સિદ્ધિ વિનાયક ડેવલપરના નામે બંગલો, ફ્લેટ, દુકાનની સ્કીમ મૂકી 82 કરોડથી વધુ ઠગાઈ કરનાર મહા ઠગ બિલ્ડર અપૂર્વ પટેલ 3 વર્ષથી ફરાર છે. પોલીસ કહે છે તે વિદેશ ભાગી ગયો છે, ત્યારે ભાસ્કરે શોધી કાઢ્યું કે અપૂર્વ દુબઈમાં છુપાયો છે. દુબઈમાં બેઠાં બેઠાં મહા ઠગે અહીંની મિલકત વેચવા પાવર ઓફ એટર્ની આપવા કાર્યવાહી કરી છે. જેના અરેબિક અને ઇંગ્લિશ ભાષાના 2 દસ્તાવેજ પણ ભાસ્કરને હાથ લાગ્યા છે. સિદ્ધિ વિનાયક ડેવલપરના નામે બાંધકામ પેઢીમાં અપૂર્વ દિનેશભાઈ પટેલ અને પત્ની ભૈરવી પટેલ ભાગીદાર હતાં. મેપલ વિલા, મેપલ મેડોઝ, મેપલ સિગ્નેચરના નામે 3 સ્કીમ મૂકી હતી. જેમાં અપૂર્વે 150 ગ્રાહકો પાસેથી બંગલો, ફ્લેટ, દુકાનો માટે 87 કરોડ ઉઘરાવી લીધા હતા. ભોગ બનેલા ગ્રાહકોની 45 ફરિયાદ બાદ આખરે 5 અધિકારીની સીટની રચના થઈ હતી. જેમાં ઠગાઈ આંક 80 કરોડ જેટલો હોવાનું ખૂલ્યું હતું. બીજી તરફ પોલીસ કાર્યવાહી સામે સવાલો ઉઠાવી ગ્રાહકોએ ગાંધીનગરમાં ગૃહ મંત્રી અને પોલીસ વડાને રજૂઆત કરી હતી. અપૂર્વ વિદેશ ભાગ્યો હોવાની રજૂઆત પોલીસે કોર્ટમાં કરી હતી. જોકે તે કયા દેશમાં ભાગી ગયો તેની જાણકારી આપી ન હતી. ઠગ અપૂર્વ પત્ની ભૈરવી સાથે પ્રથમ દુબઇ બાદ યુકે ભાગ્યો હતો. ત્યાંથી પરત દુબઈ આવી અરેબિક ભાષામાં પાદરાના પેટ્રોલ પંપની પાવર ઓફ એટર્ની વડોદરામાં રહેતા નિશાંત દિલીપભાઈ પટેલને આપવા દુબઈની કોર્ટમાં કાગળો તૈયાર કરી ભારત મોકલ્યા હતા. આ અરબી અને ઇંગ્લિશ ભાષાના કાગળો ભાસ્કરના હાથમાં આવ્યા છે. જેમાં પાદરાના રેવન્યુ સર્વે નં. 1149 પર આવેલા પેટ્રોલ પંપની મિલકતના પાવર નિશાંતભાઈને આપતા હોવાનું જણાવ્યું છે. અરેબિક ભાષામાં શું લખ્યું છે? પેટ્રોલ પંપના વેચાણ માટે પ્રતિનિધિને અધિકૃત કરું છું
દુબઈની કોર્ટમાં તૈયાર થયેલા કાગળોમાં અરેબિક ભાષામાં લખ્યું છે કે, હું નીચે સહી કરનાર અપૂર્વ દિનેશભાઈ પટેલ હાલ 711, મારસા પ્લાઝા, ફેસ્ટિવલ સિટી, દુબઈ એરપોર્ટ પાસે રહું છું. ભારતીય નાગરિક છું. મારો પાસપોર્ટ નંબર Z 4417021 છે. મારી પાદરાની બિન ખેતીની જમીન સર્વે નં. 1149, જેનું ક્ષેત્રફળ 1464.50 ચોમી છે. જેના પર ડીઝલ-પેટ્રોલ પંપ છે. જેના વેચાણ કરાર પર સહી કરવા સબ રજિસ્ટ્રાર અને અન્ય કચેરીઓમાં પ્રતિનિધિત્વ કરવા અધિકૃત કરું છું. બાદમાં અંગ્રેજીમાં થયેલા લખાણમાં આ પાવર નિશાંત દિલીપભાઈ પટેલ (સામ્રાજ્ય એક્સ્ટેન્શન, મુજમહુડા, વડોદરા)ને આપું છું, એવું લખાણ કરેલું છે. અપૂર્વની મિલકતો જપ્ત કરવા રજૂઆત, છતાં કાર્યવાહી નહીં
મહા ઠગ બિલ્ડર અપૂર્વ પટેલની છેતરપિંડીનો ભોગ બનેલાં ગ્રાહક રિદ્ધિ મકવાણાએ કહ્યું છે કે, અમે પોલીસને રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું કે, તેની અહીંની મિલકતો જપ્ત કરવામાં આવે. જોકે ગંભીરતાથી કાર્યવાહી થઈ રહી નથી. દરમિયાન તે વિદેશમાં બેઠો બેઠો અહીંની મિલકતો વેચી રહ્યો છે અને તેના સાગરીતો અહીં બીજી મિલકતોના સોદા કરવા માટે ફરી રહ્યા છે. ઠગ અપૂર્વ પટેલ સામે લુક આઉટ નોટિસ જારી કરાઈ છે
ક્રાઈમ બ્રાન્ચ એસીપી એચ.એ. રાઠોડે જણાવ્યું કે, અપૂર્વ પટેલ અઢી વર્ષથી ફરાર છે. તે વિદેશ ભાગી ગયો હોવાની જાણકારી મળતાં લુક આઉટ નોટિસ જારી કરી છે. હાલમાં જ તેની સામે 46મી ફરિયાદ નોંધાઈ છે. 82 કરોડ લઈ દુબઈમાં છુપાયેલા બિલ્ડર સામે 46 ફરિયાદ નોંધાઈ
લોકોને 82 કરોડનો ચૂનો લગાવી દુબઈમાં છુપાયેલા ઠગ અપૂર્વ સામે 46 ફરિયાદો નોંધાઈ છે. હાલમાં માંજલપુર પોલીસમાં સંજય શાહે 51 લાખની ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. નોંધનીય છે કે, ઠગે કેટલાંક મકાનો પર 2 બેંકમાંથી લોન લીધી હોવાનું પણ ખૂલ્યું છે.