back to top
Homeગુજરાતરાજકોટ ક્રાઇમ ન્યૂઝ:કાલાવડ રોડ પર બિલ્ડીંગના 11માં માળેથી પટકાતા નિવૃત આર્મીમેન અશ્વિન...

રાજકોટ ક્રાઇમ ન્યૂઝ:કાલાવડ રોડ પર બિલ્ડીંગના 11માં માળેથી પટકાતા નિવૃત આર્મીમેન અશ્વિન સાવલીયાનું મોત

અશ્વિનભાઈ રામજીભાઈ સાવલીયા (ઉં.વ.40) ગઈકાલે બપોરે 2.45 વાગ્યા આસપાસ પોતાના પરિવાર હાઉસિંગ બોર્ડ ક્વાર્ટરના બિલ્ડીંગના 11માં માળે પોતાના ફ્લેટે હતા ત્યારે અચાનક 11માં માળેથી નીચે પટકાયા હતા. કોઈએ તુરંત 108ને જાણ કરી હતી. જેથી, 108ની ટીમ સ્થળ પર પહોંચી જેના ઇએમટી પ્રકાશભાઈએ જોઈ તપાસી સ્થળ પર જ અશ્વિનભાઈને મૃત જાહેર કર્યાં હતા. આ બનાવ અંગે જાણ થતાં જ યુનિવર્સિટી પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. મૃતક અશ્વિનભાઈ નિવૃત આર્મીમેન હતા. હાલમાં તેઓ રાજકોટ કોર્ટમાં પ્યુન તરીકે ફરજ બજાવતા હતા. બે દિવસ પૂર્વે તેઓને વારંવાર ચક્કર આવતા હોય ડોક્ટરને બતાવી દવા લીધી હતી. ઘટના સમયે પણ તેઓ 11 માળે પાળી પાસે ઊભા રહીને ફોનમાં વાત કરતાં હોય તે દરમિયાન અચાનક તેઓ નીચે પટકાયા હતા. જેથી, અકસ્માતે પડી જતા મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. અશ્વિનભાઈને સંતાનમાં એક પુત્ર છે જેને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો. માનસિક બીમારીથી કંટાળી પગલું ભર્યું
ખોડાભાઈ ટપુભાઈ નોંધણવદરા (ઉં.વ.70) ગઈકાલે સવારે 9 વાગ્યે પોતાના ઘરે હતા ત્યારે ઘઉંમા નાખવાના ઝેરી ટીકડા ખાઈ ગયા હતા. આ બનાવ અંગે પરિવારજનોને જાણ થતા તુરંત જ ખોડાભાઈને સિનર્જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓએ સારવાર દરમ્યાન બપોરે 11.54 વાગ્યે ડો. મિલાપ મશરૂએ તેઓને જોઈ તપાસી મૃત જાહેર કર્યાં હતા. આ અંગે રાજકોટ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ સિનર્જી હોસ્પિટલ આવી જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. ખોડાભાઈની માનસિક બીમારીની સારવાર ચાલુ હતી જેથી માનસિક બીમારીથી કંટાળી પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. સગીરાએ પાકમાં છાંટવાની ઝેરી દવા પી લીધી
મૂળ એમપીનો પરિવાર કોઠારીયા ગામે રણજીતસિંહ બારડની વાડીમાં ખેત મજૂરી કરે છે અને ત્યાં વાડીમાં જ રહે છે. આ પરિવારની 16 વર્ષની દીકરી છે. દીકરીના પિતા 25 દિવસથી ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાંક નીકળી ગયા છે. થોડા દિવસો સગીરાની માતા તેને શોધવા વતનમાં ગયેલ પણ પિતા મળ્યાં ન હતા, જેથી માતા પરત કોઠારીયા આવી ગયા હતા. અહીં સગીરા અને તેના ભાઈ-બહેન સાથે રહેતી હતી. આ દરમિયાન વિમલ ખાવા બાબતે ઝઘડો થયો હતો અને કામ કરવા બાબતે પણ ઝઘડા થતા હતા. ઘરમાં થતા આવા ઝઘડાથી કંટાળી સગીરાએ અંતે પાકમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. જેથી, સગીરાને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં તેનું સારવાર દરમિયાન આજે મોત નીપજ્યું હતું. સગીરા જિદ્દી સ્વભાવની હોવાથી ગુસ્સામાં પગલું ભર્યું હોવાનું પોલીસને પરિવારજનોએ જણાવ્યું હતું. હાલ કુવાડવા પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. યુવાને સાયબર ક્રાઇમ હેલ્પ લાઈનમાં અરજી કરી
