back to top
Homeગુજરાતરાજકોટનો હાર્દસમો યાજ્ઞિક રોડ 4 મહિના માટે બંધ:સર્વેશ્વર ચોકમાં વોકળાનાં બોક્સ કલવર્ટનાં...

રાજકોટનો હાર્દસમો યાજ્ઞિક રોડ 4 મહિના માટે બંધ:સર્વેશ્વર ચોકમાં વોકળાનાં બોક્સ કલવર્ટનાં કામને લઈ બંને બાજુ 50-50 મીટર રસ્તો બંધ, વૈકલ્પિક રસ્તાઓ જાહેર

રાજકોટનાં ઇતિહાસમાં સૌપ્રથમવાર શહેરનાં હાર્દસમો યાજ્ઞિક રોડ 4 મહિના માટે બંધ કરવામાં આવ્યો છે. આ રોડ પરના સર્વેશ્વર ચોકમાં દોઢ વર્ષ અગાઉ સર્જાયેલી વોંકળાની દુર્ઘટના બાદ આ ચોકમાં નવા વોંકળાનું કામ ચાલી રહ્યું છે. જેમાં યાજ્ઞિક રોડ નીચેથી વોંકળા કનેકટેડ વિશાળ સ્લેબ કલ્વર્ટ કાઢવા માટે અંતે ગત મોડીરાતથી સર્વેશ્વર ચોકની બંને તરફ 50-50 મીટર રોડ બંધ કરાયો છે. જોકે સર્વેશ્વર ચોકમાં વોકળાનો સ્લેબ તૂટી પડવાની ઘટના બન્યા બાદ છેલ્લા દોઢ વર્ષથી હાલાકી ભોગવતા વેપારીઓ માટે આ નિર્ણય પડ્યા ઉપર પાટા સમાન છે. છતાં લોકહિતમાં આ કામ જરૂરી હોવાથી તેને ઝડપથી પૂર્ણ કરવાની અપીલ વેપારીઓ દ્વારા કરવામાં આવી છે. 46 વર્ષમાં યાજ્ઞિક રોડ ક્યારેય બંધ નથી થયો- વેપારી
સર્વેશ્વર ચોકમાં LGનો શોરૂમ ધરાવતા રાજુભાઇ પટેલે જણાવ્યું હતું કે, અમે 1979થી અહીં છીએ. અને આ શોરૂમ 1982માં શરૂ કર્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધીમાં એટલે કે છેલ્લા 46 વર્ષમાં યાજ્ઞિક રોડ ક્યારેય બંધ થયો નથી. હાલ 4 મહિના માટે યાજ્ઞિક રોડને બંધ કરવામાં આવ્યો છે. જે ખરેખર ખૂબ મોટો સમય છે. આ સમય દરમિયાન ચોમાસુ પણ આવી જશે. તંત્રએ અહીં મોટો ખાડો કર્યો છે. અને પાણીનો નિકાલ થવાના બધા રસ્તા હાલ બંધ છે. ત્યારે જો ચોમાસા પહેલા આ કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો વેપારીઓ, ગ્રાહકો તેમજ યાજ્ઞિક રોડ પરથી પસાર થનારા હજારો વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. ત્યારે આ કામગીરી દિવસ-રાત કામ કરીને ઝડપથી પુરી કરવામાં આવે તેવી મારી અપીલ છે. તંત્ર વહેલી કામગીરી પૂરી કરે તેવી માગ
