સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 29 એપ્રિલ, 2017 માં રૂ. 10 કરોડના ખર્ચે નિર્માણ પામેલો 7 ફૂટ ઉંડો આંતરરાષ્ટ્રીય કક્ષાનો સ્વિમિંગ શોભાના ગાંઠીયા સમાન બની ગયો છે. અહીં દોઢ વર્ષથી કોન્ટ્રાક્ટ આધારિત ફરજ બજાવતા કોચે અગાઊ રાજીનામું આપી દેતા છેલ્લા 6 મહિનાથી સ્વિમિંગ પૂલ બંધ છે. ઉનાળામાં પણ સ્વિમિંગ પૂલ શરૂ થાય તેવી કોઈ જ શક્યતા નથી. ખર્ચ કરતા આવક ઓછી હોવાથી સ્વિમિંગ પૂલ બંધ
આ બાબતે યુનિવર્સિટીમાં ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામકે કહ્યુ કે સ્વિમિંગ પૂલના મેઇન્ટેનન્સ માટેનો વાર્ષિક ખર્ચ રૂ. 35 લાખ થાય છે અને તેની સામે આવક રૂ. 5 લાખ હોવાથી સ્વિમિંગ પૂલ બંધ છે. આ ઉપરાંત અહીં આવેલા આઉટડોર સ્વિમિંગ પૂલમાં 28 લાખ લીટર તો ઇન્ડોર સ્વિમિંગ પુલમાં 7 લાખ લિટર પાણીની જરૂરિયાત પરિપૂર્ણ કરવી પણ મુશ્કેલ બની છે. જોકે અહીં કોચની નિમણૂક કરવામાં આવે અથવા તો ખાનગી સંસ્થાને ચલાવવા માટે ભાડે આપવાનું વિચારી રહ્યા છીએ. આ ઉપરાંત મહત્વની વાત એ છે કે આ સ્વિમિંગ પૂલ જ્યારે નિર્માણ થયું ત્યારે તેમાં સ્લોપ એટ્લે કે ઢાળ બનાવવામાં આવ્યો ન હતો. એટ્લે કે ભૂલ રહી ગઈ હતી. જેથી આ સ્વિમિંગ પૂલમાં સ્વિમિંગ શીખી શકાતું નથી પરંતુ શિખાઉ સ્વિમર પ્રેક્ટિસ કરી શકે છે. જેથી હવે સ્લોપ બનાવવા માટે વધુ રૂ. 15 લાખનો ખર્ચ થાય તેમ છે. આ સ્વિમિંગ પૂલ વોટર પોલો ગેમ માટે જ કામનો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનુ એસ્ટ્રો ટર્ફ હોકી મેદાન પણ કોચના અભાવે બંધ છે. 10 કરોડના ખર્ચે સ્વિમિંગ પૂલનું નિર્માણ કરાયું હતું
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડૉ. હરેશ રાબાએ જણાવ્યું હતુ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષ 2017 માં રૂ. 10 કરોડનાં ખર્ચે આઉટડોર અને ઇન્ડોર સ્વિમિંગ પૂલનું નિર્માણ કરવામાં આવેલું છે. જોકે પાણીનું પ્રમાણ ઓછું અને સ્વિમિંગ પુલની કેપેસિટી વધુ હોવાથી ઉપરાંત મેન્ટેનન્સ ચાર્જ વધુ હોવાથી સ્વિમિંગ પૂલ 6 મહીનાથી બંધ છે. આગામી સમયમાં પુલમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષા ની સ્પર્ધાઓ યોજાય અને સ્વિમિંગપુલ નો વધુમાં વધુ ઉપયોગ થાય તે પ્રકારના પ્રયાસો છે. ગત સપ્ટેમ્બર મહિનામાં સ્વિમિંગ પૂલ જ્યારે ચાલુ હતો ત્યારે 16 જેટલા મેમ્બર બહારના અને 50 વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોના હતા. જેઓ અહીં સ્વિમિંગની પ્રેક્ટિસ કરવા માટે આવતા હતા. આઉટડોર સ્વિમિંગ પૂલની 28 લાખ લિટર પાણીની કેપેસિટી છે. જ્યારે ઇન્ડોર સ્વિમિંગ પૂલની 7 લાખ લિટર પાણીની કેપેસિટી છે. યુનિવર્સિટી પાસે હીટર છે જે પાણી હું હુંફાળું રાખે, ક્લોરિન માટેનુ મશીન છે. પરંતુ કોઈને સારી રીતે ચલાવવું હશે તો વધુમાં વધુ લોકો લાભ લે તે માટેના પ્રયાસો કરવા પડશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અગાઉ કોન્ટ્રાક્ટ આધારિત સ્વિમિંગ કોચ કૃણાલ ટાંક હતા. જે હાલ રાજકુમાર કોલેજમાં સ્વિમિંગ કોચ છે. કોચના હિસાબે આપણે સ્વિમિંગ પૂલ બંધ કર્યો નથી. દર વર્ષે સ્વીમીંગ પુલના મેન્ટેનન્સ માટેનો ખર્ચ રૂ. 35 લાખ જેટલો છે. જેની સામે વાર્ષીક આવક રૂ. 5 લાખ જ છે. તાજેતરમાં મળનારી બોર્ડ ઓફ સ્પોર્ટ્સની બેઠકમાં યુનિવર્સિટીના સ્પોર્ટ્સના મેદાનોની ફી માં નજીવો વધારો કરવા માટેનો નિર્ણય લેવામાં આવશે. ભવિષ્યમાં ખેલકૂદના મેદાનો ધમધમતા થાય તે માટે કોચની વ્યવસ્થા કરવામાં આવશે અને કોઈ જગ્યાએ મેન્ટેનન્સ ખર્ચ વધુ થતો હોય તો તે ગ્રાઉન્ડ ભાડે આપી આવક મેળવવામાં આવશે. જોકે ત્યાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ફ્રી પ્રેક્ટિસ કરી શકશે. આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્વિમિંગ પૂલના મેઇન્ટેનન્સ માટે વાર્ષિક રૂ. 11 લાખનો કોન્ટ્રાક્ટ આપતાં હતા પરંતુ તે રીન્યુ કરવામા આવેલો નથી. જેની જગ્યાએ 2 મજૂર અને 1 ઓપરેટરને રાખેલા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવેલો આંતરરાષ્ટ્રીય કક્ષાનો સ્વિમિંગ પૂલ ગુજરાતમાં ભાગ્યે જ ક્યાંય જોવા મળશે. અહીં 7 ફૂટ ઊંડો 25 મીટરનો નાનો અને 50 મીટરનો મોટો સ્વિમિંગ પૂલ આવેલો છે જેમાં નાના સ્વીમીંગ પૂલમાં 7 લાખ લીટર તો મોટા સ્વીમીંગ પૂલમાં 28 લાખ લીટર પાણીની જરૂરિયાત રહે છે. હવે આ સ્વિમિંગ પૂલમાં હાલ ભારે ગંદકી છે. યોગ્ય જાળવણીના અભાવે ધૂળ ખાતો સ્વિમિંગ પૂલ અને હોકીનું મેદાન
જ્યારે આ મામલે કોંગ્રેસનાં પૂર્વ સિન્ડિકેટ સભ્ય ડૉ. ધરમ કાંબલીયાએ જણાવ્યું હતુ કે, વર્ષ 2017 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાજ્ય સરકારની ગ્રાન્ટ માંથી અંતરરાષ્ટ્રીય કક્ષાનો સ્વિમિંગ પુલ અને એસ્ટ્રો ટર્ફ હોકીનું મેદાન બનાવ્યું પરંતુ આ બન્ને ઇન્ટરનેશનલ કક્ષાના ગ્રાઉન્ડ ધૂળ ખાઈ રહ્યા છે. જોકે સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલા કુલપતિ અને કુલસચિવને ખેલકૂદમાં કોઈ રસ જ ન હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જો યુનિવર્સિટી આ સ્વિમિંગ પૂલ ચાલુ રાખી શકતી ન હોય તો રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કક્ષાની કંપનીને તેનુ સંચાલન સોંપી દેવું જોઈએ. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભવનો અને સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓ માટે ટોકન ફી રાખવી જોઈએ. અહીં સ્વિમિંગ પૂલમાં પાણી ખૂબ જ ગંદુ થઈ ગયું છે અને આ અવાવરૂ જગ્યા બની ગઈ છે. રાજ્ય સરકારની કરોડો રૂપિયાની ગ્રાન્ટ માંથી બનાવવામાં આવેલા મેદાનોની જાળવણી કરવામાં ન આવે તે પણ એક પ્રકારનું કૌભાંડ જ છે. જેથી આ પ્રકારની બાબતોમાં પણ સજા થવી જોઈએ. જેથી કુલપતિ અને કુલસચિવને વિનંતી છે કે આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્વિમિંગ પૂલ સહિતના મેદાનો તાત્કાલિક શરૂ કરવામાં આવે. જેથી વિદ્યાર્થીઓને ફાયદો થાય અને સરકારના નાણાથી બનેલા આ મેદાનોનો વ્યય ન થાય. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં 10 કરોડના ખર્ચે આંતર રાષ્ટ્રીય કક્ષાનો ઈન્ડોર અને આઉટડોર સ્વિમિંગ પૂલ તૈયાર કરવામાં આવ્યો છે. 29 એપ્રિલ, 2017 માં કુલપતિ ડૉ. પ્રતાપસિંહ ચૌહાણ અને કુલસચિવ ડૉ. ધીરેન પંડ્યાના સમયગાળામાં આ સ્વિમિંગ પૂલનું વજુભાઈ વાળાના હસ્તે લોકાર્પણ થયું હતું. પરંતુ તેના એક વર્ષ સુધી એટલે કે 2018 સુધી આ સ્વિમિંગ પૂલ શોભાના ગાંઠિયા સમાન બની રહયો હતો. બાદમાં કોચ આવતા આ સ્વિમિંગ પૂલ ધમધમતો તો થયો પરંતુ બાદમા હવે કોન્ટ્રાક્ટ આધારિત આ કોચને અન્ય જગ્યાએ સારા પગારથી નોકરી મળી જતા તેઓ અહીંથી નોકરી છોડી ચાલ્યા ગયા છે એટલે કે દર વખતે માફક ખેલકૂદના જે મેદાનમાં કોચ નીકળે ઍટલે તે રમત બંધ થઈ જાય તે પ્રકારની પરિસ્થિતિ ફરી ઓલમ્પિક કક્ષાના આંતરરાષ્ટ્રીય સ્વિમિંગ પૂલમાં સર્જાઈ છે. કઈ રીતે છે ફીનું સ્ટ્રક્ચર ? સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રમત ગમતના 16 મેદાનો સામે કોચ માત્ર 2 !
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હોકીનુ મેદાન અને સ્વિમિંગ પૂલ બંને ઇન્ટરનેશનલ કક્ષાના છે પરંતુ તેમાંથી હોકીનું મેદાન એવું છે કે જે નિર્માણ પામ્યાને એટલે કે વર્ષ 2017 થી અત્યાર સુધી રેગ્યુલર ઉપયોગમાં આવતો નથી માત્ર ટુર્નામેન્ટ વખતે આ મેદાનનો ઉપયોગ થાય છે. કારણકે હોકીના કોચ નથી. જ્યારે હવે સ્વિમિંગ પૂલના પણ કોચ નથી. આ ઉપરાંત ક્રિકેટ, ખો- ખો, વોલીબોલ, કબડ્ડી, હેન્ડબોલ, ફૂટબોલ, એથલેટિક્સ, લોન ટેનિસ, બાસ્કેટબોલ, જૂડો મેટ, કુસ્તી મેટ અને ટેબલ ટેનિસ આ 14 એવી રમતો છે. જ્યા કોચના અભાવે વિદ્યાર્થીઓ રમી શકતા નથી અને તેથી મેદાનો વેરાન બનતા જાય છે. છેલ્લાં 20 વર્ષમા 5 કાયમી કુલપતિ અને 2 કાર્યકારી કુલપતિએ સત્તા ભોગવી પરંતુ ખેલકૂદના કોચ નિમવામાં રસ ન દાખવ્યો.