પંચમહાલ પેરોલ-ફર્લો સ્કવોર્ડે એક મોટી સફળતા મેળવી છે. સ્કવોર્ડે હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાતના કેસમાં રાજસ્થાનથી એક આરોપીની ધરપકડ કરી છે. પંચમહાલ-ગોધરા રેન્જના IGP આર.વી.અસારી અને SP હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ નાસતા-ફરતા આરોપીઓને પકડવાની વિશેષ ઝુંબેશ ચાલી રહી છે. પેરોલ ફર્લો સ્કવોર્ડના PSI એસ.આર.શર્માએ આ અભિયાન માટે સ્ટાફને વિશેષ સૂચનાઓ આપી હતી. ASI હાર્દિકકુમાર કાનાભાઈને ટેકનિકલ એનાલિસિસ અને માનવીય સ્રોતો દ્વારા આરોપી વિશે માહિતી મળી હતી. આ માહિતીના આધારે પોલીસે વિશ્વાસઘાતના ગુન્હામાં વોન્ટેડ આરોપી ગણેશ પુરણસિંહ રાવતને તેના વતન પેટાખેડા (કોટ), રાયપુર, રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે. આરોપી સામે IPC કલમ 407, 420, 114 અને 120(B) હેઠળ ગુનો નોંધાયેલો હતો. પોલીસે આરોપીને હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે. હવે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.