back to top
Homeગુજરાત‘ગુજરાતમાં રિઅલ એસ્ટેટનો ખૂબ જ અસમાન વિકાસ’:34% વસતિ ધરાવતા 5 મહાનગરમાં 3.98...

‘ગુજરાતમાં રિઅલ એસ્ટેટનો ખૂબ જ અસમાન વિકાસ’:34% વસતિ ધરાવતા 5 મહાનગરમાં 3.98 લાખ કરોડ, 66% વસતિ ધરાવતા 28 જિલ્લામાં માત્ર 25 હજાર કરોડના પ્રોજેક્ટ

યાજ્ઞિક પરીખ
ગુજરાતમાં રિઅલ એસ્ટેટનો ખૂબ જ અસમાન વિકાસ થયો છે. આ વિગત ગુજરાત રિઅલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (ગુજરેરા)ના 2023-24ના વાર્ષિક અહેવાલમાં સામે આવી છે. રાજ્યમાં 34% વસતિ ધરાવતા પાંચ જિલ્લામાં 3.98 લાખ કરોડની કિંમતના 11384 હાઉસિંગ-કોમર્શિયલ પ્રોજેક્ટ રેરા રજીસ્ટર્ડ છે. આ 85% પ્રોજેક્ટ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં છે. અન્ય 28 જિલ્લામાં 25 હજાર કરોડની કિંમતના 2079 પ્રોજેક્ટ(15%) છે. રાજ્યમાં 31 માર્ચ 2024ની સ્થિતિએ 13463 પ્રોજેક્ટ રેરા રજીસ્ટર્ડ છે. તેમાં 10,867 પ્રોજેક્ટ રેસિડેન્સિયલ/ગ્રુપ હાઉસિંગ અથવા મિક્સ(હાઉસિંગ-કોર્મશિયલ) છે. કુલ 7305 પ્રોજેક્ટ પૂર્ણ થઇ ગયા છે. પરંતુ તેમાં આવેલા 8 લાખ ઘર-દુકાનમાંથી 29%નું વેચાણ થયું નથી. 2022-23ની સરખામણીએ 2023-24માં એકદંરે રિઅલ એસ્ટેટની વૃદ્ધિ 7.7% ઘટી છે. 19 જિલ્લા એવા છે જેમાં ખૂબ જ ઓછા રેરા રજીસ્ટર્ડ પ્રોજેક્ટ છે. તેમાં મોરબી, સુરેન્દ્રનગર, , દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, પાટણ, , બોટાદ, મહિસાગર, અરવલ્લી, નર્મદા, છોટા ઉદેપુર, તાપી, ડાંગ જેવા જિલ્લા સામેલ છે. { શહેરોમાં સ્થળાંતર અટકાવવા નીતિની જરૂર
રિપોર્ટમાં જણાવાયું છે કે રાજ્યમાં રિઅલ એસ્ટેટ ક્ષેત્રે અસમાન વિકાસ થયો છે. ઘણા વિસ્તારો અનકવર્ડ છે. નોન-મેટ્રો વિસ્તારોમાં થોડાક રિયલ એસ્ટેટ પ્રોજેકટ્સ છે. જેથી ખૂબ જ અસમાન વિકાસ થયો છે. પહેલેથી જ વિકસિત શહેરી કેન્દ્રોમાં મોટા પાયે સ્થળાંતર અટકાવવા અને સમાન વિકાસ સુનિશ્ચિત ક૨વા માટે આ વિસ્તારો માટે યોગ્ય નીતિઓ વિશે વિચારવાની જરૂર છે. વધતી વસતિના પ્રમાણમાં અસમાન વિકાસ છે. { સારી શિક્ષણ, મેડિકલ સુવિધા મળે તો લોકો ત્યાં રહે
મહાનગરોમાં ધંધા, રોજગાર, એજ્યુકેશન, મેડિકલ બધા જ પ્રકારની સગવડો હોવાથી લોકો ત્યાં જઇ રહ્યા છે. શહેરોમાં માસ માઇગ્રેશન અટકાવવાની નીતિની જરૂરિયાત છે. રાજ્યના કેપિટલની આજુબાજુ જ વિકાસ હોય છે. -એમ.એ.ગાંધી(નિવૃત્ત IAS), સભ્ય, રેરા વૈશ્વિક બ્રહ્મભટ્ટ, અર્બન ડેવલપમેન્ટ-રેરા એક્સપર્ટ મોટા શહેરોમાં માસ્ટર પ્લાન, અર્બન રિન્યુઅલ, ટાઉન પ્લાનિંગ યોજના વધુ અને તેનું અમલીકરણ ઝડપી હોય છે. જ્યારે નાની નગરપાલિકાઓ પાસે આવી યોજનાઓ નહિવત અથવા નથી હોતી. વધુમાં તેના અમલીકરણમાં વિલંબ થાય છે. નગરપાલિકામાં ડેવલપમેન્ટ અને બીયુ પરમિશન મેળવવામાં વિલંબ થાય છે, કારણ કે માનવ સંસાધન, ટેકનિકલ ક્ષમતા અને ફંડની અછત હોય છે. મોટા શહેરો માર્કેટ સાઇઝ, વળતરના કારણે ખાનગી રોકાણકારોને વધુ આકર્ષે છે. નાનાં શહેરો અને નગરપાલિકા આવા રોકાણને આકર્ષવામાં પાછળ રહી જાય છે. તેથી આર્થિક વિકાસ અને રેરા રજીસ્ટ્રેશનમાં પાછળ રહી જાય છે. { દસ્તાવેજથી લઇ નબળી કામગીરીની ફરિયાદો… 2017થી ગુજરેરાને મકાન-દુકાન લેનાર અને બિલ્ડર તરફથી વેચાણ દસ્તાવેજથી માંડીને નબળી કામગીરી, વ્યાજ સાથે રિફંડ મેળવવા, કબજો મેળવવા, સામાન્ય સુવિધો, સોસાયટી-જાળવણી, વળતર, બીયુ પરવાનગી, ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની અને પ્રમોટર દ્વારા ગેરમાર્ગે દોરવા અંગેની કુલ 3377 ફરિયાદો થઇ છે. તેમાંથી 2502(74%)નો નિકાલ થયો છે. સૌથી વધુ 1271 ફરિયાદ અમદાવાદમાંથી થઇ હતી. 2023-24માં 655માંથી 291 ફરિયાદનો નિકાલ થયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments