સુરતના સારોલી વિસ્તારમાં આવેલા એક ખેતરમાં રહેતી યુવતીએ ઝેરી દવા પી લીધાની જાણ થતા ઘટનાસ્થળે પહોંચેલા પોલીસકર્મી યુવતીને ખભે ઊંચકી પોલીસવાન સુધી અને ત્યારબાદ હોસ્પિટલ પહોંચાડી હતી. ખેતરની જે ઓરડીમાં યુવતીએ ઝેરી દવા પીધી હતી ત્યાં સુધી પોલીસવાન કે એમ્બ્યુલન્સ પહોંચી શકે તેમ ન હોય પોલીસકર્મી યુવતીને ખભે ઊંચકી કાદવભરેલા ખેતરમાં દોડ્યા હતા. હોસ્પિટલ સુધી યુવતી પહોંચે અને બેભાન ન બને તે માટે રસ્તામાં સતત વાતચીત કરાવી રાખી હતી. યુવતીને તાત્કાલીક સારવાર મળી જતા તેનો જીવ બચી ગયો હતો. પોલીસ કોન્સ્ટેબલ અજમલભાઈ વર્દાજીના આ કામગીરીને સુરતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ બિરદાવી છે. ‘સાહેબ, ખેતરમાં એક યુવતીએ દવા પી લીધી છે’
15 એપ્રિલના રોજ સાંજે 5:03 વાગ્યે સુરત પોલીસ કંટ્રોલ રૂમમાંથી એક ઇમરજન્સી મેસેજ મળ્યો કે, સરોલી વિસ્તારમાં આવેલ પુજન પ્લાઝા સામે, વિત્રાગ લોન્સ પાસેના ખેતરમાં એક યુવતીએ ઝેરી દવા પી લીધેલી છે. મેસેજ મળતાની સાથે જ પી.સી.આર. વાન-66ના ઇન્ચાર્જ, અ.હે.કો. અજમલભાઈ વર્દાજી તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા. ઘટનાસ્થળ સુધી વાહન પહોંચી શકે તેમ ન હતું
ઘટના સ્થળ એવું હતું કે, જ્યાં કોઈપણ પ્રકારનું વાહન, પીસીઆર વાન, એમ્બ્યુલન્સ હોંચી શકે તેમ નહોતી. જમીન પર ભારે કાદવ અને કીચડ હતો. છતાં, કોન્સ્ટેબલ અજમલભાઈએ પગપાળા ખેતરમાં ઊતરી તપાસ શરૂ કરી હતી..થોડા જ પળોમાં તેમને એક ઝૂંપડી જેવી જગ્યાએ બેભાન અવસ્થામાં યુવતી મળી આવી. જેને ઝેરી દવા પી ગયેલી હતી અને સમયસર સારવાર નહીં મળે તો તેનું મોત પણ થઈ શકે એમ હતું. કોઈ રાહ ન જોતા, હેડ કોન્સ્ટેબલ અજમલભાઈએ તરત જ મહિલાને પોતાના ખભે ઉંચકીકાદવ અને અવ્યવસ્થિત રસ્તા વચ્ચે ફરી પગપાળા બહાર લાવ્યા. ગેટ બંધ હતો, તો એક નાની દીવાલ પર ચડીને મહિલા સાથે બહાર આવ્યા હતા. એમ્બ્યુલન્સની રાહ જોયા વગર, પીસીઆર વાનમાં જ હોસ્પિટલ તરફ આગળ વધ્યા
ઘટના સ્થળે 108 એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલાં અજમલભાઈએ મહિલાને સીધી પી.સી.આર. વાનમાં બેસાડી શાયોના પ્લાઝા તરફ રવાના થયા હતા. રસ્તામાં એમ્બ્યુલન્સ આવી જતા, તેણીને ત્યાંથી શીફ્ટ કરીને તાત્કાલિક સિમ્મેર હોસ્પિટલ લઈ જવામાં આવી. ઝેરની અસર ન થાય તે માટે રસ્તામાં વાતચીત ચાલુ રાખી
હોસ્પિટલ સુધી પહોંચતા સુધી, હેડ કોન્સ્ટેબલ અજમલભાઈ યુવતી સાથે સતત વાતચીત કરતા રહ્યા, જેથી તેણી બેભાન ન થઈ જાય અને તેનું મોરાલ ડાઉન ન થાય. તેમના માનવતાભર્યા કાર્યથી યુવતીને જીવતી રાખી. પોલીસકર્મીની કામગીરીને ઉચ્ચ અધિકારીઓએ બિરદાવી
પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત, ખાસ પોલીસ કમિશ્નર (સેક્ટર 01), ડી.સી.પી. ઝોન-01 તથા એ.સી.પી. “બી” ડિવિઝન તરફથી હેડ કોન્સ્ટેબલ અજમલભાઈની કામગીરીને વખાણવામાં આવી. ત્યારબાદ, પોલીસ અને “સી ટીમ” દ્વારા યુવતીનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું, જેથી આવો પગલું ફરી ક્યારેય ન ભરે.