠી લખી ઘરેતી ચાલ્યો જતાં પરિવાર ચિંતામાં મુકાયો છે. હાલ આ મામલે પરિવારે જરોદ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવકની શોધખોળ શરૂ કરી છે. પરિવારને એવી આશંકા છે કે, દીકરાએ ખંડીવાળા નર્મદા કેનાલમાં પડતું મૂક્યુ છે. રહસ્યમય ગૂમ થયેલા યુવાને માતા-પિતા, ભાઈ અને મિત્રોને સંબોધન કરતી એક ચિઠ્ઠી લખી છે. જેમાં ઉલ્લેખ કર્યો છે કે, આજે તમને બધાને મુકીને દૂર જઈ રહ્યો છું. મારા મોતનું કારણ શોધવા માટે પ્રયાસ કરશો નહીં. હું મારા મરવાનું કારણ હું નહિ કહી શકું… યુવક ખાનગી કંપનીમાં નોકરી કરતો
આ અંગેની મળેલી માહિતી પ્રમાણે, જરોદ 21, શ્રીજી સોસાયટીમાં રહેતો 20 વર્ષિય અંજલ જયરામદાસ ગજાણી પરિવારને સંબોધન કરતી ચિઠ્ઠી લખી ચાલ્યો ગયો છે. જરોદ બસ સ્ટેન્ડ પાસે રેડિમેઇડ કપડાંની દુકાન ધરાવતા જયરામદાસ થાવરદાસ ગજાણીના બે પુત્રો પૈકી નાનો દીકરો અંજલ જિંદગીનો અંત લાવવાના ઇરાદે ચાલ્યા જતા જરોદમાં ચકચાર મચી ગઇ છે. અંજલ આલમગઢ ખાતે આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. અંજલે લખેલી ચિઠ્ઠી શબ્દશઃ
Hello my dear family… મેં તમારો લાડલો છોકરો અંજલ. આજે તમને બધાને મુકીને દૂર જઈ રહ્યો છું. મારા માટે તમે જેટલુ કર્યુ એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. please મને માફ કરી દેજો. માનુ છું કે મેં માફીના લાયક નથી. પણ થઈ શકે તો કરી દેજો. મેં મારા વ્યક્તિગત પ્રોબ્લેમથી આ કામ કરવા જઈ રહ્યો છું. મારા ગયા પછી મારા ફ્રેન્ડ, મારી ફેમલી કે મારા કોઈપણ પોતાના વ્યક્તિને હેરાન ન કરતા. please મારૂ મરવાનુ કારણ મેં નહિ કહી શકતો. અને તમે પણ કારણ શોધવાની કોશીશ ન કરતા તમે બધા please. મેં મારી મરજીથી મરવા જાવ છું, કોઈના દબાણમાં આવીને મેં આ કામ નથી કરતો. તો please મારા ગયા પછી કોઇને હેરાન કરશો નહીં. please Sorry good by my all friends. મારી મમ્મીનું ધ્યાન રાખજો. please મારા ભાઈ રહુલ, મમ્મી પાપાને સાચવી લેજે ભાઈ please. Sorry થઈ શકે તો માફ કરી દેજો. please…. મારો phone bike મૂકીને જાવ છું એ વેચી દેજો. location:-ખંડીવાડા કેનાલ (anzil) પિતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ…
આ અંગે પિતા જયરામદાસ ગજાણીએ જરોદ પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, 10 એપ્રિલ, 2025ના રોજ સવારના આશરે સાતેક વાગે હું મારી દુકાને જવા માટે ઉઠી ગયો હતો. મારો દીકરો અંજલ મારા ઘરે હાજર ન હોવાથી મને લાગ્યું કે, મારો દીકરો અંજલ તેની કંપનીમાં નોકરી જવા માટે સવારના પાંચ વાગે ઉઠી જાય છે અને છ વાગે તેની નોકરીએ જતો રહે છે, તો તે તેની નોકરીએ ગયો હશે. મને આવું લાગ્યું, જેથી મેં તેની શોધખોળ કરી નહીં અને હું મારી દુકાને જતો રહ્યો હતો. પરિવારે શોધખોળ કરી પણ દીકરો ન મળ્યો
બપોર આશરે સાડા ત્રણેક વાગે ઘરે આવ્યો હતો તે વખતે મને મારી પત્ની ગીતા અને મારા મોટા દીકરા રાહુલે મને એક ચિઠ્ઠી બતાવી હતી. મને જણાવ્યું કે, નાનો ભાઈ અંજલ આ ચિઠ્ઠી લખીને ગયો છે. આ ચિઠ્ઠી વાંચ્યા પચી હું તથા મારો મોટો દીકરો રાહુલ આ ચિઠ્ઠીમાં બતાવેલ જગ્યા ખંડીવાડા કેનાલ ખાતે અમારા સગા-સબંધી તથા મારા દીકરાના મિત્રો સાથે મારા દીકરા અંજલની શોધખોળ કરી હતી, પરંતુ મળ્યો નહી. પોલીસે ફરિયાદના આધારે શોધખોળ શરૂ કરી
જરોદ પોલીસે પિતાની ફરિયાદના આધારે રહસ્યમય ગૂમ અંજલ જયરામદાસ ગજાણીની શોધખોળ શરૂ કરી છે. પોલીસે પરિવારજનોએ વ્યક્ત કરેલી આશંકાને આધારે ખંડીવાળા કેનાલમાં પણ શોધખોળ શરૂ કરાવી છે. જોકે, ગૂમ અંજલનો કોઇ પત્તો લાગ્યો નથી. આ બનાવે જરોદમાં ભારે ચકચાર જગાવી મૂકી છે.