શાયર રાવલ
છેલ્લા ચાર મહિનામાં મ્યુનિ.ના 192માંથી લગભગ 180 કોર્પોરેટર, અધિકારી તબક્કાવાર સ્ટડી ટૂરના નામે કાશ્મીર ફરી આવ્યા છે. આ માટે 2 કરોડનો ખર્ચ થયો છે. સ્ટડી ટૂરના હેતુ મુજબ કોર્પોરેટરો અને અધિકારીઓએ કાશ્મીરના વિકાસ મોડલ તથા સંચાલન વ્યવસ્થાનો અભ્યાસ કરવાનો હતો. સંતોષસિંહ રાઠોડે કરેલી આરટીઆઈમાં મળેલી માહિતી અનુસાર આજદિન સુધી એક પણ કોર્પોરેટર કે અધિકારીએ સ્ટડી ટૂરમાં શું શીખ્યા તેનો રિપોર્ટ મ્યુનિ.ને આપ્યો નથી.
આરટીઆઈમાં ખુલાસો થયો છે કે મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીએ ઠરાવ નંબર 1071 મુજબ ટેન્ડર, ડિપોઝિટ કે ક્વોટેશન મગાવ્યા સિવાય કે કરાર પત્રક કરાવ્યા સિવાય માત્ર ઠરાવ કરી ખાનગી ટ્રાવેલ એજન્સી અક્ષર ટ્રાવેલ્સને આ કામ સોપ્યું હતું.
કેટલાક કોર્પોરેટરો અને અધિકારીઓ કોઈ કારણસર કાશ્મીર જઈ શક્યા નથી, માટે હવે તેઓ અમદાવાદમાં ગરમી વધવાની રાહ જોઈ રહ્યા છે જેથી આગામી તબક્કે કાશ્મીરની ટૂર કરી શકાય. ભાજપ કે કોંગ્રેસના એક પણ કોર્પોરેટરે સ્ટડીના ફોટા શેર કર્યા નથી પાંચ રાત્રિ અને 6 દિવસની કાશ્મીર ટૂર માટે મ્યુનિ. એ પ્રતિ વ્યક્તિ રૂ. 1.05 લાખ ખર્ચ કર્યો છે. ભાજપ, કોંગ્રેસ અને AIMIMના કોર્પોરેટરોને સ્પષ્ટ સૂચના અપાઈ હતી, કે કોઈએ પણ ટૂરના ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા નહીં. પિક સિઝનમાં પણ કાશ્મીર ટૂરનો મહત્તમ ખર્ચ રૂ. 50 હજાર થાય છે એક ટૂર ઓપરેટરે નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે, પાંચ રાત્રિ અને 6 દિવસની કાશ્મીર ટૂર માટે પિક સિઝનમાં પણ પ્રતિ વ્યક્તિ ટૂર ખર્ચ મહત્તમ રૂ. 50 હજાર થાય છે. જો હોટેલ અને એર ટિકિટનું એડવાન્સ બુકિંગ કરવામાં આવે તો આ ખર્ચ વધુ 40 ટકા સુધી ઘટી શકે છે. માત્ર એક દિવસ સ્માર્ટ સિટીની મુલાકાત, પાંચ દિવસ આઉટિંગ
પ્રથમ દિવસ : શ્રીનગર એરપોર્ટ પર ઉતરી હોટેલમાં ચેક-ઇન બાદ બપોરે મુઘલ ગાર્ડન્સની મુલાકાત લેવામાં આવી, જેમ કે નિશાત બાગ, ચેશ્મે શાહી અને શાલીમાર બાગ.
બીજો દિવસ : ગુલમર્ગ પ્રવાસ દરમિયાન મહારાજા પેલેસ, શિવજી મંદિર અને ગોલ્ફ કોર્સના વિકાસની ઝલક લીધી.
ત્રીજો દિવસ : સોનમર્ગ ખાતે થાજીવાસ ગ્લેશિયર અને ફિશિંગ પોઈન્ટની મુલાકાત લેવામાં આવી.
ચોથો દિવસ : પહેલગામની યાત્રા દરમિયાન 1100 વર્ષ જૂનું વિષ્ણુ મંદિર અને પાઈન ફોરેસ્ટ જોઈને પ્રવાસનો આનંદ માણ્યો.
પાંચમો દિવસ : શ્રીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ અને સ્માર્ટ સિટી સંબંધિત વિઝિટ કરાઈ
છઠ્ઠો દિવસ: શ્રીનગર એરપોર્ટથી પરત ફર્યા.