કોમેડિયન અને એક્ટર વીર દાસે તાજેતરમાં એર ઈન્ડિયા પર પ્રહાર કર્યા છે. કોમેડિયનના જણાવ્યા મુજબ, તેણે 50,000 રૂપિયાની ટિકિટ બુક કરાવી હતી જેમાં વ્હીલચેર અને સામાન લઈ જવાની સુવિધા પણ સામેલ હતી કારણ કે તેમની પત્નીના પગમાં ફ્રેક્ચર છે. પરંતુ આ VIP સુવિધા મળવાની તો દૂર, તેને સીટ તૂટેલી હાલતમાં મળી અને તેનો ફૂટરેસ્ટ પણ તૂટેલો હતો. વીર દાસે કહ્યું કે- જ્યારે તેણે ફરિયાદ કરી ત્યારે સ્ટાફે તેમની સંપૂર્ણપણે અવગણના કરી. વીર દાસે તાજેતરમાં તેના સત્તાવાર X પ્લેટફોર્મ (અગાઉ ટ્વિટર) પર લખ્યું, હું ખૂબ જ વફાદાર રહ્યો છું. મને લાગે છે કે તમારો કેબિન ક્રૂ ખૂબ જ સારો છે, પણ આ પોસ્ટ લખતા મને ખૂબ દુઃખ થઈ રહ્યું છે. મેં અને મારી વાઈફે પ્રણામ (આ એક સુવિધા છે, જેમાં યાત્રીનો સમાન ઉપાડવાથી લઈને દરેક પ્રકારની VIP સુવિધાઓ આપવામાં આવે છે) અને વ્હીલચેર બુક કરી હતી, કારણ કે મારી પત્નીના પગમાં ફ્રેક્ચર છે. અમે દિલ્હી જઈ રહ્યા હતા. અમે એક ટિકિટ માટે 50 હજાર રૂપિયા ચૂકવ્યાં હતાં. ફ્લાઈટમાં ટેબલ અને ફૂટરેસ્ટ બંને તૂટેલી હાલતમાં હતા. સીટ સીધી પણ નહોતી થઈ રહી. ફ્લાઇટ દરમિયાન અમને કહેવામાં આવ્યું કે સીટો તો નવી જ લગાવવામાં આવી છે. વીર દાસે આગળ લખ્યું, અમે બે કલાક મોડા દિલ્હી પહોંચ્યા અને અમને કહેવામાં આવ્યું કે ફ્લાઇટમાંથી નીચે ઉતરવા માટે સીડીઓ છે. મે વ્હીલચેર અને લાઉન્જ પહેલાથી જ બુક કરાવી દીધું હતું. જ્યારે હું 4 બેગ લઈને જઈ રહ્યો હતો ત્યારે મેં એર હોસ્ટેસને મારી પત્નીને મદદ કરવા કહ્યું પરંતુ તેને અમને નજરઅંદાજ કરી દીધા. પગમાં ફ્રેક્ચર સાથે મારી પત્નીને સીડીઓ પરથી નીચે ઉતરવું પડ્યું. વીર દાસે આગળ કહ્યું, નીચે ઉતર્યા પછી, અમે બસ પાસે ઉભેલા એક સ્ટાફ સભ્યને પૂછ્યું કે- આ શું થઈ રહ્યું છે, સ્ટાફે કહ્યું- શું કરીએ સાહેબ, સોરી. જ્યારે અમે ટર્મિનલ પર પહોંચ્યા, ત્યારે એન્કોમ (લાઉન્જ) ના વ્યક્તિએ વ્હીલચેર સ્ટાફને કહ્યું કે અમારી પાસે પ્રિ-બુકિંગ છે. તે પણ અજાણ હતો. દરેક જગ્યાએ વ્હીલચેર હતી પણ સ્ટાફ નહોતો કારણ કે ફ્લાઇટ 2 કલાક મોડી હતી. મેં પોતે વ્હીલચેર લીધી અને મારી પત્નીને સામાન તરફ લઈ ગયો અને પછી પાર્કિંગમાં ગયો. એન્કોમ એર ઇન્ડિયા આ શું થઈ રહ્યું છે, કોઈ મદદ માટે આવ્યું જ નહીં. અંતે વીર દાસે લખ્યું- બીજા માળના પાર્કિંગમાં તમારી વ્હીલચેર છે, તે લઈ લેજો. સોશિયલ મીડિયા પર વીર દાસની પોસ્ટ સામે આવ્યા બાદ, એર ઇન્ડિયાએ તેમને મદદનું આશ્વાસન આપ્યું છે. એર ઇન્ડિયાએ જવાબ આપ્યો, અમે સમજીએ છીએ અને તમારા અનુભવ વિશે સાંભળીને દુઃખ થયું. કૃપા કરીને તમારી બુકિંગ વિગતો શેર કરો, અમે તેને પ્રાથમિકતાના આધારે જોઈ રહ્યા છીએ. આના પર વીર દાસે ફલાઈટ નંબર આપતા લખ્યું- તમારી વ્હીલચેર લઈ લેજો.