સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણીનો પ્રારંભ થયો છે. નારાયણ કુંડથી સંતો અને હજારો હરિભક્તોની હાજરીમાં ભવ્ય કળશ યાત્રા નીકળી હતી. યાત્રામાં ચાર હાથી પર ઠાકોરજીને બિરાજમાન કરવામાં આવ્યા હતા. કળશ યાત્રામાં 251 પુરુષ-મહિલા ભક્તોએ સાફા ધારણ કર્યા હતા. હજારો બહેનોએ દાદા માટે અભિષેકનું જળ મસ્તક પર ધારણ કર્યું હતું. 108 બાળકોએ દાદાના વિજયી ધ્વજ લહેરાવ્યા હતા. આફ્રિકન સીદી ડાન્સ, ડી.જે., નાસિક ઢોલ અને બેન્ડવાજાએ ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા. સંતોએ 251 કિલો પુષ્પ અને 25,000 ચોકલેટથી દર્શનાર્થીઓનું સ્વાગત કર્યું હતું. આજે રાત્રે 8:30 કલાકે કિંગ ઓફ સાળંગપુર ખાતે હજારો દિવડાઓથી સમૂહ આરતી યોજાશે. ત્યારબાદ ઐતિહાસિક આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે 9 કલાકે પ્રખ્યાત કલાકાર જીગરદાન ગઢવી ‘ડાન્સ વીથ ભક્તિ સંગીત’ કાર્યક્રમ રજૂ કરશે. કિંગ ઓફ સાળંગપુરના સાનિધ્યમાં ભક્તિ સંગીતનો લાઈવ કોન્સર્ટ યોજાશે.