ચિન્તેષ વ્યાસ
હવામાનની આગાહી કરતી સ્કાયમેટે એજન્સી બાદ ભારતીય હવામાન વિભાગે પણ આગામી ચોમાસાને પોતાનું પૂર્વાનુમાન રજૂ કર્યું છે. સ્કાયમેટ પ્રમાણે આ ચોમાસામાં 103% સાથે ચોમાસુ સામાન્ય જઇ શકે છે. જ્યારે ભારતીય હવામાન વિભાગ પ્રમાણે 105% સાથે ચોમાસુ સામાન્ય વધુ સારું રહી શકે છે. સ્કાયમેટ પ્રમાણે, ચોમાસાને ખરાબ કરનાર અલનીનો આ વખતે સક્રિય નથી. ચોમાસા દરમિયાન પણ તે સક્રિય થવાની શક્યતા નથી. લા-નીનો થોડા સમય માટે એક્ટીવ થઇ હાલ ન્યુટ્રલ તરફ જઇ રહ્યું છે. જે ચોમાસા દરમિયાન પણ ન્યુટ્રલ રહેવાની શક્યતા છે. બીજી તરફ ઈન્ડિયન ઓશન ડીપોલ પણ ચોમાસા પહેલાં પોઝિટીવ થઇ જશે. આ તમામ પરિબળોથી ચોમાસું ખરાબ નહીં થાય. સામાન્ય ચોમાસા પ્રમાણે 103% સાથે દેશમાં સરેરાશ 895 મીમી વરસાદ થઇ શકે છે. આ ચોમાસામાં સરેરાશ વરસાદ સામે 96% થી 104% સાથે સામાન્ય ચોમાસાનું રહેવાની શક્યતા 40% છે. જ્યારે 104% થી વધુ વરસાદની શક્યતા 30% છે. એટલે કે, ચોમાસુ સામાન્ય કે તેથી સારૂ રહેવાની શક્યતા 70% છે. એટલે જ ચોમાસું સારૂ માનવામાં આવી રહ્યું છે. બીજી તરફ સામાન્યથી ખૂબ વધુ વરસાદની શક્યતા 10%, દુષ્કાળની શક્યતા માત્ર 5% તેમજ સામાન્યથી નબળુ ચોમાસું જવાની શક્યતા 15% છે. જૂનમાં 4% ઓછા વરસાદની શક્યતા વચ્ચે જુલાઇમાં 2%, ઓગસ્ટમાં 8% અને સપ્ટેમ્બરમાં 4% વધુ વરસાદની શક્યતા છે. વરતારો | ગુજરાતમાં ચોમાસાના 4 મહિનામાં વરસાદની સ્થિતિ જૂનમાં દક્ષિણ અને મધ્ય-પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં સારો વરસાદ, જુલાઇમાં રાજ્યમાં વાવણી લાયક વરસાદ મળશે
આ કારણથી ચોમાસું સારૂ જવાની શક્યતા : ચોમાસાને ખરાબ કરતું અલનીનો નિષ્ક્રિય, લા-નીનો ન્યૂટ્રલ અને ચોમાસા પહેલાં ઈન્ડિયન ઓશન ડીપોલ પોઝિટિવ થશે જૂન : જૂન મહિનાથી ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઇ શકે છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાત અને મધ્ય-પૂર્વ ગુજરાત સાથે ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં સારો વરસાદ થઇ શકે છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને સારા વરસાદ માટે રાહ જોવી પડી શકે છે.
જુલાઇ : જુલાઇથી બંગાળની ખાડીમાં વેધર સિસ્ટમ સક્રિય થઇ પશ્ચિમ તરફ આગળ વધતી હોય છે. જેને લઇ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાવણી લાયક સારો વરસાદ થઇ શકે છે. જુલાઇ અંતમાં ભારે વરસાદના કારણે કેટલાક જિલ્લામાં પૂર જેવી સ્થિતિ બની શકે છે.
ઓગસ્ટ : ઓગસ્ટ મહિનામાં સૌથી સારા વરસાદની શક્યતા છે. આ દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદના કારણે અતિવૃષ્ટી જેવી સ્થિતિ બનતાં પૂરની જેવી સ્થિતિ બની શકે છે.
સપ્ટેમ્બર : સપ્ટેમ્બરમાં ચોમાસાની વિદાય વચ્ચે પણ સારા વરસાદની શક્યતા છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થઇ શકે છે. { રાજ્યમાં 2015 થી 2024 સુધીના 10 ચોમાસાની સ્થિતિ જોઇએ તો, 6 વખત સામાન્ય કરતાં વધુ વરસાદ થયો છે. જ્યારે 4 વખત સામાન્ય કરતાં ઓછો વરસાદ થયો છે. 2019માં 146.17% સાથે સૌથી વધુ વરસાદ થયો હતો. આ ઉપરાંત 2024 માં 143.14%, 2020 માં 136.85%, 2022 માં 122.09% અને 2023 માં 108.16% વરસાદ થયો હતો. બીજી તરફ સૌથી ઓછો 76.73% વરસાદ 2018 માં થયો હતો. આ સમયે રાજ્યમાં દુષ્કાળ જેવી સ્થિતિ બની હતી. આ ઉપરાંત 2015માં 81.57%, 2016 માં 91.17%, 2021 માં 98.48% વરસાદ થયો હતો. 2022 થી 2024 સુધીના છેલ્લા 3 ચોમાસામાં સામાન્ય કરતાં વધુ વરસાદ થઇ ચૂક્યો છે. ઉ.ગુ.ના કેટલાક વિસ્તારોને બાદ કરતાં રાજ્યમાં 35 થી 55% સામન્ય થી વધુ વરસાદની શકયતા
ભારતીય હવામાન વિભાગે મંગળવારે રજૂ કરેલા પૂર્વાનુમાન મુજબ 105% સાથે ચોમાસા દરમિયાન સામાન્યથી વધુ વરસાદની શકયતા છે. મોનસૂન મેપ પ્રમાણે, ગુજરાતમાં આ ચોમાસા દરમિયાન સામાન્ય થી વધુ વરસાદની શકયતા 35 થી 55% વધુ છે. જો કે, આ દરમિયાન ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની સામાન્ય રહેવાની શક્યતા 45% થી 55% છે.