રાજકોટના જામનગર રોડ પર દેશની સૌ પ્રથમ અત્યાધુનિક ડિસ્ટ્રિક્ટ કોર્ટ રૂ.110 કરોડના ખર્ચે નિર્માણ પામી છે અને સવા વર્ષ પહેલાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નવા કોર્ટ બિલ્ડિંગમાં અનેક સ્થળો પર દીવાલોમાં તિરાડો પડી ગઇ છે, લાદીઓ તૂટી ગઇ છે, બાથરૂમમાંથી અરીસા ગાયબ છે, મુલાકાતીઓને બેસવા માટેની ચેરના રેકઝીન ફાટી ગયા છે અનેક સ્થળે પાન-માવાની પિચકારી મારેલી જોવા મળે છે અને હજુ તો એક જ ચોમાસાની સિઝન ગઇ હોવા છતાં ભરઉનાળે ભેજ ઉતરેલો જોવા મળી રહ્યો છે. ગુજરાત સરકારના કાયદા વિભાગ દ્વારા રાજકોટના જામનગર રોડ પર ઘંટેશ્વર ખાતે કુલ 56658 ચો.મી. જગ્યામાં ગુજરાત જ નહીં, પરંતુ દેશના સૌથી મોટી ડિસ્ટ્રિક્ટ કોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું હતું. કામ અમદાવાદની એક એજન્સીને આપવામાં આવ્યું હતું અને તેમાં રૂ.85 કરોડના ખર્ચે સિવિલ વર્ક તથા રૂ.25 કરોડના ખર્ચે ફર્નિચર કરાયું હતું. નવા કોર્ટ બિલ્ડિંગનું નિર્માણ થઇ જતા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા દ્વારા ગત 6-01-2024ના રોજ તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મોટાભાગની કોર્ટ સીસીટીવીથી વંચિત રાજકોટ બાર એસોસિએશન સાથે જોડાયેલા અમુક સભ્યોએ જણાવ્યું હતું કે, નવા કોર્ટ બિલ્ડિંગમાં હજુ જૂની કોર્ટના સીસીટીવી કેમેરા લોબીમાં ફિટ કરવામાં આવી રહ્યા છે. જ્યારે મોટાભાગની કોર્ટમાં સીસીટીવી કેમેરા ફિટ કરવાના બાકી છે. જેના કારણે બાહુબલી અને માલદાર ગુનેગારોને કોર્ટમાં લાવવામાં આવે ત્યારે તેમના મળતિયાઓ અને પરિવારજનો કોર્ટ તથા જજની પરવાનગી વગર કાયદાનો ભંગ કરીને તેમને મળી લેતા હોય છે અને તેમને રોકી શકાતા નથી. સિનિયર સિટિઝનોને બેસવું ક્યાં? ખુરશી તૂટેલી મુલાકાતીઓને બેસવા માટેની સીટો ફાટી ગઇ હોય બહારગામથી કોર્ટમાં મુદતે આવતા સિનિયર સિટિઝનોને તેમનો વારો આવે ત્યાં સુધી કોર્ટમાં બેસવું ક્યાં? તેવો પ્રશ્ન ઊભો થતો હોય છે. સીટ ફાટી જવાથી વૃદ્ધ લોકોને પણ ફરજિયાત કોર્ટમાં ઊભા રહીને પોતાના વારાની રાહ જોવી પડતી હોવાની ફરિયાદો સાંભળવા મળી રહી છે. લાદીમાં તિરાડો ચાલતી વેળા પગમાં ઠેંસ આવે તેવી તિરાડો પડી ગઇ. પાનની પિચકારી બારીની બહારના ભાગે અનેક સ્થળે પાનની પિચકારી. નળ ગાયબ બાથરૂમમાં અમુક નળ બંધ અમુક ચોરાઇ ગયા. નવા કોર્ટ બિલ્ડિંગના લોકાર્પણ બાદ વકીલોના ટેબલો મૂકવાથી શરૂ થયેલા વિવાદો નવા ડિસ્ટ્રિક્ટ જજ આવ્યા બાદ પૂર્ણ થયા બાદ હવે નવા પ્રશ્નો મોઢું ફાડીને બેઠા થયા છે. આ નવા કોર્ટ બિલ્ડિંગની જાળવણીમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવતી હોવાનું ચિત્ર ખડું થયું છે. કોર્ટ બિલ્ડિંગમાં અનેક ફ્લોર પર લાદીઓ તૂટી ગઇ છે. આ ઉપરાંત બિલ્ડિંગમાં અનેક સ્થળો પર પાનની પિચકારીના ડાઘા જોવા મળી રહ્યા છે. તેમજ પાંચમા માળે નબળા બાંધકામની ચાળી ફૂંકતા હોય તેમ અનેક સ્થળે દીવાલોમાં તિરાડો પડી ગઇ છે અને ભેજ પણ ઉતરી રહ્યો છે. આમ છતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા અમદાવાદની એજન્સીને એકપણ વખત કામગીરી સરખી કરવાનું કહેવામાં ન આવતા વકીલોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.