અક્ષય કુમાર હાલમાં તેની આગામી ફિલ્મ ‘કેસરી 2’ને લઈને ચર્ચામાં છે. તેવામાં તેણે સલમાન ખાનના કામની પ્રશંસા કરી છે અને એક્ટરને સપોર્ટ કર્યો છે. ફિલ્મ ‘સિકંદર’ની રિલીઝ પછી સલમાન ખાનને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. કેટલાક લોકો કહી રહ્યાં છે કે, ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઈ ખાસ કમાલ દેખાડી શકી નથી. તો કેટલાક લોકો કહી રહ્યાં છે કે, સલમાનની હવે ઉંમર થઈ ગઈ છે. ત્યારે અક્ષય કુમારે ટ્રોલર્સને ઠપકો આપ્યો છે. ‘સલમાન ટાઇગર છે અને હંમેશા રહેશે’- અક્ષય હિન્દુસ્તાન ટાઈમ્સ સાથેની વાતચીતમાં અક્ષયને પૂછવામાં આવ્યું કે, આજકાલ મોટા સ્ટાર્સની ફિલ્મો સારી ચાલી રહી નથી. સલમાન ખાનની ‘સિકંદર’ પણ સારી કમાણી કરી ન શકી, આ અંગે તમારે શું કહેવું છે? અક્ષયે જવાબ આપ્યો, ‘આ ખોટું છે. આવું થઈ જ ન શકે. ટાઇગર ઝિંદા હૈ ઔર હંમેશા રહેગા. સલમાન એક એવી નસલનો વાઘ છે જે જીવનમાં ક્યારેય મરી શકતો નથી. તે મારો મિત્ર છે, હંમેશા રહેશે.’ ચાહકોએ સોશિયલ મીડિયામાં અક્ષયના વખાણ કર્યાં અક્ષય કુમારે સલમાન ખાનને સપોર્ટ કર્યો તે બાબત ચાહકોને ખૂબ જ ગમી રહી છે. સોશિયલ મીડિયા પર ચાહકો અક્ષયના ખૂબ વખાણ કરી રહ્યા છે. સાથે જ બંનેની મિત્રતાને લઈને પણ ઘણી વાતો થઈ રહી છે. યુઝર્સ કમેન્ટ કરીને બંનેને ફરી સાથે ફિલ્મમાં કામ કરવા માટે પણ આગ્રહ કરી રહ્યા છે. સલમાન ખાન અને અક્ષય કુમારે સાથે 2004માં ફિલ્મ ‘મુજસે શાદી કરોગી’ અને 2006માં ‘જાન-એ-મન’ ફિલ્મમાં કામ કર્યું હતું. અક્ષય ફિલ્મ કેસરી 2 માં જોવા મળશે અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘કેસરી 2’ વિશે વાત કરીએ તો, આ ફિલ્મ 18 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થશે. અક્ષય કુમાર ફિલ્મ ‘કેસરી 2’ ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મમાં અક્ષય ઉપરાંત આર માધવન અને અનન્યા પાંડે પણ જોવા મળશે. ‘સિકંદર’નું બોક્સ ઓફિસ કલેક્શન સલમાન ખાન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘સિકંદર’ વિશે વાત કરીએ તો, તે 30 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે પહેલા દિવસે 26 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે આ ફિલ્મ રિલીઝ થયાને 17 દિવસ થઈ ગયા છે. ‘સિકંદર’એ 17 દિવસમાં 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. સેકનિલ્ક (એન્ટરટેઇનમેન્ટના સમાચાર, બોક્સ ઓફિસ એનાલિટિક્સ અને ટ્રેન્ડિંગ અપડેટ્સ આપતી વેબસાઇટ)ના રિપોર્ટ મુજબ, ફિલ્મે 109.56 કરોડ રૂપિયાની કમાણી કરી છે.