back to top
Homeગુજરાતપરિવાર મરણ પ્રસંગમાં ગયો હતો ને તસ્કરો ત્રાટક્યા:વડોદરામાં નિવૃત્ત RFOના બંધ મકાનના...

પરિવાર મરણ પ્રસંગમાં ગયો હતો ને તસ્કરો ત્રાટક્યા:વડોદરામાં નિવૃત્ત RFOના બંધ મકાનના તાળાં તૂટયાં, તસ્કરો પત્ની અને પુત્રવધૂના દાગીના ચોરી ગયા

વડોદરા જિલ્લાના વાઘોડિયા નગરમાં પત્ની સાથે નિવૃત્ત જીવન જીવતા RFOના બંધ મકાનના તસ્કરો તાળા તોડી ચોરીને અંજામ આપ્યો હતો. ઘરમાંથી પત્ની અને ડોક્ટર પુત્રના પત્નીના રૂપિયા 8 લાખના સોનાના દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. મરણ પ્રસંગમા ગયેલા પરિવારના મકાનમાં થયેલી ચોરીના બનાવે નગરમાં ચકચાર જગાવી મૂકી છે. આ બનાવ અંગે વાઘોડિયા પોલીસે ડોગ સ્કવોડ અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોની મદદ લઈ તપાસનો દોર શરૂ કર્યો છે. નિવૃત્ત RFO પત્ની સાથે રહે છે
મળેલી માહિતી પ્રમાણે વાઘોડિયામાં બજાર ચોકમાં રહેતા નિવૃત્ત RFO 65 વર્ષીય જીતેન્દ્રભાઈ જયંતીભાઈ કાશીવાલા પત્ની શકુંતલાબેન સાથે રહે છે. તેમનો BHMS થયેલ ડોક્ટર પુત્ર પ્રિયેશકુમાર વાઘોડિયામાં ક્લિનિક ચલાવે છે. અને પત્ની દિપાલીબેન સાથે 207 સંસ્કૃતિ ટાવર સનમિલન કોમ્પ્લેક્સ વાઘોડિયા ખાતે રહે છે. કાકીનું મૃત્યુ થતાં ત્યાં ગયા હતા
વાઘોડિયા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ તારીખ 11 એપ્રિલે જીતેન્દ્રભાઈ કાશીવાલાના જુના પાદરા રોડ, વડોદરા ખાતે રહેતા મોટા કાકી લીલાબેન કાછીવાલાનું અવસાન થયું હોવાથી તેઓ તેમની પત્ની અને સંસ્કૃતિ ટાવર સનમિલન કોમ્પ્લેક્સમાં રહેતા પુત્ર અને પુત્રવધૂ સાથે ગયા હતા. પુત્ર ઘરે જતાં મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હતું
જીતેન્દ્રભાઈ તેમના પત્ની સાથે બે દિવસ રોકાઈ ગયા હતા. તારીખ 13 એપ્રિલે ડો.પ્રિયેશકુમાર કાશીવાલા વાઘોડિયા પરત ફર્યા હતા અને બપોરના સમયે પોતાના પિતા જ્યાં રહે છે તે ચોક બજારના ઘરે ટિફિન લઈને જમવા માટે ગયા હતા. ત્યારે મકાનના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું જોતા ચોકી ઉઠ્યા હતા. ઘરમાં જઇ વધુ તપાસ કરતા તિજોરીનો સામાન વેરવિખેર જોતા તુરંત જ તેમને પિતાને ટેલિફોનિક જાણ કરતા ચાણોદ મોટા કાકીના અસ્થિ વિસર્જન માટે ગયેલા જીતેન્દ્રભાઈ કાશીવાલા વાઘોડિયા ખાતે દોડી આવ્યા હતા અને ઘરમાં તપાસ કરતા તસ્કરો તિજોરીમાં મુકેલા સોનાના તમામ દાગીના ચોરી ગયા હોવાનું જણાયું હતું. પત્ની અને પુત્રવધૂના સોનાના દાગીનાની ચોરી
જીતેન્દ્રભાઈ કાશીવાલાએ આ બનાવ અંગેની જાણ વાઘોડિયા પોલીસ મથકમાં કરતા પી.આઇ. પી.આર. જાડેજા સ્ટાફ સાથે દોડી આવ્યા હતા. તે સાથે જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. કૃણાલ પટેલ પણ સ્ટાફ સાથે દોડી આવ્યા હતા. અને પ્રાથમિક વિગતો મેળવીને તપાસ શરૂ કરી હતી. જીતેન્દ્રભાઈ કાશીવાલાએ ઘરમાંથી તસ્કરો પત્ની શકુંતલાબેન અને પુત્રવધુ દિપાલીબેનના સોનાના દાગીના ચોરી ગયા ચોરી થઈ હોવાની પોલીસને માહિતી આપી હતી. પોલીસે માહિતીના આધારે તપાસનો દોર શરૂ કર્યો હતો. ચોરીનો ભેદ ઉકેલવા ડોગ સ્કવોડ-ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોની મદદ લેવાઈ
દરમિયાન વાઘોડિયા પોલીસે જીતેન્દ્રભાઈ કાશીવાલાની ફરિયાદના આધારે તસ્કરો બંધ મકાનના તાળા તોડી ઘરમાંથી રૂપિયા 8 લાખના દાગીના ચોરી કરી ગયા હોવાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલવા માટે ડોગ સ્કવોડ અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોની પણ મદદ લીધી હતી. જોકે પોલીસને હજુ સુધી તસ્કરો અંગેના કોઈ સગડ મળ્યા નથી. બજારમાં આવેલા મકાનમાંથી ચોરીની ઘટનાથી સ્થાનિકોમાં ફફડાટ
વાઘોડિયામાં નિવૃત્ત આરએફઓ જીતેન્દ્રભાઈ કાશીવાલાના ઘરમાં થયેલી લાખો રૂપિયાની ચોરીના બનાવે ચકચાર જગાવી મૂકી છે. નોંધનીય બાબતે એ છે કે ભર બજારમાં આવેલા મકાનમાંથી થયેલી ચોરીના બનાવે લોકોમાં ગભરાટ ફેલાવી દીધો છે. પોલીસે તસ્કરોની ભાળ મેળવવા માટે બજારમાં લગાવેલા વિવિધ સીસીટીવી ફૂટેજો પણ ચેક કરવાની શરૂઆત કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે. જો કે હજુ સુધી પોલીસને આ અંગેની કોઈ માહિતી મળી નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments