આવકવેરા વિભાગે હાઇવેલ્યુ ટ્રાન્ઝેકશનમાં કરદાતાઓને નોટિસ ઇશ્યુ કરી ઓનલાઇન જવાબ આપવા કહ્યુ છે. જે લોકોએ જમીન, મકાન, રો-હાઉસ, સોના-ચાંદીની ખરીદી કે બેન્કમાંથી ઉપાડ-જમાની સીમાઓ ઓળંગી છે તેવા કેસોમાં નોટિસો ઇશ્યુ થઈ રહી છે. અનેક કરદાતાઓે એવા છે જેઓએ મોટા ટ્રાન્ઝેકશન કર્યા બાદ પણ વર્ષ 2021-22ના રિટર્નમાં તેનો ઉલ્લેખ કર્યો નથી તે તમામ કરાદાતાઓને નોટિસો આપવામાં આવી છે, આ નોટિસની એક ખાસિયત છે કે તે એક રીતે ઇ-વેરિફિકેશન છે જેમાં જો કરદાતા યોગ્ય રીતે જવાબ આપી તો કરદાતાનો કેસ એસેસમેન્ટમાં જવા પહેલા જ ક્લોઝ થઈ શકે છે. સુરતમાં રૂપિયા 50 લાખની વધુની કિંમતના છ હજાર કરોડના ટ્રાન્ઝેકશન થતા હોય છે જે રાજ્યમાં અમદાવાદ બાદ બીજા સ્થાને છે. સુરતમાં રીઅલ એસ્ટેટના કુલ ટ્રાન્ઝેકશન દસ હજાર કરોડથી વધુના છે. જેમાંથી આઇટીને ટીસીએસ પેટે 60 કરોડની આવક થાય છે. દર વર્ષે સુરત આઇટી રેન્જમાં 7થી 8 હજાર જેટલા કેસ સ્ક્રૂટીનીમાં સિલેક્ટ થતા હોય છે, જે તમામ કેસ ફેસલેસ ચાલે છે, જેમાં કરદાતાને સામે કયા અધિકારી પૂછતાછ કરી રહ્યા છે તે બાબતે સહેજ પણ જાણ થતી નથી. વળી, આ અધિકારી દેશના કયા ખૂણામાં બેઠા છે તે સુદ્ધા ખબર પડતી નથી. સી.એ. જીગીષા કાકડિયા કહે છે કે, અનેકવાર બેન્કમાંથી ઉપાડ અને જમા અંગેની ભૂલો થાય છે. રકમ જમા કરતી વખતે જ સાવધાની રાખવી જોઈએ એવું અનેક લોકો માને છે પરંતુ ઉપાડ વખતે પણ એટલી જ તકેદારી રાખવાની છે. ઉપરાંત જમીનોના સોદામાં એકથી વધુ પાર્ટનર હોય કે ફર્મના નામે હોય ત્યારે પણ તકેદારી જરૂરી છે. કેટલીકવાર PANમાં ભૂલ થવાથી પણ નોટિસ આવે છે. સોના-ચાંદીની ખરીદી વખતે પણ બિલની લિમિટ ક્રોસ થાય તો આઇટી સુધી માહિતી પહોંચતી હોય છે. એવી જ રીતે ફોરેન ટૂર, ક્રેડિટ કાર્ડની ખરીદી, ઓનલાઇન ટ્રાન્ઝેકશનની લિમિટ ક્રોસ થાય ત્યારે પણ આઇટી સુધી વિગતો પહોંચે છે. હાલ ઇ-વેરિફિકેશન માટે તો કરદાતાઓએ ઓનલાઇન જ આપવાના છે, પરંતુ ત્યારબાદનું સ્ટેજ ફેસલેસ એસેસમેન્ટનું છે, જેમાં કરદાતાને સામે કયા અધિકારી છે એની જાણ થતી નથી અને તમામ કવેરીના જવાબ આપવાના હોય છે. સી.એ.નો એક મોટો વર્ગ એવું માને છે કે, ફેસલેસ એસસમેન્ટ શરૂ થયા બાદ હાઇપીચ એસસેમેન્ટ ઓછા થયા છે. એટલે કે લોકોને વધારાનો ટેક્સ ભરવાનો આવતો નથી. ઉપરાંત આ સિસ્ટમથી કરપ્શનની શક્યતા પણ સાવ ઓછી થઈ ગઈ છે. આ એક રીતે એસેસમેન્ટ પહેલાંનો સ્ટેજ છે. અનેક કેસમાં ઇ-વેેરિફિકેશન નોટિસ નિકળી છે. ખાસ કરીને હાય વેલ્યુ ટ્રાન્ઝેકશનમાં જે ક્વેરી હોય તેના જવાબો માંગવામાં આવ્યા છે, જે જવાબો પણ ઓનલાઇન જ આપવાના છે. અલબત્ત, તે સ્થાનિક અધિકારીને જ આપવાના છે. જે ડેટા આઇટી પાસે આવે છે તેમાં જો મિસમેચ હોય તો નોટિસ આવે છે. અલબત્ત, એવું પણ જોવા મળ્યું છે કે, કરદાતાએ રિટર્ન યોગ્ય રીતે ભર્યું હોય, વિગતો બતાવી પણ હોય પરંતુ ટેકનિકલ એરરના લીધે કે જે વિગતો આઇટીને મળે છે તેમાં ભૂલ હોય તો પણ નોટિસ મળે છે. > અતિત દિલિપ શાહ, સી.એ.