શહેરના નિકોલમાં વારંવાર ગટરના પાણી ઉભરાવાની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ત્યારે ફરી એકવાર નિકોલમાં પાણી ઉભરાતા રોષે ભરાયેલા લોકો રોડ પર ઉતરી આવ્યા હતા. મ્યુનિ સામે આક્રોશ વ્યકત કરવા લોકોએ રોડ બંધ કરીને વિરોધ નોંધાવ્યો હતો. નિકોલના ગોપાલચોક વિસ્તારમાં 6 મહિનાથી ગટર ઉભરાવાના લીધે રોડ પર પાણી ભરાવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. આ અંગે સ્થાનિકો મ્યુનિ.માં ફરિયાદ કરે તો ડ્રેનેજ લાઈનની કામગીરી ચાલતી હોવાનું બહાનુ આગળ ઘરીને હાથ અધ્ધર કરી લે છે. ત્યારે સોમવારે પણ ગોપાલચોકમાં ગટરના પાણી ઉભરાતા જાણે ભારે વરસાદમાં પાણી ભરાયા હોય તેવી સ્થિતિ નિર્માણ પામી હતી. જેના પગલે રોષે ભરાયેલા લોકો રોડ પર ઉતરી આવીને મ્યુનિ. સામે આક્રોશ વ્યકત કરીને ગોપાલચોકથી નિકોલ-નરોડા તરફ અવરજવર કરવાનો રોડ બપોરે 3 કલાક બંધ કરી દીધો હતો. જેના પગલે વાહનચાલકોને ફરીને જવાની નોબત આવી હતી. સમસ્યાનો કાયમી ઉકેલની માગં ઊઠી છે.