વધુમાં તેમણે જણાવ્યું કે, છેલ્લા 6 મહિનાથી અમારા શોરૂમ સામે પતરા લાગી ગયા છે. જેને લઈ ગ્રાહકોને અવરજવરમાં ખૂબ મુશ્કેલી પડી રહી છે. હાલ ઉનાળામાં એસી તેમજ ફ્રીઝ સહિતની સિઝન હોય ગ્રાહકોને શોરૂમ પહોંચવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. કામ ચાલુ હોવાને કારણે હાલમાં અહીં પાર્કિંગની પણ કોઈ સુવિધા નથી. જેની સીધી અસર ધંધા ઉપર થઈ છે. અને મારા સહિત આસપાસનાં તમામ વેપારીઓનાં વેપારમાં મોટો ઘટાડો નોંધાયો છે. આસપાસમાં ખાણીપીણીનો વેપાર કરતા અને રોજનું કમાઈને રોજ ખાતા હોય તેવા નાના નાના વેપારીઓની હાલત કફોડી બની ચુકી છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને તંત્ર ઝડપી કામગીરી કરે તેવી અમારી માંગ છે. યાજ્ઞિક રોડનાં સર્વેશ્વર ચોકમાં 1996થી શિવા બેલ્ટ નામની દુકાન ધરાવતા નવીન છાબરીયાએ જણાવ્યું કે, અમારી દુકાન શરૂ થયા બાદ અહીં નાસ્તાવાળા તેમજ નાના-મોટા લારી ગલ્લાવાળા બધાના ધંધા ખૂબ જ સારા ચાલતા હતા. જોકે કોરોના દરમિયાન મુશ્કેલીઓ આવી હતી. અને તેમાંથી બહાર નીકળ્યા બાદ વર્ષ 2023નાં સપ્ટેમ્બરમાં અહીં વોકળાનો સ્લેબ તૂટી પડવાની ઘટના બની હતી. ત્યારથી લઈને આજ સુધી બધા વેપારીઓ પરેશાની ભોગવી રહ્યા છે. લોકોની સુવિધા માટે મનપા તંત્ર દ્વારા વોકળો બનાવવાનો નિર્ણય લીધો છે તે ખૂબ સારી વાત છે. પણ તેના માટે રાજકોટના હૃદય સમાન યાજ્ઞિક રોડ 4-4 મહિના બંધ રાખવો યોગ્ય નથી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષોના ઇતિહાસમાં આ પ્રથમવાર બનશે કે યાજ્ઞિક રોડ બંધ રહેશે. આ રોડ એ આખા રાજકોટનું હૃદય છે. જેને 4 મહિના બંધ રાખવા માટેની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આવનારા બે મહિના બાદ ચોમાસુ બેસવાની ધારણા છે. તેના પહેલા કામ પૂરું નહીં થાય તો પાણી રોકાશે અને દુકાનો તેમજ શોરૂમમાં પાણી ભરાય તેવી શક્યતા રહેશે. આ સિવાય પાણીનો ભરાવો થવાને કારણે રોગચાળો પણ વકરે તેવી પૂરતી શક્યતા છે. જો 4 મહિના રોડ બંધ રહેશે તો તેને કારણે અહીં નાના-મોટા 400-500 વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. ત્યારે આ કામગીરી બને તેટલી ઝડપથી પુરી કરવામાં આવે તે જરૂરી છે. ત્રણ મહિનામાં કામગીરી પૂર્ણ થાય તેવું આયોજન છે- સિટી ઈજનેર
