અમદાવાદ ખાતે રહેતી 24 વર્ષીય યુવતી સાથે વડનગરના યુવકે કોલેજકાળ દરમિયાન લગ્ન કરવાની લાલચ આપી પ્રેમસબંધ બાંધી વિસનગર સહિત અમદાવાદના વિવિધ ગેસ્ટહાઉસોમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં લગ્ન કરવાની ના પાડતાં યુવતીએ આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. અમદાવાદ ખાતે રહેતી યુવતી વર્ષ 2022માં વિસનગર કોલેજમાં અભ્યાસ કરતી હતી. તે દરમિયાન સોની પ્રિયાંશ અનિલભાઇ નામના યુવક સાથે પરિચયમાં આવી હતી. પ્રિયાંશે યુવતીને પસંદ હોવાનું જણાવી તેની સાથે લગ્ન કરવાનું જણાવતાં બંન્નેએ એકબીજાને નંબર આવી વાતચીતો ચાલુ કરી હતી. એપ્રિલ 2022માં વિસનગરના બસ સ્ટેન્ડ નજીક એક ગેસ્ટ હાઉસમાં યુવતીને લઇ જઇ પ્રિયાંશે માથામાં સિંદુર પુરી પત્ની તરીકે સ્વીકાર કરૂ છું તેમ કહીને મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ અવાર-નવાર હોટલમાં લઇ લઇ દુષ્કર્મ ગુજારતો હતો. જાન્યુઆરી 2023ના મહિનામાં યુવતીને પ્લેસમેન્ટમાં અમદાવાદ નોકરી મળતા યુવતી અમદાવાદ જતી રહી હતી. તેને દર બીજા અને ચોથા શનિવારે રજા હોવાથી પ્રિયાંશ તેને વિસનગર બોલાવી ગેસ્ટહાઉસમાં લઇ જઇ તેના દુષ્કર્મ ગુજારતો હતો. યુવતીએ લગ્નની વાત કરતાં યુવકે એન્જિનીયરીંગ ચાલુ છે નોકરી મળતાં લગ્ન કરીશ તેમ કહી અમદાવાદની વિવિધ હોટલોમાં પણ જઇ દુષ્કર્મ ગુજાર્યું હતું. ગત 4 એપ્રિલ 2025ના રોજ યુવકે તેને લગ્ન કરવાની ના પાડતાં યુવતીએ તેના પરિવારજનોને જાણ કરી હતી. પરિવારજનોએ યુવક અને તેના પિતાને સમજાવવાનો પ્રયાસ કરતાં તેમણે ના પાડી દેતાં આ યુવતીએ અમદાવાદમાં આ બનાવ અંગે યુવક અને તેના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જીરો નંબરથી ફરિયાદ લઇ વિસનગર પોલીસ મથકે મોકલી આપી હતી.