ચૈત્રી પૂર્ણિમા એટલે ભગવાન હનુમાનજી મહારાજનો પ્રાગટ્ય દિવસ છે. આજે ચૈત્રી પૂર્ણિમા સાથે સાથે શનિવાર એટલે કે બાલાજી મહારાજનો દિવસ બન્ને સાથે આવતા આ દિવસને અતિ દુર્લભ અને લાભદાયી માનવામાં આવે છે. હનુમાન જયંતીના આ પાવન દિવસે ભક્તો ભાવ પૂર્વક હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી છે અને ઠેર ઠેર શહેરમાં બાલાજી મંદિરોમાં શણગાર તેમજ મહાકુંડી યજ્ઞ, ભવ્ય આરતી અને બટુક ભોજનના આયોજન છે. ખાસ કરીને રાજકોટ શહેરની જનતા કે જેઓ હનુમાનજી મહારાજ ઉપર અપાર શ્રધ્ધા ધરાવે છે અને આજના દિવસની ભાવ પૂર્વક ઉજવણી કરવામાં મસ્ત બની ગયા છે. રાજકોટ શહેરમાં તો દર 200 મીટરના અંતરે એક હનુમાનજી મંદિર જોવા મળે છે અને લગભગ આખા રાજકોટમાં 200 જેટલા હનુમાનજીના નાના મોટા મંદિરો અને ડેરી છે. એટલા જ માટે કદાચ મહાબલીની મહાનગરી તરીકે રાજકોટને ઓળખવામાં આવે તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી. બાલાજી મંદિરે ક્યારે ક્યો કાર્યક્રમ?
રાજકોટવાસીઓની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર એટલે કરણસિંહજી બાલાજી મંદિર. જ્યાં મહાપ્રતાપી બાલાજી દાદા હાજરાહજૂર બિરાજમાન છે. તેમના દિવ્ય અલૌકિક સાનિધ્યમાં આજે હનુમાન જયંતીના પવિત્ર દિવસે મંદિરના કોઠારી વિવેકસાગર દાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ દાદાના જન્મોત્સવની આનંદ અને ઉલ્લાસ તેમજ આતશબાજી સાથે ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી માટે આયોજન કરવામાં આવ્યું છે. સવારે 5.30 વાગ્યે મંગળા આરતી, 6.45 વાગ્યે શૃંગાર દર્શન, 8.30 વાગ્યે 108 કુંડી મહા મારૂતિ યજ્ઞ, 10.30 વાગ્યે અન્નકૂટ દર્શન, 11.15 વાગ્યે દાદાના દિવ્ય દરબારમાં ઢોલ નગારા સંગાથે વાજતે ગાજતે શ્રી ધજાજી આરોહણ ઉત્સવ, રાજભોગ આરતી તથા જન્મોત્સવ બપોરે 12 વાગ્યે અને ત્યારબાદ સંઘ્યા આરતી સાંજે 7 કલાકે તથા આખો દિવસ દાદાના મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી સંકલ્પસિધ્ધ હનુમાન પાંચ વખત મહાઆરતી
રાજકોટ શહેરન કાલાવડ રોડ ઉપર આવેલ શ્રી સંકલ્પસિધ્ધ હનુમાનજી મંદિરે દાદાના સાંનિધ્યમાં હનુમાન જયંતી મહોત્સવના પવિત્ર દિવસે સંતોના માર્ગદર્શન હેઠળ દાદાના જન્મોત્સવની આનંદ અને ઉલ્લાસ તેમજ ભવ્ય અન્નકૂટ સાથે ભવ્યાતિ ભવ્ય મહાઆરતી સાથે ઉજવણી માટે આયોજન કરવામાં આવ્યું છે. સવારે ભવ્ય મહા અન્નકૂટ દાદાની સમક્ષ ધરવામાં આવ્યો હતો. ત્યારબાદ પાંચ વખત મહાઆરતી થશે જેમાં પ્રથમ આરતી સાંજે 7 વાગ્યે બીજી રાત્રે 8 વાગ્યે, ત્રીજી રાત્રે 9 વાગ્યે, ચોથી રાત્રે 10 વાગ્યે, પાંચમી મહાઆરતી 11 કલાકે સાથે ભવ્ય સેલિબ્રેશન કરવામાં આવશે. મંદિર સંચાલકો દ્વારા દાદાના દર્શન કરવા અને દાદાની જયંતિ મહોત્સવને વધાવવા રાજકોટની દરેક ભાવિક જનતાને મહાઅન્નકૂટના દર્શન કરવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. સુર્યમુખી ગામઠી થીમ બેઝ શણગાર
રાજકોટના ગોંડલ રોડ પર આવેલ સૂર્યમુખી હનુમાનજી મંદિર ખાતે પણ ભવ્ય શણગાર સાથે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી માટે આયોજન કરવામાં આવ્યું છે. દાદાના મંદિર ખાતે રજવાડી ગામઠી થીમ બેઝ શણગાર કરવામાં આવ્યો છે અને ગામડામાં જોવા મળતા નળીયા વાળા મકાન જેવી ઝૂંપડી તૈયાર કરવામાં આવી છે. જેમાં નળિયાં ઉપર એક મોર પણ બેઠેલો જોવા મળી રહ્યો છે. સાંજે આરતી પૂર્ણ થયા બાદ લોકો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે મંદિરની બહાર ખાસ વિશાળ LED સ્ક્રીન સાથેનો એન્ટ્રી ગેટ તૈયાર કરવામાં આવ્યો છે જે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. પેડક રોડ પરના બાલક હનુમાન ખૂબ જ પ્રખ્યાત
રાજકોટના સામાં કાંઠા વિસ્તારમાં પેડક રોડ પર આવેલ બાલક હનુમાન મંદિર ખૂબ પ્રખ્યાત છે. જ્યારે હનુમાન જયંતીના દિવસે ત્યારે ખાસ ડેકોરેશન કરવામાં આવ્યું છે જેમાં મંદિર ખાતે દાદાને ભવ્ય શણગાર સાથે સાથે હનુમાનજી મહારાજની વાનર સેના ધ્યાનમાં રાખી હનુમાનજી મૂર્તિની આસપાસ વાનરો લટકતા મુકવામાં આવ્યા હતા અને એક અનોખો શણગાર કરવામાં આવ્યો છે. અહીંયા રાજકોટ શહેરના રૈયા ટેલિફોન એકસચેંજ નજીક 150 ફુટ રીંગ રોડ પર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ ત્રિમૂર્તિ બાલાજી મંદિર ખાતે હનુમાન જયંતી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં સવારે 7 વાગ્યે મંગળા આરતી, ત્યારબાદ 8 વાગ્યે મારૂતિ યજ્ઞ પ્રારંભ, બપોરે 12 વાગ્યે રાજભોગ આરતી, સાંજે 4.30 વાગ્યે સુંદરકાંડના પાઠ, સાંજે 7 વાગ્યે મહાઆરતી તથા સાંજે 7.30 વાગ્યાથી મહાપ્રસાદનો પ્રારંભ થશે. બપોરે 12.30 વાગ્યે રાજભોગ દર્શન થશે.