રાજકોટ શહેરમાં બેફામ દોડતી સિટીબસના ચાલકે આજે (16 એપ્રિલ) વધુ એક અકસ્માત સર્જ્યો છે. રાજકોટના ઇન્દિરા સર્કલ નજીક ટ્રાફિક સિગ્નલ ખુલતાની સાથે જ પાછળથી માતેલા સાંઢ માફક આવતી સિટીબસના ચાલકે એક સાથે બે રીક્ષા તેમજ પાંચથી છ જેટલા ટુ વહીલર વાહનોને અડફેટે લીધા હતા અને નિર્દોષ લોકોના શરીર પર બસના ટાયર ફરી વળતા કુલ 4 લોકોના મોત નિપજ્યા છે જયારે બસચાલક સહીત કુલ ત્રણથી ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે જેને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અકસ્માતના મામલે RMC મૃતકોને 15 લાખ, ઈજાગ્રસ્તોને 2 લાખની સહાય કરશે. મૃતકના નામ ઈજાગ્રસ્તોની યાદી ચિન્મય ભટ્ટના પિતાનું 15 દિવસ પહેલાં જ મૃત્યુ થયુ હતુ
મૃતક ચિન્મય ઉર્ફે લાલો ભટ્ટ ઉ.વ 25, રાજકોટના હાથી ખાના વિસ્તારમાં રહે છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોન્ટ્રાક્ટ કર્મચારી તરીકે નોકરી કરતો હતો, ચિન્મયના પિતા હર્ષદભાઈનું 15 દિવસ પહેલા જ મૃત્યુ થયું હતું. ચિન્મયના પિતા હર્ષદભાઈ નાગરિક બેંકમાં નોકરી કરતા હતા. મૃતક યુવાનના માતા અગાઉ જ મૃત્યુ પામ્યા હતા અને 15 દિવસ પહેલા પિતાનું મૃત્યુ અને આજે ભાઈનું મૃત્યુ થતાં બહેન ઉન્નતિબેન ભટ્ટ નોંધારા બન્યા છે. અકસ્માત કરનાર ડ્રાઇવર ટર્મિનેટ
અકસ્માત સર્જનાર બસના ડ્રાઈવર શિશુપાલસિંહ રાણાને તાત્કાલિક અસરથી ટર્મિનેટ કરવામાં આવેલ છે તેમજ યોગ્ય તપાસ બાદ સિટી બસ ઓપરેશન સાથે સંકળાયેલ વિશ્વમ એજન્સી સામે પણ આકરા પગલાં લેવામાં આવશે. અકસ્માતના CCTV બસચાલક શિશુપાલસિંહ રાણા ગંભીર રીતે ઘાયલ
ઈજાગ્રસ્તો પૈકી બસચાલક શિશુપાલસિંહ રાણા ગંભીર રીતે ઘાયલ હોવાનું સામે આવ્યું છે જેની સારવાર સિવિલ હોસ્પિટલમાં ચાલુ છે. અકસ્માત સર્જાતા રોષે ભરાયેલા લોકોના ટોળાએ સિટીબસ ઉપર પત્થરમારો કરી બસના કાચ ફોડી દીધા હતા અને ટ્રાફિક જામ કરો દીધો હતો જેને વિખેરવા માટે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરી હળવો બળપ્રયોગ કરવામાં આવ્યો હતો. FSL-RTOની મદદથી બસનું મિકેનિકલ પરીક્ષણ
સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં બસચાલક દ્વારા સિગ્નલ ખુલતાની સાથે જ બસને આગળ હંકારી અકસ્માત સર્જી નિર્દોષ લોકોને અડફેટે લેવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ જોઈ શકાય છે. પોલીસ દ્વારા હાલ FSL તેમજ RTOની મદદ લઇ મિકેનિકલ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. સવારના 9.52 વાગ્યે અકસ્માત થયો હતો: ડીસીપી ઝોન 2
રાજકોટ શહેર ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના ઇન્દિરા સર્કલ નજીક સિટીબસના ચાલક દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો. આજે સવારના 9.52 વાગ્યે ઇન્દિરા સર્કલથી યુનિવર્સીટી તરફ જતી સિટીબસના ચાલક દ્વારા ટ્રાફિક સિગ્નલ ખુલતા સમયે અકસ્માત સર્જ્યો હતો અને સાતથી આઠ જેટલા વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માતના પગલે કુલ ચાર લોકોના મોત નિપજ્યા છે જયારે ત્રણથી ચાર લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં બસચાલક પણ ઈજાગ્રસ્ત થતા તેને પણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ડ્રાઇવરનું બ્લડ સેમ્પલ લેવાયું
તેમને વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં પોલીસ દ્વારા FSL તેમજ RTOની હાજરીમાં બસનું મિકેનિકલ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે જેમાં બસની બ્રેક ફેઈલ થઇ હતી કે કેમ તેમજ બસચાલક નશાની હાલતમાં હોવાની લોકોની ફરિયાદ હોવાથી તેના બ્લડ સેમ્પલ મેળવી કાર્યવાહી કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં સીસીટીવી ફૂટેજ જોતા એવું લાગે છે કે ચાલક છે તે બ્રેક લગાવી શક્યો નથી અને અકસ્માત સર્જાયો છે બ્રેક ક્યાં કારણોસર લગાવી નથી શક્યો તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. બ્રેક ફેઈલ થઈ હોવાનું કંડક્ટરે જણાવ્યું છે: પરેશ અઢીયા
સિટી બસ સેવાનો હવાલો સંભાળતા રાજકોટ મહાનગર પાલિકાના અધિકારી પરેશ અઢીયાએ જણાવ્યું હતું કે, રાજકોટનાં ઇન્દિરા સર્કલ પાસે ખરેખર ખૂબ જ દુઃખદ ઘટના બની છે. જેમાં E2-52 નંબરની બસના ડ્રાઇવર શિશુપાલસિંહની બસની સિગ્નલ ખુલતા જ બ્રેક ફેઈલ થઈ હોવાનું કંડક્ટરે જણાવ્યું છે. કંડક્ટરે જણાવ્યું કે, ડ્રાઇવરે ખૂબ ટ્રાય કરવા છતાં બ્રેક નહીં લાગતા ચાર જેટલા વાહનોને અડફેટે લીધા હતા. જેમાં ત્રણ લોકોના મોત થયા છે. જે ખરેખર દુઃખદ બાબત છે. આ મામલે અત્યાર સુધી નહીં લેવાયા હોય તેવા કડક પગલાં લેવામાં આવશે. ડ્રાઇવર દારૂના નશામાં હોવાની કોઈ માહિતી અમને મળી નથી. છતાં આ મામલે પણ તપાસ કરવામાં આવશે અને જે કોઈપણ જવાબદાર હશે તેની સામે કડક પગલાં લેવામાં આવશે. મૃતકોને 15 લાખ અને ઇજાગ્રસ્તોને 2 લાખની સહાય કરાશે: મ્યુનિસિપલ કમિશનર
રાજકોટ મનપા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, મનપા પોતે ફરિયાદી બની સિટી બસ એજન્સી સામે કડક પગલાં લેશે. મૃતકોના પરિવારજનોને સહાય પણ આપવામાં આવશે અને એજન્સીને એક પણ રૂપિયાનું પેમેન્ટ નહીં આપવામાં આવે. જયારે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, મૃતકોને રૂપિયા 15 લાખ અને ઇજાગ્રસ્તોને કુલ રૂપિયા 2 લાખની સહાય કરવામાં આવશે.