2027 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાની ચેલેન્જ આપ્યા બાદ રાહુલ ગાંધી અને કોંગ્રેસે હાઈકમાન્ડે ગુજરાત પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. ગુજરાત કોંગ્રેસમાં રહેલા લગ્ન અને રેસના ઘોડાને અલગ તારવવા માટે રાહુલ ગાંધી આજે 37 દિવસમાં ત્રીજીવાર ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. 3 એપ્રિલે દિલ્હીમાં રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં દેશભરના જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની બેઠક યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખને વધુ સત્તા આપવાનો નિર્ણય કરાયો હતો. અમદાવાદમાં 8 અને 9 એપ્રિલે યોજાયેલા અધિવેશનના બીજા દિવસે પણ ખડગેએ જાહેર મંચ પરથી કહ્યું હતું કે, કોંગ્રેસ હવે જિલ્લા પ્રમુખોને ઉમેદવાર પસંદગીની પ્રક્રિયામાં સામેલ કરશે. 9 એપ્રિલે અધિવેશન પૂર્ણ થયા બાદ રાહુલ ગાંધી ફરી ગુજરાત આવે તે પહેલા જ કોંગ્રેસે ગુજરાતના 33 જિલ્લા અને 8 મહાનગરોના પ્રમુખ નક્કી કરવા માટે AICCના 50 અને પ્રદેશ કોંગ્રેસ કમિટીના 183 નેતાઓની નિરીક્ષકો તરીકે નિમણૂક કરી દીધી છે. આ નિરીક્ષકો સાથે આજે રાહુલ ગાંધી અમદાવાદમાં ઓરિએન્ટેશન બેઠક યોજશે. બપોરે 2 વાગ્યે અમદાવાદ પહોંચે તેવી શક્યતા
ગુજરાત આવી રાહુલ ગાંધી આજે બપોરે 2 વાગ્યા આસપાસ તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચે તેવી શક્યતા છે. ત્યાંથી તેઓ સીધા જ ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર પહોંચશે. જ્યાં કોંગ્રેસે જે નિરીક્ષકોની યાદી જાહેર કરી છે તે AICCના 43 નિરીક્ષકો, 7 સહ નિરીક્ષક અને ગુજરાત કોંગ્રેસના 183 નિરીક્ષકો સાથે બેઠક યોજશે. 2027માં ગુજરાતમાં ભાજપને હરાવવાની તૈયારીમાં લાગી કોંગ્રેસ
સામાન્ય રીતે કોંગ્રેસ હાઈકમાન્ડ ગુજરાતમાં ચૂંટણી સમયે એક્ટિવ થતું હોય છે. પરંતુ, રાહુલ ગાંધીએ 2027માં ગુજરાતમાં ભાજપને હરાવવાની ચેલેન્જ આપ્યા બાદ કોંગ્રેસે ગુજરાત પર વધુ ફોકસ કર્યું છે. રાહુલ ગાંધી ખુદ છેલ્લા 37 દિવસમાં ત્રીજી વાર ગુજરાત આવી રહ્યા છે. 7-8 માર્ચ દરમિયાન રાહુલ ગાંધીએ કોંગ્રેસના પાયાના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરી સૌ કોઈનો મત જાણ્યો હતો. ત્યારબાદ ગુજરાત કોંગ્રેસમાં ફેરફાર કરવાની વાત કરી હતી. જેની તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે. ભાજપને હરાવવાની ચેલેન્જના પહેલા સ્ટેપ તરીકે ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું, જેના માટે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિતના તમામ મોટા નેતાઓએ 2 દિવસ ગુજરાતમાં ધામા નાખ્યાં હતાં. અધિવેશનના ઇતિહાસમાં પહેલી વખત કોઇ રાજ્ય માટે પ્રસ્તાવ
અત્યારસુધીમાં કોંગ્રેસનાં જેટલાં પણ અધિવેશનો મળ્યાં છે એના ઇતિહાસમાં ક્યારેય કોઇ રાજ્ય માટે વિશેષ પ્રસ્તાવ લવાયો નહોતો, પરંતુ પહેલી વખત એવું બન્યું છે કે કોંગ્રેસ પોતાના અધિવેશનમાં ગુજરાત માટે વિશેષ પ્રસ્તાવ લાવી હોય. 16 તારીખે રાહુલ ગાંધી મોડાસામાં સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ કરાવશે
આજે જિલ્લા પ્રમુખોની પસંદગી માટે નિમાયેલા નિરીક્ષકો સાથે ઓરિએન્ટેશન બેઠક કરશે. અમદાવાદનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાહુલ 16 એપ્રિલે મોડાસામાં આયોજીત સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ કરાવશે. આ કાર્યક્રમમાં તેઓ જિલ્લાના 1200 બુથ લીડર્સને માર્ગદર્શન આપશે. સમગ્ર દેશમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવા અને જિલ્લા પ્રમુખોની સત્તામાં વધારો કરવાનો નિર્ણય કરાયા બાદ તેના પાયલોટ પ્રોજેક્ટની ગુજરાતથી શરૂઆત કરવાનો નિર્ણય કરાયો છે. આ અભિયાન અંતર્ગત દરેક બુથના કાર્યકરોને મતદારોને બુથ સુધી લાવવા અને કોંગ્રેસ તરફી મતદાન કરાવવા માટે માર્ગદર્શન આપવામાં આવશે. આ રીતે પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. જિલ્લા પ્રમુખની પસંદગી માટે પાંચ-પાંચ નિરીક્ષકોના ગ્રુપ બનાવવામાં આવશે
ગુજરાતના 33 જિલ્લા અને 8 મહાનગરોમાં કોંગ્રેસ પ્રમુખની પસંદગી માટે કોંગ્રેસે AICC(ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી)ના 50 અને PCC(પ્રદેશ કોંગ્રેસ કમિટી)ના 183 નેતાઓની નિરીક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી છે. દરેક જિલ્લાના પ્રમુખની પસંદગી માટે 5-5નું ગ્રુપ બનાવાશે. જેમાં કન્વીનર તરીકે AICCના ઓબ્ઝર્વર રહેશે. જેઓની સાથે PCCના ચાર ઓબ્ઝર્વર રહેશે. ત્યારબાદ આ પાંચ લોકોનું ગ્રુપ કઈ રીતે કામ કરશે તે મુદ્દે જ આજની બેઠકમાં ચર્ચા થાય તેવી શક્યતા છે. જિલ્લા-મહાનગરોના પ્રમુખોની પસંદગી માટે AICC અને PCCના નિરીક્ષકોના નામ પાર્ટીએ ચોક્કસ માપદંડમાં આવતા નેતાઓની જ નિરીક્ષકો તરીકે પસંદગી કરી પ્રદેશ કોંગ્રેસમાંથી પ્રભારી તરીકે નિયુક્તિ માટે AICC દ્વારા નીચેના માપદંડ નક્કી થયેલા અને જે આ માપદંડમાં આવતા હોય તેને જ પ્રભારી બનાવવામાં આવેલ છે. 8 માર્ચે રાહુલ ગાંધીએ કહ્યું હતું- ‘ગુજરાત કોંગ્રેસના અડદા નેતા ભાજપ સાથે મળેલા’
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી 7-8 માર્ચ ગુજરાતમાં રહ્યા હતા. અમદાવાદમાં તેમના કાર્યક્રમ દરમિયાન પ્રથમ દિવસે કોંગ્રેસના પ્રદેશથી લઇને તાલુકા કક્ષાના આગેવાનો સાથે ચર્ચામાં પસાર કર્યો. રાહુલ ગાંધીએ આખાં દિવસમાં 500થી વધુ કોંગ્રેસી નેતાઓની સાથેની ચર્ચા દરમિયાન તેમને ઝીણવટથી ચકાસ્યા હતા. આ સાથે જ તેમણે ગુજરાત કોંગ્રેસનો તાગ મેળવી લીધો હતો. પહેલા દિવસે તો ખાસ બોલ્યા નહીં અને માત્ર સિનિયર્સથી લઈ કાર્યકરોની વાત સાંભળી હતી.ત્યાર બાદ આજે (8 માર્ચ) 2 હજાર કોંગ્રેસના કાર્યકરો માટે જેડ હોલમાં સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા અને શહેરના કોંગ્રેસના હોદ્દેદારોની અને સેલ ડિપાર્ટમેન્ટના પ્રમુખો પણ હાજર હતા. આ 45 મિનિટના કાર્યક્રમને 25 મિનિટ સંબોધતાં રાહુલ ગાંધી એકદમ તડાફડી અને આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા. તેમણે કોઈપણની શેહ શરમ ભર્યા વિના કહ્યું હતું કે, રાહુલ ગાંધી અને સેક્રેટરી તથા અધ્યક્ષ સહિત અમે નિષ્ફળ રહ્યા છીએ. આ વાત કરવામાં હું શરમ પણ અનુભવતો નથી. જો આપણે સંબંધો બનાવવા છે તો બે ગ્રુપનું કંઈક કરવાનું છે. જો કાર્યવાહી કરવી પડશે તો કરીશું. 10થી 15 લોકોને કાઢી મૂકવા પડે તો કાઢી નાખીશું. 5 ટકા વોટ શેર વધ્યો એટલે વાત પૂરી. (સંપૂર્ણ સમાચાર વાંચો)