રાજકોટ મહાપાલિકાનાં સિટી ઈજનેર અતુલ રાવલે જણાવ્યું હતું કે, બેરીકેટ મારવાના બાકી કામ ઉપરાંત ગઈકાલે રેલીના કારણે આ રોડ પર ઘણા વાહન ડાયવર્ટ કરવા પડે તેમ હોવાથી રોડ બંધ કરવાનું બે દિવસ મોકુફ રખાયું હતું. જોકે ગતરાતથી યાજ્ઞિક રોડનો ભાગ બંધ કરવામાં આવ્યો છે. આ કામ ખુબ મોટુ છે અને પોલીસે તો 4 મહિના માટે રોડ બંધ રાખવા જાહેરનામુ બહાર પાડયું છે. પરંતુ મનપા ત્રણ મહિનામાં એટલે કે વરસાદ શરૂ થાય તે પહેલા આ કામ પુરૂ કરવા માંગે છે. કારણ કે વરસાદમાં આમ પણ કામ બંધ રહે તેવી શક્યતા છે. આ સ્થળે સ્લેબ કલ્વર્ટ પાથર્યા બાદ ત્યાં ડામર રોડ કરવો પડશે. આથી જરૂર પડે તો આ કામ દિવસ-રાત ચાલુ રાખવાની તંત્રની તૈયારી છે. સર્વેશ્વર ચોક વોકળા દુર્ઘટના બાદ તંત્ર દ્વારા પાણીનો પ્રવાહ પ્રવાહ પૂર્વવત કરવા માટે વોકળા પર નવો સ્લેબ તૈયાર કરવાનું કામ ચાલુ છે. યાજ્ઞિક રોડ નીચેથી પસાર થતાં વોકળાની જગ્યાએ નવો સ્લેબ કલ્વર્ટ બનાવવા માટે ગતરાતથી સર્વેશ્વર ચોક પાસેનો રોડ 4 માસ માટે બંધ કરાયો છે. વોર્ડ નં.7માં આવેલા સર્વેશ્વર ચોકથી ડો.યાજ્ઞિક રોડને જોડતો હયાત વોકળો ડાયવર્ઝન કરી નવો વોંકળો બનાવવાનું કામ સર્વેશ્વર ચોકમાં પૂર્ણતાની નજીક છે. જેનાં અંતિમ તકબક્કામાં હવે નાગરિક બેંક પાસે ડો.યાજ્ઞિક રોડ પરનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ કામ માટે પોલીસ કમિશ્નર દ્વારા અગાઉ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. પોલીસ કમિશ્નરનાં જાહેરનામાં મુજબ વૈકલ્પિક રસ્તાઓ
યાજ્ઞિક રોડ પર સરદારનગર મેઇનરોડથી ન્યુ જાગનાથ શેરી નં.-20 સુધીનો રોડ ઉપર વાહનોની અવરજવર 4 માસ સુધી બંધ કરવાની જરૂરીયાત હોય જેથી સદરહું વાહનોની ડો.યાજ્ઞિક રોડ પર માલવીયા ચોકથી રેસકોર્સ તરફ અવરજવર માટે નીચે મુજબના વૈકલ્પિક રસ્તાનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. (1) સર્વેશ્વર ચોક ખાતે આવેલ બંને સાઇડના રસ્તા પર 50-50 મીટર રોડ બંધ રહેશે. એના સિવાય યાજ્ઞિક રોડ ઉપર વાહનોની અવર-જવર ચાલુ રહેશે. (2) સર્વેશ્વર ચોક આસપાસની દુકાન-ઓફીસ વગેરેનાં પાર્કીંગની અલાદી વ્યવસ્થા કરવામાં આવી છે. વ્યપારી તેમજ ગ્રાહકોની અવરજવર માટે રસ્તો ચાલુ રહેશે. અને ત્યા ગાડીઓ પાકીંગ કરી શકાશે. (3) રેસકોર્ષથી માલવીયા ચોક તરફ આવતા મોટર વ્હીકલ જેવા કે, એસ.