“નલ સે જલ સાથે જળ એ જીવન છે” તેવી મોટી મોટી વાતો કરનારા ભાજપા શાસકો વડોદરામાં પાણીની સમસ્યા હલ કરવામાં ધરાર નિષ્ફળ ગયા છે. તેમાંય વોર્ડ નંબર 3માં આવતા જલારામ નગરને સ્થાનિક મહિલા કાઉન્સિલરે દત્તક લીધું છે. છતાં આ કાઉન્સિલર દ્વારા પાણીનો પ્રશ્ન હલ કરવામાં ન આવતા આજે નગરની મહિલાઓએ માટલા ફોડી વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાથે તંત્રને જગાડવા થાળીઓ વગાડી હતી. સ્થાનિક લોકોએ ચિમકી આપતા જણાવ્યું હતું કે, આગામી 12 કલાકમાં પાણીનો પ્રશ્ન હલ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જલારામ નગરમા છેલ્લા કેટલાક દિવસથી અને તેમાંય છેલ્લા ત્રણ દિવસથી પાણી ન મળતાં આજે મહિલાઓ અને પુરુષોએ સામાજિક કાર્યકર કમલેશ પરમારની આગેવાનીમાં જલારામ નગરમા માટલા ફોડી વિરોધ પ્રદર્શન કર્યું હતું. અને થાળીઓ વગાડી નિદ્રાધીન તંત્રને જગાડવા માટે પ્રયાસ કર્યો હતો. તે સાથે સ્થાનિક લોકોએ પાલિકા વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. સામાજીક કાર્યકર કમલેશ પરમારે જણાવ્યું હતું કે, જલારામ નગર વિસ્તારમાં દરેક ઉનાળાની ઋતુમાં પીવાના પાણીની સમસ્યા સર્જાય છે. અવારનવાર લેખિતમાં અને મૌખિકમાં રજૂઆત કરવા છતાં આંખ આડા કાન કરવામાં આવે છે. હાલમાં સતત ત્રણ દિવસથી પીવાનું પાણી મળી રહ્યું નથી. લોકો પરેશાન થઇ ગયા છે. પરંતુ, તંત્ર દ્વારા કોઇ ઉકેલ લાવવામાં આવતો નથી. તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સ્થાનિક કોર્પોરેટર રૂપલ મહેતા દ્વારા આ વિસ્તારને દતક લીધો છે. પરંતુ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને અધિકારીઓ દ્વારા નવીન પાણીની નળીકા નાખવામાં આવતી નથી અને કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. પાલિકા અમારા વિસ્તાર સહિત શહેરમાં પાણીની સમસ્યા દૂર કરવામાં ધરાર નિષ્ફળ ગયું છે. હાલમાં મોટી મોટી બિલ્ડીંગનોમાં પાણીની નવીન લાઈનો આપવાનાં કારણે પીવાના પાણીની સમસ્યા સર્જાય છે. તેવો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. સામાજીક કાર્યકરે વધુમાં જણાવ્યું હતું કે, આગામી 12 કલાકમાં પીવાના પાણીની સમસ્યાનો અંત નહીં આવે તો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. તેની સંપૂર્ણ જવાબદારી જે તે જવાબદાર સત્તાવાળાઓની રહેશે.