સુરતના વરાછા વિસ્તારમાં શુક્રવારે રાત્રે બાઇકના યુ-ટર્ન બાબતે થયેલા તકરાર બાદ બે સગીરે એક વૃદ્ધ વ્યક્તિનો પીછો કરી તેમની પીઠમાં ચાકૂથી ઘા મારી હત્યા કરી નાખી હતી. મૃતક થોડા દિવસ પહેલાં જ પવિત્ર નર્મદા પરિક્રમા પૂર્ણ કરીને તેમના નાના ભાઈના ઘરે મળવા આવ્યા હતા. બંને સગીરની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. વિવાદ બાઈક યૂ ટર્ન લેવા મુદ્દે થયો હતો
આ ઘટનાને લઈ વરાછા પોલીસે મૃતકના ભાઈની ફરિયાદના આધારે અજાણ્યા બે સગીર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે. જાણવા મળ્યું છે કે, સમગ્ર વિવાદ બાઈક યૂ ટર્ન લેવા મુદ્દે થયો હતો. મૃતકના પરિવારજનો રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાણેલી ગામના નિવાસી છે અને હાલમાં સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ વ્રજભૂમિ સોસાયટીમાં રહે છે. ભરતભાઈ દયારામભાઈ નિમાવત (ઉંમર 58)એ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું કે, તેઓ ત્રીકમનગર વિસ્તારમાં ‘જય કમલાદે’ નામની ચૂંદડીની દુકાન ચલાવે છે. 11 એપ્રિલના સાંજના લગભગ 8 વાગ્યે ભરતભાઈ, તેમના ભાઈ જયેશભાઈ (ઉંમર 59) અને મિત્ર સુરેન્દ્રભાઈ દુકાન બંધ કરી ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન તેઓ લાભેશ્વર મંદિરની દિશામાં જઈ રહ્યા હતા ત્યારે જાનકી જ્વેલર્સ પાસેની ગલીમાંથી બે સગીર સિલ્વર કલરની સ્કૂટી પર આવી તેમની બાઈક સામે આવી ગયા ત્યારે થોડીક માથાકૂટ થઈ અને બાદમાં એ સગીરોએ પીછો કરી ચાકૂથી હુમલો કર્યો હતો. ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી
આ ઘટનાને જોઈ લોકો એકઠા થયા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. પહેલા તેને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને ત્યારબાદ ત્યાંથી કિરણ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. વરાછા પોલીસ મથકે હત્યાનો ગુનો દાખલ થયો છે. પોલીસ પ્રાથમિક રીતે એક તરફી રંજિશ તરીકે પણ તપાસ કરી રહી છે, કારણ કે થોડા સમયની મૌખિક તકરાર બાદ જ હુમલો થયો હતો, જે પૂર્વનિયોજિત હોવાનો અનુમાન લગાવવામાં આવી રહ્યો છે. ઘટનાની વિસ્તૃત તપાસ ચાલી રહી છે. ભાઈએ એક ને થપ્પડ મારી હતી
ભરતભાઈએ જણાવ્યુ હતું કે, જ્યારે તેમના ભાઈએ છોકરાઓને ધીમે ચલાવવા કહ્યું, ત્યારે બંને છોકરાઓ ગાળો આપવા લાગ્યા હતા ત્યારે જયેશભાઈ અને સુરેન્દ્રભાઈ તેમનાં નજીક ગયા, ત્યારે થોડોક વાદવિવાદ થયો અને જયેશભાઈએ એક છોકરાને થપ્પડ મારી દીધી હતી. ત્યારબાદ ત્રણેય લોકો બાઈક પર આગળ નીકળી ગયા હતા. જ્યાં સુધી તેઓ હોસ્પિટલ પાસે પહોંચ્યા ત્યાં પાછળથી એ જ બંને છોકરાઓ ફરી સ્કૂટી પર આવી ગયા. સ્કૂટીના ડ્રાઈવરે જયેશભાઈની પીઠમાં ચાકૂથી ઘા મારી દીધો. સ્કૂટી પર પાછળ બેઠેલા સગીરે ચીસ પાડીને કહ્યું, “મારી નાખ, જીવતો બચવો નહીં જોઈએ”. હુમલાના તરત બાદ બંને છોકરાઓ ફરાર થઈ ગયા હતા. ભરતભાઈની ફરિયાદના આધારે વરાછા પોલીસે અજાણ્યા બે સગીર વિરુદ્ધ હત્યાના ગુનામાં ફરિયાદ દાખલ કરી છે. પોલીસે હુલિયા અને સ્કૂટીના નંબરના આધારે આરોપીઓની અટકાયત કરી છે.