ટી. બસ તથા પ્રાઇવેટ લકઝરી તથા લાઇટ મોટર વ્હીકલ જેવા કે, કાર એમ્બ્યુલન્સ વિગેરે વાહનોની અવરજવર બહુમાળી ભવનથી જિલ્લા બેન્ક ભવન ચોક, ત્યાંથી જ્યુબેલી ગાર્ડન ચોક થઇને જવાહર રોડ પરથી ત્રિકોણબાગ સર્કલ અને ત્યાંથી જ માલવીયા ચોક જઇ શકાશે. (4) રેસકોર્ષથી માલવીયા ચોક તરફ આવતા ટુ-વ્હીલર્સ તથા થ્રી વ્હીલરની અવરજવર જિલ્લા પંચાયત ચોકથી ફુલછાબ ચોક થઇ મોટી ટાકી ચોક લીંમડા ચોકથી પસાર થઇને ડો. રાજેન્દ્રપ્રસાદ રોડ (શાસ્ત્રી મેદાન અને રાજકુમાર કોલેજ વચ્ચેનો રસ્તો) પરથી પસાર થઇને માલવીયા ચોક તરફ જઇ શકાશે. (5) યાજ્ઞિક રોડથી રેસકોર્સ તરફ આવતા બધા પ્રકારના વાહનોની અવરજવર ડો.દસ્તૂર માર્ગ પરથી એસ્ટ્રોન ચોક થઇને મહિલા કોલેજ ચોક તરફથી કિસાનપરા ચોક થઇને જિલ્લા પંચાયત ચોક તરફ જઇ શકાશે. (નોંધ ડો. દસ્તુર માર્ગ હાલ વનવે હોય ઉપરોકત વિષયમાં દર્શાવેલ કામપુર્ણ થાય ત્યા સુધી ટુ-વે કરવામાં આવે છે.) (6) યાજ્ઞિક રોડથી રેસકોર્સ તરફ આવતા બધા પ્રકારના વાહનોની અવરજવર શ્રી રામકૃષ્ણ આશ્રમથી ડો.યાજ્ઞિક રોડ ઉપર હાઇસ્ટ્રીટ બિઝનેસથી ડાબી તરફ શ્રી સ્વામી વિવેકાનંદ માર્ગ ઉપર રામકૃષ્ણનગર શેરી નં-10 પરથી પસાર થઇ વિરાણી હાઇસ્કુલ પાસેથી જમણી તરફનાં ટાગોર રોડ ઉપર થઈને એસ્ટ્રોનચોક-મહિલા કોલેજ- કિસાનપરા ચોકથી જિલ્લા પંચાયત ચોક સુધી જઈ શકાશે. ઉલ્લેખનીય છે કે, ગત સપ્ટેમ્બર 2023માં સર્વેશ્વર ચોક ખાતે ગણપતિ મહોત્સવ દરમિયાન અચાનક વોકળાનો સ્લેબ તૂટી પડતા ત્યાં ઉભેલા અનેક લોકો નીચે ખબકયા હતા. અને આ દુર્ઘટનામાં એક મહિલાએ જીવ ગુમાવ્યો હતો. ત્યારબાદ સર્વેશ્વર ચોકનાં શિવમ કોમ્પ્લેક્સને સીલ કરવામાં આવતા વેપારીઓએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. લાંબા સમય બાદ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આવતા ફરી શિવમ કોમ્પ્લેક્સ ખુલ્લું મુકવામાં આવતા માંડ વેપારીઓએ રાહત અનુભવી હતી. જોકે ત્યારબાદ અહીં બોક્સ કલવર્ટથી નવો વોકળો બનાવવાનો નિર્ણય થતા છેલ્લા 6 મહિના કરતા વધુ સમયથી પતરા નાખી કામ કરવામાં આવી રહ્યું છે. જેને લઈને વેપારીઓ ફરી હાલાકી ભોગવવા મજબુર બન્યા હતા. એવામાં હવે તો રાજકોટનાં હૃદય સમાન યાજ્ઞિક રોડનો મધ્યભાગ બંધ કરવામાં આવતા ગ્રાહકો આવવાની શક્યતામાં ઘટાડો થયો છે. જેને લઈને આ કામગીરી 4 મહિનાને બદલે શક્ય તેટલી વધુ ઝડપથી કરવામાં આવે તેવી માંગ આ વિસ્તારના વેપારીઓ કરી રહ્યા છે. ત્યારે તંત્ર આ કામ કેટલી ગંભીરતા અને ઝડપથી પૂર્ણ કરે છે તે આવનારો સમય જ બતાવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments