ગુજરાતનું સૌ પ્રથમ ડોગ સ્મશાન અમદવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવેલા કરુણા મંદિર ખાતે બનવા જઈ રહ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. 30 લાખના ખર્ચે CNG ડોગ સ્મશાન બનાવવામાં આવશે. જેમાં શહેરમાં મૃત પામતા કુતરાઓની અંતિમક્રિયા કરાશે. આ સ્મશાનમાં સીએનજી ભઠ્ઠી હોવાના કારણે એકસાથે બે ડોગની અંતિમક્રિયા થઈ શકશે. જે નાગરિકો પોતાના મૃત પેટ ડોગના અંતિમ સંસ્કાર કરવા માંગશે તેઓ પણ અહીંયાં અંતિમ સંસ્કાર કરી શકશે તેના માટે આગામી દિવસોમાં ચાર્જ નક્કી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેટ ડોગના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં 5000થી વધુ પેટ ડોગના રજિસ્ટ્રેશન થઈ ચૂક્યાં છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં સ્ટ્રીટ ડોગ પણ આવેલા છે. ડોગ રિહેબ સેન્ટરની જોડે જ ડોગ સ્મશાન બનાવવાનો નિર્ણય
CNCD વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બે વર્ષથી શહેરમાં ડોગ માટેનું સ્મશાન બનાવવા માટેની પ્રક્રિયા અંગે વિચારણા હાથ ધરવામાં આવી રહી હતી. શહેરથી દૂર ગ્યાસપુર નજીક ડોગ સ્મશાન બનાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે, ત્યારબાદ ડોગ સ્મશાન બનાવવા અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહોતો. તાજેતરમાં જ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા ડોગ સ્મશાન બનાવવાને લઈને સૂચના આપવામાં આવી હતી. જેના પગલે દાણીલીમડા ખાતે આવેલા કરુણા મંદિરમાં જ્યાં ડોગ રિહેબ સેન્ટર બનાવવામાં આવ્યું છે, ત્યાં જ ડોગ સ્મશાન બનાવવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. 30 લાખના ખર્ચે ડોગ સ્મશાન બનાવવામાં આવશે
CNG ભઠ્ઠીવાળું ડોગ સ્મશાન બનાવવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું છે. રૂ. 30 લાખના ખર્ચે ડોગ સ્મશાન બનાવવામાં આવશે. જે માટેનું નવું અત્યાધુનિક સીએનજી ભઠ્ઠીવાળું મશીન ઊભું કરવામાં આવશે. 80 કિલોની ક્ષમતા ધરાવતું અંતિમક્રિયા માટેનું મશીન બનાવવામાં આવશે. જેમાં એકસાથે બે ડોગની અંતિમક્રિયા થઈ શકશે. નાગરિકોને પોતાના પેટ ડોગ માટે ખૂબ જ લાગણી હોય છે. ઘરમાં પરિવારના સભ્ય તરીકે પેટ ડોગને રાખતા હોય છે ત્યારે તેની અંતિમક્રિયા હવે ખૂબ જ સન્માન સાથે થાય તેવી આખી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. પેટ ડોગ માટે આગામી દિવસોમાં ચાર્જ નક્કી થશે
CNCD વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મિરાંત પરીખે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, CNG ગેસ ભઠ્ઠીવાળું સૌ પ્રથમ ગુજરાતનું ડોગ સ્મશાન દાણીલીમડા ખાતે આવેલા કરુણા મંદિરમાં બનવા જઈ રહ્યું છે. CNG ભઠ્ઠીથી બનાવેલા ડોગ સ્મશાનના કારણે પર્યાવરણ અને સાયન્ટિફિક રીતે પણ ખૂબ ફાયદો થાય છે. જે પેટ ડોગ મૃત્યુ પામ્યા હોય તેઓ અંતિમવિધિ કરી શકે તેના માટે આગામી દિવસોમાં ચાર્જ નક્કી થશે. રોજના અંદાજે 8-10 પશુની ફરિયાદ મળે છે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેટ ડોગના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં 5000થી વધુ પેટ ડોગના રજિસ્ટ્રેશન થઈ ચૂક્યાં છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં સ્ટ્રીટ ડોગ પણ આવેલા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનને રોજના અંદાજે 40થી 50 જેટલાં મૃત પશુઓના નિકાલ માટેની ફરિયાદો મળે છે. જેમાં અંદાજે 8થી 10 જેટલા કુતરાઓનો સમાવેશ થાય છે. પ્રાણીઓના સન્માનનીય રીતે અંતિમ સંસ્કાર થાય તેના માટે કોર્પોરેશન દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે જે અંતર્ગત ડોગ સ્મશાન બનાવવામાં આવ્યું છે. મૃત પશુના નિકાલ માટે કોર્પોરેશનનો ફરિયાદ નંબર
શહેરમાં કોઈપણ જગ્યાએ જો પશુ મૃત્યુ પામે છે તો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેનો યોગ્ય નિકાલ કરવામાં આવતો હોય છે. નાગરિકોને શહેરમાં ક્યાંય પણ મૃત પશુ જોવા મળે તો મ્યુનિસિપલ કોર્પોરેશનના ફરિયાદ નંબર 155303 ઉપર ફોન કરી અને પશુના નિકાલ માટેની ફરિયાદ નોંધાવી શકે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની પશુ નિકાલ કરતી ટીમ સ્થળ પરથી મૃત પશુને લઈ જઈ તેનો યોગ્ય રીતે નિકાલ કરે છે.