આમોદ તાલુકાના મછાસરા ગામમાં આજે અચાનક કમોસમી વરસાદ અને તીવ્ર પવને ખેડૂતોની ચિંતા વધારી છે. ખેડૂતોએ તુવેર અને મગનો પાક કાપીને ખેતરમાં તથા ખળીમાં સુકવવા મૂક્યો હતો. ગામના ખેડૂતોના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક દિવસોથી આબોહવા અનુકૂળ હતી. તેઓએ પાક સુકવવાની પ્રક્રિયા શરૂ કરી હતી. પરંતુ સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. કમોસમી વરસાદ સાથે ભારે પવન ફૂંકાયો છે. કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે. વરસાદના કારણે ખેડૂતોના મહિનાઓના પરિશ્રમ પર પાણી ફરી વળ્યું છે. પાક પલળી જવાથી મોટી નુકસાની થવાની શક્યતા છે. જંબુસર તાલુકામાં પણ વાતાવરણમાં પલટો નોંધાયો છે. ત્યાં ઠંડા પવન સાથે ગાજવીજ થઈ છે. કાળા વાદળો છવાયા છે અને વીજળીના કડાકા જોવા મળ્યા છે.