back to top
Homeગુજરાત'ત્રણવાર ભૂવા પાસે લઇ ગયા, એક સાથે તો સ્નાન કરાવ્યું':રાજકોટમાં વધુ એક...

‘ત્રણવાર ભૂવા પાસે લઇ ગયા, એક સાથે તો સ્નાન કરાવ્યું’:રાજકોટમાં વધુ એક ધતિંગ લીલાનો પર્દાફાશ; 20 વર્ષથી લોકોના દુઃખ દર્દ દૂર કરવાના નામે લૂંટતી ભૂઈ મા ઝડપાઈ

રાજકોટમાં વધુ એક ધતિંગ લીલાનો પર્દાફાશ થયો છે. જન વિજ્ઞાન જાથા દ્વારા 1267મો પર્દાફાશ કરવામા આવ્યો છે. જેમાં જેતપુરના જેપુર ગામે છેલ્લા 20 વર્ષથી ભૂઇ મા તરીકે કામ કરતા અને દશામાનો મઢ ધરાવતા ભાવનાબેન મકવાણા લોકોના દુઃખ દર્દ દૂર કરવા માટે પૂનમ ભરવા માટેનું કહેતા હતા અને ભભૂતિ આપતા હતા. જે માટે રૂ. 5,000થી રૂ. 20,000 લેતાં હતા. દર મહિને 1,000 જેટલા લોકો દાણા જોવડાવવા આવતા હોવાની કબૂલાત ભૂઇ માએ પોલિસ સમક્ષ આપી છે. આજે જ્યારે એક પીડિતાના ઘરે ઘરકંકાસ દૂર કરાવવા માટે સાસરિયા દ્વારા ભૂઈ માને ઘરે બોલાવવામાં આવી અને આ ભુઇ મા સવારથી પરિણીતા પર વિધિ કરતા હતા. જેનાથી કંટાળીને પરિણીતાએ જન વિજ્ઞાન જાથાનો સંપર્ક કર્યો અને ભુઇ માનો પર્દાફાશ થયો. પીડિતાએ રડતા રડતા કહ્યું કે, અત્યાર સુધીમાં મારા પતિ સહિતનાં સાસરિયાં દ્વારા 3 ભુવાને બોલાવવામાં આવેલા છે અને આ ચોથા ભૂઇ મા છે. એક ભુવા સાથે તો મને સ્નાન પણ કરાવડાવ્યું હતું. ભૂઇ માએ જાથા સમક્ષ ધતિંગ લીલા બંધ કરવાની ખાતરી આપી
રાજકોટમાં લોકોને દુઃખ દર્દ દૂર કરવાના નામે છેતરતી ભૂઇ મા ઝડપાઈ છે. રાજકોટમાં રહેતી પીડિતા સાસરિયા વાળાના ભૂવાના ત્રાસથી કંટાળી ગઈ હતી. જેથી જન વિજ્ઞાન જાથાનો સંપર્ક કર્યો હતો. જેમાં લોકોને ઠગતી ભૂઇ માનો પર્દાફાશ થયો હતો. પીડિતાએ કહ્યું હતું કે, હું આ પરિવારને નડી રહી છું તેવું સાસરિયાને લાગી રહ્યું છે. જેથી ભૂવાઓના ત્રાસથી હું કંટાળી ગઈ છું. અત્યાર સુધીમાં પરિવાર દ્વારા 60 હજાર રૂપિયા ખર્ચવામાં આવ્યા છે અને તે વ્યાજે લેવામાં આવ્યા હતા અને તેનું વ્યાજ પણ હું ભરી રહી છું. જોકે માલવિયા નગર પોલીસ મથક ખાતે પોલીસની હાજરીમાં ભૂઇ મા દ્વારા જાથા સમક્ષ ખાતરી આપવામાં આવી હતી કે પોતે પોતાની ધતિંગ લીલા બંધ કરે છે. લોકોને ઉપચાર સંબંધિત ભભૂતિ આપી પૈસા ખંખેરતી
જન વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના જેતપુરના વીરપુર પાસે આવેલા જેપુર ગામમાં છેલ્લા 20 વર્ષથી દશામાના માતાજીનો મઢ રાખી ભુઈ માનું કામ કરતા ભાવનાબેન ધીરુભાઈ મકવાણા લોકોને ઉપચાર સંબંધિત ભભૂતિ આપતા હતા. અબીલ, ગુલાલ અને કંકુ આપતા હતા. કોઈ વ્યક્તિને કોઈ નડતર હોય તો તે દૂર કરવાનું કામ કરતા હતા. આજેતેઓ વિધિ વિધાન કરવા માટે આવ્યા હતા. જેના રૂ. 5,000 અને આવવા જવાનું રૂ. 2,000 એમ કુલ રૂ. 7,000ની વસૂલાત કરી હતી. ભૂઇ માના પતિ માતાજી આવે ત્યારે પગે લાગતો
જે અંગેની અમને માહિતી મળતા જાણવા મળ્યું કે, પીડિતાને અત્યાર સુધીમાં 5 જેટલા ભૂવા દ્વારા ત્રાસ આપવામાં આવ્યો હતો. એક ભૂવાને પીડિતા સાથે સ્નાન કરાવવામાં આવ્યું હતું, જે કાયદા મુજબ ગુનાને પાત્ર છે. આ ભૂઇ મા છે તેને પોલીસ સમક્ષ કબૂલાત પણ આપી દીધી છે કે આ ધતિંગ લીલા અને કપટ લીલા બંધ કરી દેશે. ભૂઇ માના પતિ ધીરુભાઈ કાળાભાઈ મકવાણા એ પણ કબૂલાત આપી છે કે, તેની પત્ની એટલે કે ભૂઇને માતાજી આવે ત્યારે પગે લાગતો હતો. ‘તમે ભણેલા છો એટલે તમને ખબર ન પડે’
ભુઇ મા ભાવનાબેન મકવાણાએ જણાવ્યું હતું કે, દશામાને તેડાવ્યા હતા એટલે હું અહીં આવી હતી, હું દાણા જોતી નથી. મારે ત્યાં દશામાનો મઢ છે અને હું ભૂઇ મા છું, પરંતુ હું ધુણતી નથી. છેલ્લા 20 વર્ષથી ભૂઇ મા છું. ભભૂતિ પાઈ એટલે સારું થઈ જાય, તમે ભણેલા છો એટલે ખબર ન પડે. ‘સાસરિયા વાળા અગાઉનું આવેલુ માગુ નડે કહી ભૂવા પાસે લઈ જતા’
પીડિતા રાધિકાએ જણાવ્યું હતું કે, મને ચાંદલા કર્યા, હાર પહેરાવ્યા એ બધુ જ પૂરું થઈ ગયું હતું. ત્યારબાદ મને કહ્યું કે તારે ભભૂતિ પીવાની છે. અગાઉ પણ એક વખત હું મંદિરે ભભૂતિ પી આવી હતી. મારી અંદર કંઈક છે તેવું કહીને મને ભભૂતિ પાવામાં આવતી હતી. મને એવું કહેવામાં આવતું હતું કે, તું તારા સાસુ અને નણંદ સહિતના સાસરિયાને હેરાન કરે છે. અગાઉ એવું કહેવામાં આવ્યું કે, તારું જ્યાંથી અગાઉ માગુ આવ્યું હતું ત્યાંથી તને કંઈક નડે છે. ભૂવાને પીડિતા સાથે સ્નાન કરાવવામાં આવ્યું
વધુમાં પીડિતાએ જણાવ્યું કે, મારા પ્રેમ લગ્ન છે અને લગ્નને એક વર્ષ થયું હતું. ત્યારથી જ સાસરિયા દ્વારા એક ભુવાને રાત્રે ઘરે બોલાવવામાં આવતા હતા. બાદમાં મને પડધરી પાસે આવેલા ભુવાના મંદિરે લઈ જવામાં આવી. બાદમાં સાસરિયા દ્વારા ત્રીજો ભૂવો ગોતવામાં આવ્યો અને ત્યાં રાત્રે 10:00 વાગ્યે તેના ઘરે અમે જતા હતા જે મોરબી રોડ ઉપર રહેતો હતો. તે વખતે તો સાસરિયા દ્વારા મને તે ભૂવા સાથે સ્નાન કરાવવામાં આવ્યું હતું. આ છેલ્લા ભૂઇ મા છે કે, જ્યાં મને દશમ ભરવા માટેનું કહેવામાં આવ્યું. મારા ઘરમાં ઝઘડા બંધ થતા હોય તો તેના માટે પણ હું તૈયાર થઈ હતી. રાત્રે 8 વાગ્યે નાનું બાળક લઇને દશમ ભરવા જતા હતા અને રાત્રે 12 વાગ્યે પરત ફરતા હતા. આજે ભૂઇ માએ રૂ. 7 હજાર માગ્યા, હું ઘરકામ કરવા જાઉં છું અને પાર્લરમાં પણ કામ કરવા જાવ છું તો પૈસા હું ક્યાંથી કાઢું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments