ઉનાળાની ગરમી વધતાં જ રાજ્યના કુલ 207 જળાશયોમાં સંગ્રહિત પાણીમાં દૈનિક લગભગ 0.35 ટકાના દરથી ઘટાડો થઇ રહ્યો છે. હજુ ગરમીની ઋતુની શરૂઆત છે અને ચોમાસા સુધીમાં પાણીના જથ્થામાં ઓર ઘટાડો થઇ શકે છે. મંગળવારે સાંજે લેવાયેલા આંકડા પ્રમાણે ગુજરાતના કુલ 207 જળાશયોમાં 55.18 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જે પાછલાં વર્ષે આ જ તારીખે એટલે કે 15 એપ્રિલ, 2024ના રોજ 48.78 ટકા હતો. આમ પાછલાં વર્ષ કરતાં ચાલું વર્ષે પ્રમાણમાં 6.40 ટકા વધુ પાણીનો સંગ્રહ રહ્યો છે. 2024ના વર્ષના ચોમાસામાં ગુજરાતનો સરેરાશ વરસાદ 140.06 ટકા નોંધાયો હતો તેની સામે 2023ના વર્ષમાં રાજ્યમાં સરેરાશ 108.16 ટકા વરસાદ વરસ્યો હતો. આમ ગયા વર્ષે તેના આગલાં વર્ષની તુલનાએ 32.44 ટકા વરસાદ વધુ પડ્યો હતો.
ઉત્તર ગુજરાતના 15 અને મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં પાછલાં વર્ષની તુલનાએ પાણીનો જથ્થો 1થી 2 ટકા જેટલો ઓછો છે, જ્યારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ સરદાર સરોવર ડેમ સહિત 175 જળાશયોમાં 2 ટકાથી લઇને 14 ટકા જેટલો વધુ જથ્થો નોંધાયો છે. આમ ગુજરાતમાં જળાશયોના સ્તરની સ્થિતિ ખાસ ચિંતાજનક નથી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે પીવાના પાણીની સ્થિતિ અને ઉનાળા સંબંધિત આયોજનની સમીક્ષા બેઠક કરી હતી. આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યમાં હાલ 62 જળાશયોનું પાણી પીવાના ઉપયોગ માટે આરક્ષિત રાખવામાં આવ્યું છે. 2024માં 2023ની સરખામણીએ સરેરાશ વરસાદમાં લગભગ 31% વધારો નોંધાયો
2024માં ગુજરાતમાં ભારે વરસાદની ઘટનાઓમાં પણ વધારો થયો છે. 2023માં 30 દિવસોમાં ભારે વરસાદ નોંધાયો હતો, જ્યારે 2024માં આ ઘટનાઓ 66 દિવસ સુધી નોંધાઈ છે, જે 2023ની સરખામણીએ દોઢગણી છે.
કચ્છ અને સૌરાષ્ટ્ર જેવા વિસ્તારોમાં 2024માં વધુ વરસાદ નોંધાયો છે, જે 2023ની સરખામણીએ નોંધપાત્ર છે.