back to top
Homeગુજરાતરેસકોર્સમાં આર્ટ ગેલેરીનું વર્ષનું કામ 18 મહિના બાદ પણ અધૂરું:એપ્રિલનાં અંત સુધીમાં...

રેસકોર્સમાં આર્ટ ગેલેરીનું વર્ષનું કામ 18 મહિના બાદ પણ અધૂરું:એપ્રિલનાં અંત સુધીમાં કામ પૂરું થવાનો તંત્રનો દાવો પણ કોન્ટ્રાક્ટરને પેનલ્ટી અંગે મૌન

રાજકોટનાં કલાકારોને પોતાની કલા પ્રદર્શિત કરવા માટે એક ઉમદા પ્લેટફોર્મ મળી રહે તેમજ અન્ય નાના-મોટા કાર્યક્રમનું આયોજન થઈ શકે તે માટે રેસકોર્સમાં મનપા દ્વારા આર્ટ ગેલેરીનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ આર્ટ ગેલેરી ખખડધજ થઈ હોવાથી વરસાદમાં રીતસરનું પાણી ટપકતું હતું. જેને લઈને ગત તા.19-10-2023થી તેનું રિનોવેશન કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. 1 વર્ષમાં પૂર્ણ થનારા આ કામને 18 મહિના પૂર્ણ થયા છતાં તે પૂરું થયું નથી. જોકે, એપ્રિલનાં અંત સુધીમાં કામ પૂરું થવાનો દાવો તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે પરંતુ, કામમાં વિલંબ બદલ એજન્સીને કોઈ પેનલ્ટી ફટકારવામાં આવી નથી. રેસકોર્સમાં 18 મહિના બાદ પણ કામ અધૂરું
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટનાં રેસકોર્સમાં આવેલી આર્ટ ગેલેરીનું નવીનીકરણ ઓક્ટોબર-2023માં શરૂ કરવામાં આવ્યું હતું. જ્યારે ખાતમુહર્ત કરાયું ત્યારે એક વર્ષમાં કામ પૂર્ણ કરી દેવાશે એવી જાહેરાત કરાઈ હતી પરંતુ, એક વર્ષની ઉપર છ મહિના પૂર્ણ થઈ ગયા છતાં હજુ સુધી કામ પૂર્ણ થયું નથી. કામનું ખાતમુહૂર્ત કરવા માટે-મોટા ઉપાડે પદાધિકારીઓ દ્વારા કોદાળી મારીને કામનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો પરંતુ, કોઈપણ વિકાસકાર્ય હોય તેનું ખાતમુહૂર્ત કર્યા બાદ તે સમયસર પૂર્ણ થાય છે કે નહીં? તે જોવાની ટેવ નહીં ધરાવતાં નેતાઓ આર્ટ ગેલેરીના રિનોવેશનમાં પણ આવું જ કરી રહ્યા હોવાનું લાગી રહ્યું છે. ગેલેરીનું નવીનીકરણ પૂર્ણ થતાં 1 લાખ કરતા વધુ કલાકારોને લાભ મળશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કલાકારો માટે ખાસ જૂની આર્ટ ગેલેરી તોડી તેનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં રેસકોર્ષમાં બે માળની આર્ટ ગેલેરી તેમજ એક્ઝિબિશન હોલ 5.90 કરોડનાં ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. આ બે માળની આર્ટ ગેલેરી વર્ષ 2025નાં પ્રારંભમાં તૈયાર થવાની શક્યતા હતી પરંતુ, અત્યાર સુધી કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી. જોકે, ચાલુ મહિનાના અંત સુધીમાં કામ પૂર્ણ થવાનો દાવો તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. આર્ટ ગેલેરીનું નવીનીકરણ પૂર્ણ થતાં 1 લાખ કરતા વધુ કલાકારોને તેનો લાભ મળશે. કલાકારોને કલાનાં પ્રદર્શન માટે એક પ્લેટફોર્મ મળી રહેશે
ઉલ્લેખનીય છે કે, રેસકોર્સમાં કુલ બે માળની આર્ટ ગેલેરી બનાવવાની કામગીરી ચાલી રહી છે. રૂ. 5,90,80,175નાં ખર્ચે 976 ચોરસ મીટર ક્ષેત્રફળમાં આધુનિક આર્ટ ગેલેરીનો એકઝીબીશન હોલ બનાવવામાં આવી રહ્યો છે. આર્ટ ગેલેરીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર મલ્ટીપર્પઝ ગેલેરી, એક્ઝિબિશન હોલ, સ્ટોરરૂમ, ટોઇલેટ બ્લોક, વોટરરૂમ, ઈલેક્ટ્રિક રૂમ, લિફટ તથા અન્ય બે ગેલેરી તેમજ ફર્સ્ટ ફલોર પર બે ગેલેરીનો સમાવેશ થાય છે. આર્ટ ગેલેરીનું કામ થવાથી રાજકોટનાં કલાકારોને તેની કલાનાં પ્રદર્શન માટે એક પ્લેટફોર્મ મળી રહેશે. આ ઉપરાંત હસ્તકલા, પેઇન્ટીંગ તથા અન્ય પ્રદર્શનો થઇ શકશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments