હિંમતનગર-ગાંભોઈ નેશનલ હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો છે. કાંકરોલ અને આગીયોલ વચ્ચે મિરર ક્યુબ હોટલ સામે શનિવારે રાત્રે 1:30 વાગ્યે આ ઘટના બની હતી. હિંમતનગરથી ગાંભોઈ તરફ જતી કાર જ્યારે એક ટ્રકને ઓવરટેક કરી રહી હતી ત્યારે અચાનક રસ્તા પર આવેલી ગાય સાથે અથડામણ થઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે કાર સર્વિસ રોડના ડિવાઈડર સાથે ટકરાઈને પલટી ખાઈ ગઈ હતી. કારમાં સવાર તમામ મુસાફરોની કિસ્મત સારી હતી. કારમાં લાગેલા એરબેગ તરત જ ખૂલી જતાં કાર ચાલક સહિત ચારેય મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. જો કે, આ અકસ્માતમાં ગાયનું મૃત્યુ નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ ત્યાંથી પસાર થતા વાહન ચાલકોએ તાત્કાલિક 108 અને તંત્રને જાણ કરી હતી. બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.