જિલ્લા ગાર્ડન પાસે રહેતા 37 વર્ષીય યુવાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે કારખાનામાં મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે ગત તા. 7.03.2025ના તેને અજાણ્યા વોટસએપ નંબર પરથી મેસેજ આવ્યો હતો. ત્યારબાદ વાત કરવા જણાવ્યું હતું. બાદમાં યુવાને તેની સાથે વાત કરતા આ શખસે હું તમારો શુભચિંતક છું અને તમારી પત્ની બીજા સાથે રાત્રે વાત કરતી હોય છે એવા મેસેજ કર્યા હતા. આ શખસે યુવાનના ઇન્સ્ટાગ્રામ આઈડી પર તેને તેની પત્નીનો ફોટો મોકલ્યો હતો અને કહ્યું હતું કે, તમારી ભત્રીજી પણ આ બાબત જાણે છે. ત્યારબાદ આ શખસ અવારનવાર યુવાનને તેની પત્ની બાબતે મેસેજ કરી બીજા સાથે વાત કરતી હોવાની ખોટી વાતો જણાવી હેરાન-પરેશાન કરતો હોય. યુવાને આ અંગે પ્રથમ સાયબર ક્રાઇમ હેલ્પ લાઈનમાં અરજી કરી હતી. ત્યારબાદ આ અંગે યુવાને પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે તપાસ કરતા આ મોબાઈલ નંબર પ્રવીણ નામના વ્યક્તિનો હોવાનું માલુમ પડ્યું હતું અને આ શખસ ફરિયાદીનો સંબંધી થતો હોવાનું માલુમ પડયું હતું. આ પ્રકારના મેસેજ કરવાનો તેનો ઇરાદો શું તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 10 વર્ષ સુધી અલગ-અલગ જગ્યાએ નાસતો ફરતો હતો
આરોપી ગોવિંદરામ ખાલુરામ ખાન વર્ષ 2014માં મરણ જનાર ભીમસીંગ કાલુસીંગ સોની સાથે ગોકુલધામ વિનિત એન્જિનિયરીંગ નામના કારખાનામાં કામ કરતો. જેથી મરણ જનારની દીકરીઓને અવાર નવાર મશ્કરી કરતો હોય જેથી મરણ જનારે આરોપીને આવું ન કરવા સમજાવેલ જેથી માથાકૂટ થતા આરોપીએ પોતાની પાસે રહેલ છરીનો એક ઘા મરણ જનારના છાતીના ભાગે મારી દેતા મરણ જનારને ગંભીર ઈજા થતા મોત નીપજ્યું હતું. જેથી, આરોપી વિરૂધ્દ માલવીયાનગર પોલીસે ગુનો દાખલ કર્યો હતો. ખૂન કરીને 10 વર્ષ સુધી અલગ-અલગ જગ્યાએ નાસતો ફરતો હતો. આરોપી મૂળ નેપાળના વતની હોય પોલીસે આરોપીની તેના વતન તથા અલગ-અલગ જગ્યાએ તપાસ કરી હતી. તપાસ દરમિયાન આરોપીની તીરૂનેલવેલી તામીલનાડુથી ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. ડીસ્ટ્રીકટ જજે જામીન અરજી રદ કરવાનો હુકમ ફરમાવ્યો
આરોપીએ કોર્ટ સમક્ષ જામીન અરજી દાખલ કરતા સરકાર તરફે મદદનીશ સરકારી વકીલ આબીદ સોસન દ્વારા હાજર થઈ જામીન અરજીને સખત વિરોધ કરવામાં આવેલો. આરોપી વિરૂધ્ધ ગંભીર ગુન્હાનો આરોપ હોય તેમજ ગુન્હો કર્યા બાદ આરોપી પ્રથમથી જ નાસતો ફરતો હોય નજરે જોનાર સાહેદો દ્વારા આરોપી સામે પ્રથમ દર્શનીય પુરાવો હોય તે તમામ હકીકતની દલીલોને ધ્યાને લઈ બીજા એડી. ડીસ્ટ્રીકટ જજ પી.જે. તમાકુવાલાએ જામીન અરજી રદ કરવાનો હુકમ ફરમાવેલ હતો. પોલીસે 49 લાખનો મુદામાલ કબ્જે કરી ટ્રક ચાલકને દબોચ્યો
​​​​​​​સ્ટેટ મોનીટરીંગ સેલના પીઆઈ પી.પી.બહ્મભટ્ટ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે દમણ તરફથી દારૂ ભરેલ એક ટ્રક રાજકોટ તરફથી જેતપુર તરફ જતી હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે નવા રીંગરોડ પર ટ્રેપ ગોઠવી હતી. ત્યારે ખોખળદળના બ્રિજ પાસે દારૂ ભરેલ ટ્રક પહોંચતા તેને અટકાવી ટ્રકમાં તપાસ કરતાં અંદરથી પ્લાસ્ટિક બેગની આડમાં દારૂનો મોટો જથ્થો મળી આવતાં દારૂની મોડી રાત સુધી ગણતરી કરતાં કુલ 4500 બોટલ દારૂ મળી આવ્યો હતો. એસએમસી ટીમે રૂ.24.23 લાખના દારૂ સાથે એક ટ્રક સહિત રૂ.49 લાખનો મુદામાલ કબ્જે કરી ટ્રક ચાલક રૈયા ભીખા ઈંદરીયા (ઉ.વ.38) ને દબોચી લઈ પૂછપરછ હાથ ધરી હતી. દારૂનો જથ્થો થાનના હરેશ માનસંગ માથાસૂરિયાએ દમણથી મંગાવ્યો હતો અને ટ્રક ઉપલેટાના રમેશ જગમાલ ઘુલનો હોવાનું ખુલ્યું હતું તેમજ દારૂ જેતપુર નજીક પહોંચાડવાનો હતો. પોલીસે આજીડેમ પોલીસ મથકમાં ગુનો નોંધાવી દારૂ મંગાવનાર, ટ્રક ચાલક, દમણથી દારૂ સપ્લાય કરનાર સહિતના ચાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments