રાજકોટ શહેરમાં ગત સપ્તાહે મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ થયું હતું. એપ્રિલ માસમાં 100 વર્ષમાં પ્રથમ વખત આટલી ગરમી પડતાં રેકોર્ડ નોંધાયો છે. ત્યારબાદ ક્રમશ: તાપમાનમાં ઘટાડો થયો હતો જેથી લોકોને રાહત થઈ હતી પણ હવામાન વિભાગે ફરીથી ગરમી માટે તૈયાર રહેવા માટે આગાહી કરી છે. રાજકોટ શહેરમાં મંગળવારે મહત્તમ તાપમાન 42.8 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું જે સામાન્ય કરતાં 3.5 ડિગ્રી સેલ્સિયસ વધારે છે. બીજી તરફ ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું જે સામાન્ય છે. 9 તારીખે મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્શિયસ રહ્યા બાદ દરરોજ પારો ઘટી રહ્યો હતો અને 11 તારીખે 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જોકે હવે ફરીથી પારો ઊંચકાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 18 તારીખ સુધી મહત્તમ તાપમાન 43થી 44 ડિગ્રી સેલ્સિયસ રહે તેવી શક્યતા છે. હીટવેવની આ સ્થિતિ બાદ ફરી પારો ઘટશે અને 21 તારીખ આસપાસ ફરી પારો 41 ડિગ્રીએ પહોંચી જશે. હીટવેવની આ આગાહીને કારણે તંત્ર એલર્ટથયું છે. અકળામણ વધશે દરિયાકાંઠે ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે 17 તારીખ સુધીમાં તાપમાનમાં વધારો થશે તેને કારણે બાષ્પીભવનમાં વધારો થતા ભેજમાં પણ વધારો થશે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીની સાથે સાથે ભેજવાળુ વાતાવરણ રહેતા ગભરામણ તેમજ અકળામણ અનુભવાઈ શકે છે. સામાન્ય રીતે તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસથી વધે એટલે હીટ સ્ટ્રોકના બનાવો વધી જતા હોય છે. જોકે તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યા બાદ પણ હજુ સુધી હીટ સ્ટ્રોકના કેસમાં રાહત જોવા મળી રહી છે. તબીબી નિષ્ણાતો જણાવી રહ્યા છે કે, શરીરનું તાપમાન સતત વધારે રહે અને ડિહાઈડ્રેશન થાય તેને કારણે હીટ સ્ટ્રોકના બનાવો વધે છે. રાજકોટમાં હાલ બપોરના સમયે આકરી ગરમી પડી રહી છે પણ સાંજ થતાં જ પશ્ચિમી પવનો એટલે કે દરિયા પરના પવનો શરૂ થતાં જ પારો નીચો આવે છે અને ગરમીમાંથી રાહત મળે છે. રાત્રીના સમયે પણ પવનની ગતિ વધુ હોય છે. રાજકોટ શહેરમાં છેલ્લા બે દિવસમાં પવનની મહત્તમ ગતિ 20 કિ.મી. પ્રતિ કલાક સુધી નોંધાઈ ચૂકી છે. આ કારણે રાત્રી દરમિયાન ગરમીમાં રાહત રહે છે. જ્યારે આખો દિવસ પારો ઊંચો રહે અને રાત્રી દરમિયાન પારો 30 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે ત્યારે એ ભીષણ ગરમીથી શરીર ઠંડું થતું નથી અને તે જ કારણે હીટ સ્ટ્રોકના બનાવો વધે છે. આ જ કારણે જ્યારે પણ તાપમાનમાં વધારો થઈ રહ્યો હોય ત્યારે શરીરને ઠંડું રાખવા ઉપરાંત સતત પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.