સમીર જાની / શ્યામલ પટેલ
ટેકનોલોજીના વર્તમાન યુગમાં મોબાઇલ એ અનિવાર્ય અનિષ્ટ બની ગયું છે. ટેકનોલોજીના વિકાસ સાથે તેનો ઉપયોગ જરૂરી છે પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ નુકસાનકારક સાબિત થઇ રહ્યો છે. તેમાંય બાળકો માટે તો અતિજોખમી બની ર હ્યો છે. રાજ્યભરના આઇ-સ્પેશિયાલિસ્ટ્સના જણાવ્યા મુજબ મોબાઇલના વધુ પડતા ઉપયોગથી બાળકોની આંખમાં વિવિધ પ્રકારની તકલીફો થાય છે. જેમાં આંખો ત્રાંસી થવી, વિઝન નબળું પડવું, ચિડિયાપણું, આંખો ડ્રાય થઇ જવી, આંખોમાં લાલાશ અને પોઝિટિવ નંબર આવવાના કિસ્સા પણ જેટ ગતિએ જ વધી રહ્યાં છે. તજજ્ઞોએ આપેલા આંકડા મુજબ રાજ્યમાં આંખો ત્રાસી થઇ જવાના 21 ટકા કેસ આવે છે જયારે વિઝન નબળું પડવાના 25 ટકાથી વધુ કેસ આવતા હોય છે.
હાલના સમયમાં બાળક રડે કે જીદ પકડે તો માતા-પિતા તરત જ મોબાઇલ આપીને શાંત કરી દે છે. અને બાળક પણ સમય પસાર થતાં તેનો આદી થઇ જતો હોય છે અને આખરે આંખોની કોઇ પણ સમસ્યામાં સપડાઇ જાય છે. મોબાઇલ ફોનના ઉપયોગ ટાણે બાળકો કે કોઇપણ વ્યક્તિ એકી ટશે તેને જોતો હોય છે અને આંખોના પલકારા પણ મારતો નથી. પરિણામે આંખો પર વધુ પડતો સ્ટ્રેસ આવે છે. જેના કારણે શરુમાં માથાના દુખાવાની સાથે ડ્રાય થવાની સમસ્યા પણ થાય છે. જયારે બાળકોમાં વધુ ઉપયોગના કારણે આખોમાં નંબર હોવા છતાં તે જણાવી શકતો નથી અને તેના કારણે આંખો ખેંચીને મોબાઇલનો ઉપયોગ કરતાં આંખો ત્રાસી થવા સહિતની સમસ્યા પણ વધતી હોય છે. આઇ એક્સપર્ટ ડો. જયેશ બાવીશીએ જણાવ્યું કે, બાળકનો કુદરતી પોઝિટિવ નંબર આવી જાય ત્યારે તે ચશ્મા પહેરવાનું ટાળે અને ટીવી ઉપર કે મોબાઈલમાં કે કોમ્પ્યુટર સ્ક્રીન પર આંખો પર પ્રેશર આપીને ખેંચીને જોયા રાખે ત્યારે ત્રાંસી થવાની સ્થિતિ સર્જાય છે.
આંખોને થતું નુકસાન રોકવા શું કરવું ? 20-20-20 નિયમ અનુસરો: દર 20 મિનિટે, 20 સેકન્ડ માટે 20 ફૂટ દૂર જુઓ અને આંખને આરામ આપો, સ્ક્રીન સમય મર્યાદિત રાખો 2 વર્ષથી ઓછા બાળકો: શક્ય તેટલું ઓછું સ્ક્રીન એક્સપોઝર
2-5 વર્ષના બાળકો: મહત્તમ 1 કલાક/દિવસ, માતાપિતાની દેખરેખ માં
6+ વર્ષના બાળકો: આઉટડોર એક્ટિવિટી સાથે સંતુલિત સમય માટે સ્ક્રીન ટાઈમ આપી શકાય. દર રોજ ઓછામાં ઓછા 2 કલાક આઉટડોર એક્ટિવિટીઝ માયોપિયા ઘટાડવા માટે જરૂરી છે.એન્ટી-ગ્લેર સ્ક્રીન અને બ્લૂ લાઇટ ફિલ્ટર્સ નો ઉપયોગ કરો.મોબાઇલ કે ટેબલેટને ઓછામાં ઓછું 18-24 ઇંચ દૂર રાખીને જ ઉપયોગ કરો. છેલ્લા એક વર્ષ દરમિયાન રાજયના વિવિધ જિલ્લામાં આખોની બીમારીના નોંધાયેલા કેસની વિગતો નીચે મુજબ છે. આણંદ70
મોરબી100
પાટણ530
નવસારી100
ડાંગ600
અમરેલી250
તાપી600
જામનગર1000
મહેસાણા200
જુનાગઢ600
વાપી-વલસાડ1000
કચ્છ500
પાલનપુર300
નડિયાદ250
સુરેન્દ્રનગર250
પંચમહાલ1000
દાહોદ250
ભરૂચ400 મોબાઇલનો વધુ ઉપયોગ કરતા આંખ ત્રાસી થઇ ગઇ
મારો પુત્ર સવારે શાળાએ જવાના સમય પહેલાં 2 કલાક અને સાંજે શાળાએથી પાછો આવીને 2 કલાક સુધી મોબાઈલનો ઉપયોગ કરતો હતો. તેની મમ્મી કહે તો માને નહિ અને રીસાઈ જતો. આથી મોબાઈલનો અતિરેક ઉપયોગ કરતા એક દિવસ અમારું ધ્યાન ગયું કે તેની આંખ ત્રાંસી થઈ ગઈ છે. આથી તાત્કાલિક મારા પુત્રને વડોદરા ખાતે સારવાર કરાવતા હવે એકદમ તંદુરસ્ત છે. અને આંખ પહેલા જેવી સીધી થઈ ગઈ છે. – બાળકના પિતા હાલ તેની સારવાર હજી ચાલુ છે… મારો પુત્ર મોબાઈલનો પણ ઉપયોગ કરતો હતો અને ચીસો પણ બહુ પાડતો હતો. આથી અચાનક જ તેની આંખ ત્રાંસી થઈ જતા તેને આંખના નિષ્ણાંત તબીબ પાસે લઈ ગયા હતા. હાલ તેની સારવાર ચાલુ છે. – બાળકના પિતા