કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામમાં ગઈકાલે રાત્રે એક ચકચારી ભરી ઘટના સામે આવી છે. અહીં 60 વર્ષીય ખેડૂત દેવરામ વાલાભાઈ સોનગરાની બોથડ પદાર્થ વડે હત્યા કરવામાં આવી છે. કલ્યાણપુરથી 20 કિલોમીટર દૂર આવેલા ભોપલકા ગામમાં રહેતા દેવરામ સોનગરાની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. તેમની વાડીમાં જીરાનો પાક બળી જવાની ઘટના બની હતી. મૃતક દેવરામભાઈને શંકા હતી કે કોઈ શખ્સે ઝેરી દવા છાંટીને પાક બાળી નાખ્યો છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક PSI યુ.બી. અખેડ અને દ્વારકાના DySP સાગર રાઠોડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કલ્યાણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. હત્યારાઓને પકડવા માટે કલ્યાણપુર પોલીસ ઉપરાંત LCB અને SOGની ટીમ પણ કામે લાગી છે. પોલીસ નજીકના સંબંધીઓની સંડોવણી અંગે પણ તપાસ કરી રહી છે. આ ઘટનાએ નાનકડા ભોપલકા ગામમાં ચકચાર મચાવી છે. PSI ઉષાબેન અખેડ અને તેમની ટીમ વિવિધ દિશાઓમાં તપાસ કરી રહી છે.