અજય ગોસ્વામી
વાઘોડિયામાં ભાડા પટ્ટાની જમીનની વેચાણની નોંધ પ્રોપર્ટી કાર્ડમાં નામંજૂર થયાના 1 વર્ષ બાદ ભાજપના નેતાએ દસ્તાવેજ કરી કોમર્શિયલ ઇમારત તાણી બાંધી હોવાનો ઘટસ્ફોટ થયો છે. બીજી તરફ નાયબ કલેક્ટરે આ જમીન શ્રીસરકાર કરવા આદેશ કર્યો છે. આ કોમર્શિયલ ઇમારતની અંદાજિત કિંમત 15 કરોડ હોવાનું મનાય છે.
વડોદરા જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પુરાણીએ વાઘોડિયાના બજારની મધ્યમાં ભાડાપટ્ટાની કોમર્શિયલ બિલ્ડિંગ બાંધી દીધી છે. આશરે 6700 ચોરસ ફૂટ જમીન પર બંધાયેલા કલ્પચંદ્ર આઇકોન નામની ઈમારતમાં ભોંય તળિયે અંદાજે 32 જેટલી દુકાનો તથા બીજા માળે 12 ઓફિસ કમ ફ્લેટ બાંધવામાં આવ્યા છે. બજારની મધ્યમાં આવેલી જમીન અને ઇમારતની કિંમત હાલના બજાર ભાવ પ્રમાણે 15 કરોડ જેટલી થાય છે. 1964ના રેકોર્ડ પ્રમાણે સુમંતલાલ મોતીલાલ જયસ્વાલે આ જમીન ભાડાપટ્ટે લીધી હતી, જેનું ભાડું ફેરફારને પાત્ર નથી. સુમંતના વારસદાર મુકેશ જયસ્વાલ પાસેથી ભાડાપટ્ટાની જમીન 2018માં સ્વ.મહેન્દ્ર મિશ્રાએ 1.10 કરોડમાં ખરીદી હતી. જોકે પ્રોપર્ટી કાર્ડમાં મહેન્દ્ર મિશ્રાનું નામ ચઢાવવાની નોંધ સીટી સર્વે કચેરીએ નામંજૂર કરી હતી. એટલે કે જમીન પર મહેન્દ્ર મિશ્રાની માલિકીનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. દરમિયાન નિલેષકુમાર ચંદ્રકાંત પુરાણી અને ભાવના નિલેષકુમાર પુરાણીએ 13 સપ્ટેમ્બર-2021ના રોજ મહેન્દ્ર મિશ્રાના વારસદારો પાસેથી રૂા.1,20,00111માં જમીન ખરીદી હતી, જેનું નામ પ્રોપર્ટી કાર્ડમાં ચઢ્યું ન હતું. બાંધકામ કરવા ભાવના નિલેષ પુરાણીના નામે પરવાનગી લઈ કલ્પચંદ્ર આઇકોન નામની કોમર્શિયલ ઇમારત ઊભી કરાઈ છે. ભાડા પટ્ટાની સરકારી જમીન પર માલિકીના વિવાદમાં ડભોઇ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. નાયબ કલેક્ટર રવિરાજસિંહ પરમારે મહેન્દ્ર મિશ્રાની અરજી નામંજૂર કરી જમીન ’શ્રીસરકાર’ કરવા આદેશ કર્યો હતો.
જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેષ પુરાણીએ જણાવ્યું કે વાઘોડિયામાં B સત્તા પ્રકારની 515 પ્રકારની શ્રીસરકાર જમીનો છે. જેમાં બીજી, ત્રીજી અને ચોથી પેઢીની જમીનોમાં કોઈમાં 50 તો કોઈમાં 20 એન્ટ્રી મંજૂર છે. જેમાં 4 સર્વે નંબરમાં કોમ્પ્લેક્સ અને સોસાયટી બની એન્ટ્રી પડી 109 મકાન વેચાયાં છે. વાઘોડિયાના વિકાસ માટે સરકારમાં પ્રોપર્ટી કાર્ડમાં એન્ટ્રી માટે રજૂઆત કરી છે. લોકોની સુખાકારી પહેલાં છે.
વાઘોડિયાના તત્કાલીન તલાટી અજય પરમારે જણાવ્યું કે વાઘોડિયાના બજારમાં બનેલા કલ્પચંદ્ર આઇકોનની રજા ચીઠ્ઠી માટે પ્લોટના વેચાણ દસ્તાવેજ અને નકશા રજૂ કરવામાં આવ્યા હતા. અમે જે તે સમયે આ 2 દસ્તાવેજ અને ગ્રામ પંચાયતના ઠરાવને આધારે રજા ચીઠ્ઠી આપી છે.
1 વાઘોડિયામાં સીટી સર્વે નં. 529, B-6 સત્તા પ્રકાર હેઠળ કાયમી ભાડા પટ્ટાથી જયસ્વાલ પરિવારને અપાઈ હતી. 1992માં મુકેશ સુમંતલાલ જયસ્વાલનું નામ પ્રોપર્ટી કાર્ડમાં ચઢ્યું. 2 આ જમીન સ્વ.મહેન્દ્ર મિશ્રાએ 13 નવેમ્બર-2020 ના રોજ રૂા.1,10,00,000માં ખરીદી. જોકે તેમનું નામ પ્રોપર્ટી કાર્ડમાં ચઢાવવાની અરજી નામંજૂર કરવામાં આવી હતી. 3 મહેન્દ્ર મિશ્રા પાસેથી આ જમીન નિલેષ પુરાણી અને ભાવના પુરાણીએ 13 સપ્ટેમ્બર-2021 ના રોજ રૂા.1,20,00,000માં વેચાણ દસ્તાવેજ કરી ખરીદી હતી. 3 દિવસમાં જ 2 પરવાનગીઓ આપી દેવાઇ
કલ્પચંદ્ર આઇકોન ઇમારતના બાંધકામ માટે વાઘોડિયા ગ્રામ પંચાયતનાં સરપંચ લક્ષ્મીબેને 22 ઓક્ટોબર-2021ના રોજ પરવાનગી આપી હતી. જ્યારે 25 ઓક્ટોબર-2021ના રોજ માત્ર નકશા અને દસ્તાવેજના આધારે તલાટી અજય પરમાર અને સરપંચે પરવાનગી આપી હતી.