back to top
Homeગુજરાતવડોદરામાં પાણી માટેનું અહિંસક આંદોલન ઉગ્ર બન્યું:મહિલા-પુરુષોએ માટલાં સાથે મૌન રેલી યોજી,...

વડોદરામાં પાણી માટેનું અહિંસક આંદોલન ઉગ્ર બન્યું:મહિલા-પુરુષોએ માટલાં સાથે મૌન રેલી યોજી, ઘર્ષણ થતાં પોલીસે ટીંગાટોળી સાથે 20થી વધુની અટકાયત કરી; PSI એક શબ્દ ન બોલ્યા

વડોદરા શહેરમાં પાણીની સમસ્યા હલ કરવામાં વડોદરા કોર્પોરેશન ધરાર નિષ્ફળ પુરવાર થયું છે. આજે (15 એપ્રિલ) સમા વિસ્તારની વિવિધ સોસાયટીઓની મહિલાઓ અને પુરુષોએ માટલા સાથે મૌન રેલી યોજી હતી અને રજૂઆત કરવા માટે વોર્ડ ઓફિસ પહોંચી રહ્યા હતા. જો કે, પોલીસે અહિંસક આંદોલનના ભાગરૂપે પસાર થઇ રહેલી રેલીને વિખેરી નાખી હતી. આધેડ- વૃદ્ધ મહિલાઓ અને પુરુષો સાથે ઝપાઝપી કરી હતી અને ટિંગાટોળી સાથે અટકાયત કરી હતી. પોલીસના ઉદ્ધતાઇભર્યા વર્તનથી લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. પોલીસે સત્તાનો દૂરઉપયોગ કરીને રેલીને કચડી નાખી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કરી જણાવ્યું હતું કે, હવે ભાજપાએ આંદોલન કરવાની સત્તા પણ છીનવી લીધી છે. પોલીસે જાહેરનામા ભંગ બદલ 6 મહિલા સહિત 15 જેટલા લોકોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી. સત્તાધિશોને અનેક રજૂઆત બાદ પણ નિરાકરણ ન આવ્યું
મળેલી માહિતી પ્રમાણે, શહેરના સમા વિસ્તારમાં આવેલી મહાકાળી સોસાયટી, આમ્રપાલી સોસાયટી, સચ્ચિદાનંદ સોસાયટી અને રાધા નગર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પાણી પૂરતા પ્રેસરથી આવતું ન હોવાથી સ્થાનિક લોકો દ્વારા અનેક વખત બોર્ડ ઓફિસમાં અને સ્થાનિક ભાજપના ચાર કાઉન્સિલર ભાણજી પટેલ, રશ્મિકાબેન વાઘેલા, વર્ષાબેન વ્યાસ અને મહાવિરસિંહ રાજપૂરોહિતને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ પાણીનો પ્રશ્ન હલ થતો ન હતો. સ્થાનિકો દ્વારા મૌન રેલીનું આયોજન કરાયું
પ્રવર્તમાન ઉનાળાની ઋતુમાં પાણીની જરૂરિયાત વધુ પડતી હોવા છતાં પણ લોકોના પાણીનો પ્રશ્ન હલ થતો ન હોવાથી લોકોમાં ભારે રોષ હતો. સ્થાનિક લોકોને વેચાતું પાણી લાવીને પીવાનો વખત આવ્યો હતો. આમ છતાં પણ તંત્ર દ્વારા પાણીનો પ્રશ્ન હલ કરવામાં ન આવતા આજે ચાર સોસાયટીના મહિલા-પુરુષો, સામાજિક કાર્યકરો અને કોંગ્રેસના અગ્રણી જીતેન્દ્ર ઉર્ફે પપ્પુ સોલંકીની આગેવાનીમાં મૌન રેલી કાઢીને માટલા સાથે વોર્ડ ઓફિસમાં રજૂઆત કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસે ટીંગાટોળી સાથે મહિલા સહિતનાની અટકાયત કરી
આજની મૌન રેલીને પગલે વોર્ડ ઓફિસ બહાર પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. પોલીસે ખાલી માટલા સાથે જોડાયેલી મહિલાઓ અને પુરુષોને રેલીને વોર્ડ ઓફિસ તરફ જતા અટકાવી દીધી હતી. તેમજ મહિલાઓ અને પુરુષો સાથે પોલીસે આરોપીઓ જેવું વર્તન કર્યું હતું. આધેડ મહિલાઓ અને વૃદ્ધાઓ સાથે પોલીસે ખેંચતાણ કરી હતી અને ટીંગાટોળી કરીને પોલીસ વાનમાં બેસાડી દીધા હતા. તે સાથે પુરુષોને પણ પોલીસે અટકાયત કરીને રેલીને વિખેરી નાખી હતી. પોલીસે અમારી સાથે આરોપી જેવું ખરાબ વર્તન કર્યુંઃ મૃદુલાબેન
સ્થાનિક મહિલા મૃદુલાબેન પટેલે જણાવ્યું હતું કે, અમે છેલ્લા ચાર માસથી પાણી માટે વલખા મારી રહ્યા છે. અનેક વખત વોર્ડ ઓફિસમાં તેમજ સ્થાનિક ભાજપના કાઉન્સિલરોને રજૂઆત કરવામાં આવી છે. પરંતુ પાણીનો પ્રશ્ન હલ ન થતાં આખરે અમારે આજે મૌન રેલી કાઢીને તંત્રને જગાડવા માટેનો પ્રયાસ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ ભાજપના સત્તામાં બેફામ બનેલા પોલીસતંત્ર દ્વારા આરોપીઓની જેમ અમારી સાથે વર્તન કરવામાં આવ્યું છે. મહિલાઓ સાથે ઝપાઝપી કરી હતી અને ટીંગાટોળી કરીને પોલીસ વાનમાં બેસાડી દેવામાં આવી હતી. કેટલીક મહિલાઓ પોલીસની ઝપાઝપીમાં નીચે પણ પડી ગઈ હતી. પોલીસે અમારી સાથે આરોપીઓ જેવું ખરાબ વર્તન કર્યું છે અને અમારી રજૂઆત માટેના અહિંસક આંદોલનને કચડી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા અહિંસક આંદોલનને કચડી નાખવાનો પ્રયાસઃ પપ્પુ સોલંકી
સામાજિક કાર્યકર અને કોંગ્રેસના અગ્રણી જીતેન્દ્ર ઉર્ફ પપ્પુ સોલંકીએ જણાવ્યું હતું કે, ભાજપના રાજમાં પોલીસે હિટલરશાહી જેવું આજે વર્તન કર્યું છે. ગત ફેબ્રુઆરી માસથી વિસ્તારની અનેક સોસાયટીઓમાં પાણીનો વિકટ પ્રશ્ન છે. આ અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ પાણીનો પ્રશ્ન હલ ન થતાં આજે અમોએ ગાંધીજી ચિંધ્યા માર્ગે મૌન રેલી કાઢીને વોર્ડ ઓફિસમાં આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજ્યો હતો. પરંતુ પોલીસ તંત્ર દ્વારા અમારા આ કાર્યક્રમને કચડી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મહિલાઓ અને પુરુષો સાથે પોલીસ દ્વારા ખરાબ વર્તન કરવામાં આવ્યું છે. આરોપી જેવું વર્તન કરવામાં આવ્યું છે અને વૃદ્ધ મહિલાઓને ખેંચીને પોલીસવાનમાં બેસાડી દેવામાં આવી છે. તે જ રીતે પુરુષોને પણ ખેંચીને બેસાડી દેવામાં આવે છે. ધક્કા-મૂકી અને ટીંગાટોળી કરીને લઈ જવામાં આવ્યા છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ પાણીનો પ્રશ્ન હલ ન થતાં આજે અમે તંત્રને જગાડવા માટે અહિંસક આંદોલનના માર્ગે રજૂઆત કરવા નીકળ્યા હતા, પરંતુ અમારા અહિંસક આંદોલનને પોલીસે સત્તાનો ઉપયોગ કરીને કચડી નાખવાનો પ્રયાસ કર્યો છે. ભાજપના રાજમાં રજૂઆત કરવાનો પણ હક નહિઃ સવિતાબેન
