back to top
Homeભારતસુપ્રીમ કોર્ટે કહ્યું- ભાષાનો કોઈ ધર્મ હોતો નથી:મહારાષ્ટ્રમાં બોર્ડમાંથી ઉર્દૂ હટાવવાની અરજી...

સુપ્રીમ કોર્ટે કહ્યું- ભાષાનો કોઈ ધર્મ હોતો નથી:મહારાષ્ટ્રમાં બોર્ડમાંથી ઉર્દૂ હટાવવાની અરજી પર કોર્ટે કહ્યું- તેને ફક્ત મુસ્લિમોની ભાષા માનવી ખોટું છે

સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં નગર પરિષદના સાઇનબોર્ડ પર ઉર્દૂના ઉપયોગને યોગ્ય ઠેરવ્યું છે. કોર્ટે કહ્યું કે ભાષા સંસ્કૃતિ છે, વિભાજનનું કારણ નથી. મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં પાતુર નગર પરિષદના સાઇનબોર્ડમાં મરાઠીની સાથે ઉર્દૂ ભાષાના ઉપયોગને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. મંગળવારે, કોર્ટે કડક ટિપ્પણી કરતા કહ્યું કે “ભાષાનો કોઈ ધર્મ હોતો નથી અને ઉર્દૂને ફક્ત મુસ્લિમોની ભાષા માનવું એ ભારતની વાસ્તવિકતા અને વિવિધતાની એક દુર્ભાગ્યપુર્ણ ગેરસમજ છે.” આ અરજી પૂર્વ કોર્પોરેટર વર્ષાતાઈ સંજય બાગડે દ્વારા કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે નગર પરિષદનું કામ ફક્ત મરાઠીમાં જ થઈ શકે છે અને સાઇનબોર્ડ પર પણ ઉર્દૂનો ઉપયોગ ન થવો જોઈએ. પહેલા આ અરજી મ્યુનિસિપલ કાઉન્સિલ દ્વારા અને પછી બોમ્બે હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી. છેવટે અરજદાર સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે ચુકાદો આપતા કહ્યું કે, “ભાષા કોઈ ધર્મની નથી, પરંતુ એક સમુદાય, પ્રદેશ અને લોકોની છે. ભાષા એ સંસ્કૃતિ છે અને સમાજની સભ્યતાની યાત્રાનો એક માપદંડ હોય છે.” કોર્ટે કહ્યું કે ઉર્દૂ ભાષા ગંગા-જમુની સંસ્કૃતિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે અને તેનો જન્મ ભારતની ભૂમિ પર થયો હતો. કોર્ટે કહ્યું- ઉર્દૂને વિદેશી ભાષા અથવા ફક્ત એક જ ધર્મની ભાષા માનવું સંપૂર્ણપણે ખોટું છે સુપ્રીમ કોર્ટે એ ગેરસમજ પર પણ ટિપ્પણી કરી કે ઉર્દૂને વિદેશી ભાષા અથવા ફક્ત કોઈ ચોક્કસ ધર્મની ભાષા માનવું સંપૂર્ણપણે ખોટું છે. કોર્ટે કહ્યું- વાસ્તવિકતા એ છે કે હિન્દી ભાષાનો દૈનિક ઉપયોગ પણ ઉર્દૂ શબ્દો વિના અધૂરો છે. ‘હિન્દી’ શબ્દ પોતે જ ફારસી શબ્દ ‘હિન્દવી’ પરથી આવ્યો છે. કોર્ટે કહ્યું કે હિન્દી અને ઉર્દૂ વચ્ચેનું વિભાજન ધર્મના આધારે કરવામાં આવ્યું હતું, જે આજે પણ એક મોટી ગેરસમજ તરીકે અસ્તિત્વમાં છે. તેમણે એમ પણ કહ્યું કે “આપણે આપણા પૂર્વગ્રહોના સત્યનો સામનો કરવાની જરૂર છે. ચાલો આપણે ઉર્દૂ અને દરેક ભાષા સાથે મિત્રતા કરીએ.” ઉર્દૂ ભાષાના ઉપયોગ પર કોઈ પ્રતિબંધ નથી સુપ્રીમ કોર્ટે કહ્યું કે મહારાષ્ટ્ર પબ્લિક ઓથોરિટીઝ (રાજભાષા) અધિનિયમ, 2022માં ઉર્દૂ ભાષાના ઉપયોગ પર કોઈ પ્રતિબંધ નથી. ફક્ત મરાઠીનો ઉપયોગ ફરજિયાત છે, પરંતુ તેની સાથે અન્ય ભાષાઓનો ઉપયોગ પ્રતિબંધિત નથી. તેથી, અરજી કાયદાના ખોટા અર્થઘટન પર આધારિત છે અને તેને ફગાવી દેવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments