છોટા ઉદેપુર જિલ્લાના બોડેલીમાં આજે મુસ્લિમ સમાજે વકફ એક્ટ 2025 અને યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ના વિરોધમાં મૌન રેલીનું આયોજન કર્યું હતું. મુસ્લિમ સમાજના પુરુષો અને મહિલાઓએ મોટી સંખ્યામાં આ રેલીમાં ભાગ લીધો હતો. તેમણે કાળા કપડાં પહેર્યા હતા અને બેનર-પોસ્ટર સાથે કાળી પટ્ટી ધારણ કરી હતી. રેલી અલીપુરા ચાર રસ્તાથી શરૂ થઈને સેવા સદન સુધી પહોંચી હતી. ત્યાં મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓએ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત વકફ એક્ટ 2025 અને ગુજરાત સરકાર દ્વારા લાગુ કરવામાં આવનાર યુનિફોર્મ સિવિલ કોડ (UCC)નો મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ કાયદાઓની વિરુદ્ધમાં મુસ્લિમ સમાજે શાંતિપૂર્ણ રીતે પોતાનો અવાજ ઉઠાવ્યો હતો.