અમદાવાદમાં નિકોલના કેટલાક વિસ્તારોમાં છેલ્લા 10 દિવસથી ગટરના પાણી ઉભરાતા લોકો પરેશાન થઈ રહ્યા છે. આજે આ વિસ્તારના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રોષ ઠાલવ્યો હતો. આ સમસ્યા અંગે સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટર સમસ્યાનું નિરાકરણ ન લાવતા હોવાનો આક્ષેપ કર્યો હતો. નિકોલના ગોપાલ ચોક પાસે પાણી ભરાવાની છેલ્લા દસ દિવસથી સમસ્યા છે છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ નિકાલ ન લાવવામાં આવતા સ્થાનિક 100થી વધુ લોકોનું ટોળું રસ્તા ઉપર ઉતરી આવ્યું છે અને રોડ બંધ કરી દીધો હતો. ગોપાલ ચોક તરફનો અવર-જવરનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યા છે લોકોના ટોળેટોળા રોડ ઉપર આવ્યા છે. સ્થાનિક લોકોના આક્ષેપ છે કે પાણી ભરાવવાની સમસ્યા અંગે ભાજપના ધારાસભ્ય અને કોર્પોરેટરોને જાણ કરી તો માત્ર સલાહ સુચન કરી અને જતા રહ્યા છે. કોઈપણ સમસ્યાનું નિકાલ આવ્યો નથી. ગોપાલ ચોક પાસે રસ્તો બંધ કરી વિરોધ નોંધાવ્યો
અમદાવાદના પૂર્વ વિસ્તારના સેટેલાઈટ બનવા જઈ રહેલા નિકોલ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ગટરના પાણી ઉભરાવાની સમસ્યાઓ સામે આવી રહી છે. ગોપાલ ચોક વિસ્તાર, શાલીગ્રામ ફ્લેટ વિસ્તાર, સંકલ્પ સ્કૂલ રોડ કઠવાડા સત્યાગ્રહ, લાઈફ સ્ટાઈલ, મનમોહન પોલીસ ચોકી નજીક આવાસ યોજના સામે સહિતના વિસ્તારોમાં ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે જેના પગલે નિકોલની જનતા ખૂબ જ ત્રસ્ત બની ગઈ છે. છે ગટરના ઉભરાતા પાણીની આખા નિકોલ વિસ્તારમાં ચર્ચા જાગી છે જેને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન અને ભાજપના કોર્પોરેટરો વિરુદ્ધ નાગરિકોમાં ખૂબ રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા દસ દિવસથી લોકો ગટરના ગંદા પાણીથી હેરાન થઈ ગયા છે. બાળકોને સ્કૂલે અવર-જવર કરવી હોય તો તેના માટે ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે ગટરનું પાણી સોસાયટીની પાણીની લાઈનમાં આવી ગયું છે જેના કારણે ગંદુ પાણી પીવાની ફરજ પડે છે લોકો બહારથી પાણી મંગાવી અને પીવું પડે તેવી સ્થિતિ છે.સ્થાનિક લોકો દ્વારા રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો ત્યારબાદ કેટલાક લોકોને જ અવર-જવરમાં તકલીફ પડી હોવાથી જાતે રોડ ખોલી નાખવામાં આવ્યો હતો. લોકો ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયા છે તેમ છતાં પણ કોઈ નિરાકરણ આવતું નથી. નિકોલ વિસ્તારમાં ઉભરાતા પાણીની સમસ્યાને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોન અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે સમગ્ર નિકોલ વિસ્તારનું ગટરનું પાણી ઓઢવ વિસ્તારમાં આવેલા 310 ડ્રેનેજ પંપીંગ સ્ટેશન પાસે જાય છે તેમાં મુખ્ય ટ્રંક લાઈનનો ભાગ આગળ સરદાર પટેલ રિંગ રોડ પરથી પસાર થાય છે તેમાં કઠવાડા ચાર રસ્તા થી થોડા આગળના ભાગે એચપી પેટ્રોલ પંપ નજીક જ્યારે ઔડા દ્વારા બ્રિજ બનાવવાની કામગીરી માટે બંને તરફ આરસીસી રોડ બનાવવામાં આવ્યો ત્યારે ગટરનો મેઈન હોલ દબાવી દેવામાં આવ્યો હતો. જેના પગલે પાણી જવાનું રોકાઈ ગયું હતું અને તેના બેક મારવાની સમસ્યા નિકોલના અલગ અલગ વિસ્તારમાં સર્જાઇ હતી. નિકોલ વોર્ડના ભાજપના કોર્પોરેટર વિલાસબેન દેસાઈએ જણાવ્યું હતું કે, રીંગરોડ પર ઔડા કામગીરીમાં થયેલી ભૂલના કારણે મેન હોલ દબાઈ ગયો તેનાથી નિકોલ વિસ્તારમાં પાણી ઉભરાઈ ગયું છે. આ અંગેની કામગીરી શરૂ થઈ ગઈ છે બે દિવસમાં રિંગ રોડ પરનું કામ પૂર્ણ થઈ જશે. રીંગ રોડ પર આ સમસ્યાના કારણે ટ્રાફિકજામ પણ થાય તેવી સ્થિતિને લઈ તેઓએ જણાવ્યું હતું કે બે દિવસમાં કામગીરી પૂર્ણ થઇ જશે તેવું અધિકારીએ કહ્યું છે. સરદાર પટેલ રિંગરોડ પર નિકોલ કઠવાડા પાસે ઔડાના કોન્ટ્રાક્ટર દ્વારા બ્રિજ બનાવવાની કામગીરી કરવામાં રહી હતી. ત્યારે તેમના દ્વારા સર્જાયેલી ભૂલના કારણે લોકોને મ્યુનિસિપલ કોર્પોરેશનના ધ્યાને આવતા હવે જેસીબી મશીન અને અન્ય સાધનો વડે આરસીસી રોડ તોડી અને કામગીરી કરવામાં આવી રહી છે. જેના પગલે સરદાર પટેલ રિંગરોડ પર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. અડધો રોડ તોડી નાખ્યો છે એક જ તરફનો રોડ ચાલુ છે. જેના કારણે વાહનોમાં અવરજવરની ખૂબ જ તકલીફ પડી રહી છે.