વધુમાં સવિતાબેને જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 2માં તમામ ભાજપના ચાર કાઉન્સિલરો છે. અમે ખોબેખોબા મતો આપીને ભાજપના કાઉન્સિલરોને જીતાડ્યા છે. આ કાઉન્સિલરોને અનેક વખત પાણીનો પ્રશ્ન હલ કરવા માટે રજૂઆત કરી હતી, પરંતુ ભાજપના કાઉન્સિલરો દ્વારા પણ અમારી રજૂઆત સાંભળવામાં આવી ન હતી. હાલ ઉનાળાનો સમય ચાલી રહ્યો છે. પાણીની વધુ જરૂરિયાત પડે છે, પણ પૂરતા પ્રેસરથી પાણી મળતું નથી. અમારે પાણી વેચાતું લાવીને પીવાની ફરજ પડી છે. પૂરતા પ્રેસરથી પાણી ન મળવાના કારણે અમે વોર્ડ ઓફિસમાં પણ અનેક વખત રજૂઆતો કરી હતી. પરંતુ સત્તાવાળો દ્વારા માત્ર ઠાલા આશ્વાસનો જ આપવામાં આવ્યા હતા. પરંતુ પાણીનો પ્રશ્ન હલ ન થતાં આજે અમે મૌન રેલી કાઢીને વોર્ડ ઓફિસમાં જઈ રહ્યા હતા, પરંતુ પોલીસે અમારા ઉપર દમણ ગુજાર્યું છે. મહિલાઓ સાથે ધક્કા મૂકી અને ગેરવર્તુણૂક કરી છે. અમારો હવે રજૂઆત કરવાનો પણ ભાજપ સત્તાધીશોના રાજમાં હક છીનવાઈ ગયો હોય તેવું હવે સ્પષ્ટ જણાય છે. આગામી સમયમાં હિંસક આંદોલન કરીશુંઃ રાકેશભાઈ
રાકેશભાઈએ જણાવ્યું કે, ભલે આજે પોલીસે અમારી રેલીને કચડી નાખવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ આગામી દિવસોમાં પાણીનો પ્રશ્ન વહેલી તકે હલ કરવામાં નહીં આવે તો હવે હિંસક આંદોલન દ્વારા અમે અમારા હક માટે લડીશું. આવનાર દિવસોમાં અમે વોર્ડ ઓફિસ અને મુખ્ય કચેરી ખાતે પણ વિશાળ રેલી કાઢીને અમારી રજૂઆત કરવા જતા પણ હવે અમે ખચકાઇશું નહીં. ભલે પોલીસને અમારી પર અત્યાચાર ગુજારવો પડે તેનાથી અમે હવે ડરવાના નથી. ભાજપની પોલીસ દ્વારા હિટલરશાહી અપનાવાઈઃ હરીશભાઈ
હરીશભાઈએ જણાવ્યું કે, વોર્ડ નંબર 2માં અમે ભાજપાના કાઉન્સિલરોને અમે ખોબે-ખોબે મત આપીને જીતાડ્યા હતા. આજે અમારી પાસે રજૂઆત કરવા માટેનો પણ હક રહ્યો નથી. સ્થાનિક ભાજપના કાઉન્સિલરો અમારી રજૂઆત પણ સાંભળતા નથી. એ તો ઠીક ફોન કરીએ છીએ, ત્યારે ફોન પણ ઉઠાવતા નથી. જ્યારે અમે કાઉન્સિલરોને રજૂઆત કરીએ છીએ ત્યારે કાઉન્સિલરો દ્વારા માત્રને માત્ર એક જ જવાબ આપવામાં આવી રહ્યો છે કે કામ ચાલી રહ્યું છે. આવનાર સમયમાં પાણીનો પ્રશ્ન હલ થઈ જશે. હવે આ સાંભળીને પણ અમે થાકી ગયા છે. આજે ના છૂટકે અમારે મૌન રેલી કાઢીને તંત્રને જગાડવાનો પ્રયાસ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પરંતુ સત્તાધારી ભાજપ પક્ષના પોલીસ તંત્ર દ્વારા આજે હિટલરશાહી અપનાવવામાં આવી છે, જેના સામે અમારો ભારે વિરોધ છે. હાજર પોલીસે મીડિયાના સવાલોનો જવાબ ન આપ્યો
સમા વિસ્તારમાં પાણી માટે આજે થયેલા ઘર્ષણમાં સમા પોલીસે જાહેરનામાના ભંગ બદલ સામાજિક કાર્યકર અને કોંગ્રેસના અગ્રણી જીતેન્દ્ર ઉર્ફે પપ્પુ સોલંકી સહિત 15 મહિલા અને પુરુષોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે હાજર PSIને મીડિયા દ્વારા અનેક સવાલો કરવામાં આવતા એકપણ સવાલનો જવાબ આપી શક્યા નહોંતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments