back to top
HomeદુનિયાEditor's View: સોનું, ક્રિપ્ટો અને રૂપિયાનો ખેલ:સોનું સવા લાખ થશે? જગત જમાદાર...

Editor’s View: સોનું, ક્રિપ્ટો અને રૂપિયાનો ખેલ:સોનું સવા લાખ થશે? જગત જમાદાર ટ્રમ્પની મેલી મુરાદ, ભારતે પાણી પહેલાં પાળ બાંધી, ચીનની ચાલ પર દુનિયાની નજર

અત્યારે સમય એવો છે કે, દુનિયાની આર્થિક ધરી બદલાઈ રહી છે. અમેરિકાએ ટેરિફ વોર શરૂ કરી પણ બધા દેશો અત્યારે પાણી પહેલાં પાળ બાંધી રહ્યા છે. ભારત, ચીન અને બીજા દેશો સોનું ભેગું કરવા માંડ્યા છે. અમેરિકાનું નક્કી નહીં, ગમે ત્યારે ગમે તે નિર્ણય લઈ લે. આ બધાના કારણે હવે બધા દેશો ડોલર પરની નિર્ભરતા ઘટાડવા માગે છે. ટૂંકમાં, ડી-ડોલરાઈઝેશનની શરૂઆત થઈ ચૂકી છે. નમસ્કાર, સોનાના ભાવ રોકેટગતિએ વધ્યા છે, વધી રહ્યા છે. અમેરિકા એવા પ્રયાસમાં છે કે આવનારા સમયમાં બિટકોઈન સોનાનું સ્થાન લઈ લે. આ બધા વચ્ચે જાપાન પણ ‘કેરી ટ્રેડ’થી અમેરિકાને તમાચો મારવા તૈયાર છે. નવી આર્થિક દુનિયા રચાઈ રહી છે તેનું ગણિત એક પછી એક મુદ્દામાં સમજીએ… શું સોનાનું સ્થાન ક્રિપ્ટો લઈ શકશે?
સોનું વર્ષોથી સેફ રોકાણ રહ્યું છે પણ ક્રિપ્ટો કરન્સીએ ગેમ બદલી નાખી છે. 2025ની વાત કરીએ તો બિટકોઈન 1 લાખ ડોલરને ટચ કરી ગયો હતો. 84, 85 હજાર આસપાસ તેનો ભાવ રહ્યો છે. છેલ્લા દસ વર્ષમાં બિટકોઈને રિટર્ન આપ્યું છે તે 1 હજાર ટકાનું છે. તેની સામે સોનાનું રિટર્ન 150 ટકાનું છે. ઘણા એવું માને છે કે ક્રિપ્ટો ડિજિટલ ગોલ્ડ છે. પણ એવું નથી. કોવિડ સમયે 2021માં સોનું 56 હજાર રૂપિયા આસપાસ હતું. તેની સામે બિટકોઈન 10 હજાર ડોલર હતો. આજે સોનું 93થી 95 હજાર આસપાસ છે અને બિટકોઈન 1 લાખ ડોલરે પહોંચી ગયો હતો. એક વાત સમજવી પડશે કે ક્રિપ્ટો એ અસ્થિર છે. 2022માં 70 ટકા ક્રેશ થયો. સોનું ત્યારે પણ સ્થિર હતું. સોનામાં રોકાણ ત્યારેય સેફ હતું, આજે ય સેફ છે અને આવતીકાલે પણ સેફ રહેશે. ક્રિપ્ટો ક્યારેય સોનાનું સ્થાન નહીં લઈ શકે. સોનાના ભાવમાં થતો વધારો આ રીતે સમજો… દુનિયામાં ખાણમાંથી કેટલું સોનું કાઢવામાં આવ્યું છે?
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલ અનુસાર અત્યાર સુધીમાં માત્ર 2 લાખ 12 હજાર 582 ટન સોનું કાઢવામાં આવ્યું છે. દુનિયા પાસે 2 લાખ ટન સોનું રિઝર્વ છે. માઈનિંગ કંપનીઓ પાસે છે તે મોટો જથ્થો અલગ છે. કરન્ટ ગ્લોબલ લેવલ પર ગોલ્ડની માર્કેટ વેલ્યુ 18 ટ્રિલિયન ડોલર છે. નેશનલ ગોલ્ડ કાઉન્સીલની માહિતી મુજબ, 7 ટકા સોનું ઈલેક્ટ્રોનિકમાં વપરાય છે. નાસાની સેટેલાઈટમાં સોનાનું લેટર સૂરજની ગરમીથી બચાવે છે. અમેરિકા અને યુરોપે છેલ્લા 50 વર્ષમાં બહુ મોટું બ્લન્ડર કર્યું છે. તેણે પોતાની બધી ઈન્સ્ટીટ્યુશનને ગોલ્ડમાંથી વિડ્રો કરી લીધી છે. આ ભૂલને રાતોરાત સુધારી ન શકાય. કેનેડા પાસે તો ઝીરો ગોલ્ડ રિઝર્વ છે. સોનાનો ભાવ હજી વધશે?
અત્યારે અમેરિકી ડોલરમાં સોનાનો ભાવ 3300 ડોલર છે. ત્યાં 3300 ડોલર છે એટલે આપણે ત્યાં 90 હજારથી વધારે ભાવ થયો. હવે કોમોડિટી એક્સપર્ટ સુનિલ અગ્રવાલ ત્યાં સુધી કહે છે કે, જેમણે ગોલ્ડના ભાવ વધવાની ભવિષ્યવાણી કરી હતી તે અમેરિકી ટ્રેડ એક્સપર્ટ્સ એવું કહે છે કે, 2026ના અંતમાં અમેરિકામાં સોનું 8 હજાર ડોલરે પહોંચી જશે. હવે વિચારો ભારતમાં 10 ગ્રામનો ભાવ ક્યાં પહોંચશે? સોનામાં તેજીના 3 કારણો:
ચીન પાસે 10 હજાર ટન સોનું
અત્યાર સુધી ડી-ડોલરાઈઝેશન માત્ર વાતો થઈ રહી હતી. 2025થી આની શરૂઆત થઈ ચૂકી છે. ડોલર પર તરાપ મારવાનું કામ ભારત અને ચીને એકસાથે કર્યું છે.
અમેરિકાએ ટેરિફની જાળ બિછાવી ત્યારે એને એમ હતું કે આ જાળમાં ભારત અને ચીન જેવા દેશ ફસાઈ જશે. હવે અમેરિકા સાથે માત્ર ટેરિફની લડાઈ નથી રહી. તે હવે ડોલર સામે ગોલ્ડ અને બિટકોઈનની લડાઈ બની ગઈ છે. ચીન છેલ્લા 16 મહિનાથી સતત સોનું ખરીદી રહ્યું છે. ફેબ્રુઆરી -2025ના એક જ મહિનામાં ચીને 22.7 બિલિયન ડોલરના અમેરિકી ટ્રેઝરી બોન્ડ વેચી નાખ્યા. ચીન નથી ઈચ્છતું કે તેના માથે હવે અમેરિકાનો હાથ રહે. ચીન સમજી ગયું છે કે, અમેરિકા કાલે વિફરી ઉઠે તો ડોલર સિસ્ટમ મારફત બ્લોક કરી શકે છે. એટલે ચીન ગોલ્ડમાં ઈન્વેસ્ટ કરી રહ્યું છે. એક રિપોર્ટ મુજબ ચીન પાસે 10 હજાર ટન સોનું છે. અમેરિકી એક્સપર્ટ માનવા લાગ્યા છે કે, ગોલ્ડનો મુકાબલો ગોલ્ડથી નહીં પણ બિટકોઈનથી કરવામાં આવે. અમેરિકા પાસે અત્યારે 23 હજારથી વધારે બિટકોઈન છે. જે તેમણે ગેરકાયદે પ્રવૃતિમાંથી પકડી પાડ્યા હતા. અમેરિકી એક્સપર્ટ ટ્રમ્પને સલાહ આપે છે કે, આ બિટકોઈનને વેચવાને બદલે હોલ્ડ કરીને ચીનના ગોલ્ડનો જવાબ આપવામાં આવે. આવનારા સમયમાં ગોલ્ડ વર્સેસ બિટકોઈનની સ્પર્ધા જોવા મળશે. ડી-ડોલરાઈઝેશન એક શબ્દ નથી પણ મોટા આર્થિક પરિવર્તનની શરૂઆત છે. હવે કોઈ દેશ ડોલર પર નિર્ભર રહેવા માગતો નથી. મંદી પહેલાં પાળ, ભારત સોનું ભેગું કરી રહ્યો છે
ચીન તો સોનું ભેગું કરે જ છે. ભારતે પણ ઝડપથી સોનું રિઝર્વમાં રાખવાનું શરૂ કર્યું છે. 2024માં ભારતે 72 ટન ગોલ્ડ ખરીદ્યું. એ જ વર્ષમાં ચીને 54 ટન સોનું ખરીદ્યું હતું. એટલે સોનું ખરીદવામાં ભારત, ચીન કરતાં આગળ છે. એટલું જ નહીં, ભારતે હવે બહારની બેન્કોમાં રાખેલું પોતાનું સોનું દેશમાં લાવવાનું શરૂ કરી દીધું છે. એ એટલા માટે કે કાલે ઉઠીને કોઈ વૈશ્વિક સંકટ આવે કે અમેરિકા પણ આડું ફાટે તો ભારત એકદમ સજ્જ છે. આ ભારતનું ડી-ડોલરાઈઝેશન તરફનું ધીમું પણ મક્કમ ડગલું છે. ગાંધીનગરના IIBX પાછળની સ્ટ્રેટેજી શું છે?
ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ભારત સરકારે ગોલ્ડ એક્સચેન્જ ખોલ્યું છે. તેનું નામ છે ઈન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX). ભારત ગોલ્ડ માર્કેટમાં પ્લેયર બનવા માગે છે. ઈન્ટરનેશનલ ગોલ્ડ માર્કેટમાં જુઓ તો લંડનની બુલિયન માર્કેટ, ન્યૂયોર્કની કોમેક્સ, શાંઘાઈ ગોલ્ડ એક્સચેન્જ, દુબઈ ગોલ્ડ એન્ડ કોમોડિટીસ એક્સચેન્જમાં પણ સોનાના સોદા થાય છે. ભારત વિશ્વનો બીજા નંબરનો ગોલ્ડ બાયર દેશ છે તો આપણે બીજા દેશો પાસેથી શા માટે ગોલ્ડ ખરીદવું? આપણું પોતાનું જ ગોલ્ડ એક્સચેન્જ હોય તો સારું રહે. અત્યારે ગાંધીનગરનું IIBX કામ તો કરે છે પણ તે સ્વિત્ઝર્લેન્ડ અને દુબઈ પાસેથી ગોલ્ડ ખરીદે છે. ડાયરેક્ટલી માઈનર્સ (ખાણ માલિકો) પાસેથી નથી ખરીદતું. પણ હવે ભારત ઈચ્છે છે કે, તે ડાયરેક્ટ ગોલ્ડ માઈનર્સ સાથે જ વ્યવહાર કરે. એટલે ભારતે IIBXમાં ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાને જોડ્યું છે. કારણ કે અહીંની ખાણમાંથી સોનું નીકળે છે. માઈનર્સ ડાયરેક્ટ ભારત સાથે સોદો કરશે તો ગ્લોબલી ભારતનું ગોલ્ડ એક્સચેન્જ વિશ્વના બીજા ગોલ્ડ એક્સચેન્જની હરોળમાં આવી જશે. પછી તો ભારતની RBI પણ IIBX પાસેથી સોનું ખરીદશે. આમાં BTA (બાયલેટેરલ ટ્રેડ એગ્રીમેન્ટ) હેઠળ ભારતને ફાયદો થશે. કેવી રીતે? અત્યારે અમેરિકાથી ભારતમાં સોનું આવે છે તે ડ્યુટીના કારણે મોંઘું પડે છે પણ આ ડ્યુટીમાં કન્સેશન મળી જાય તો સારું પડે. આ કન્સેશન BTA કરાર થાય તો જ સંભવ છે. એ ન ભુલવું જોઈએ કે રશિયા દુનિયાનું બીજું સૌથી મોટું સોનાનો ઉત્પાદક દેશ છે. રશિયામાં સોનાની ખાણો મોટાપાયે છે. આવનારા દિવસોમાં IIBXને રશિયા ડાયરેક્ટ માઈનર્સનું એક્સેસ આપશે તો ફાયદો થશે. ત્યારે રિયલ પોટેન્શિયલ થશે. ચીનની ચાલ પર અમેરિકાની નજર
જેમ અમેરિકાએ પોતાની ડિજિટલ કરંસી બનાવી છે તેમ ચીને પણ પોતાની ડિજિટલ કરંસી બનાવી છે. ફક્ત લોન્ચ નથી કરી. ચીનની કરંસીનું નામ છે બ્રિક્સ પ્લસ. આ પણ ગોલ્ડ કોઈન છે. બિટકોઈનની જેમ. જો ચીન પોતાની કરંસી લોન્ચ કરશે તો પોતાની મૂળ કરંસીની ડિવેલ્યૂ થશે તો સોનાની સામે ડોલર પણ ડીવેલ્યુ થશે. આવું થશે તો સોનાનો ભાવ રોકેટ ગતિએ વધશે અને ક્રિપ્ટોનો ભાવ સોનાથી પણ આગળ નીકળી જશે. આપણે એક એવા ફાયનાન્સિયલ યુગમાં પ્રવેશ કરી રહ્યા છીએ જ્યાં ક્રિપ્ટોનું વજન વધશે. ક્રિપ્ટોનું પોટેન્શિયલ એકદમ તેજીથી વધશે. હવે રોકાણકારો માટે જાણે બધા દરવાજા ખુલશે. કોઈ બિટકોઈનમાં રોકાણ કરશે, કોઈ સોનામાં રોકાણ કરશે, કોઈ શેરમાં રોકાણ કરશે. ચીનની જેમ જાપાન પણ અમેરિકાને હેરાન કરી નાખશે
અમેરિકાને ચીન તો ઝટકા આપે જ છે પણ જાપાન સૌથી મોટો ઝટકો આપી શકે છે. એનું કારણ છે કેરી ટ્રેડ. આ કેરી ટ્રેડ શું છે? માનો કે તમે જાપાન પાસેથી ઝીરો ટકા વ્યાજે ડોલરમાં લોન લીધી અથવા તો 0.25 ટકાએ લોન લીધી. આ લોનના રૂપિયાથી તમે અમેરિકામાં એપલના શેર લીધા કે માઈક્રોસોફ્ટના શેર ખરીદી લીધા… આને કેરી ટ્રેડ કહે છે. આ કેરી ટ્રેડની સાઈઝ 20 ટ્રિલિયન ડોલરની છે. હવે આ કેરી ટ્રેડ રિવર્સ થઈ રહ્યું છે. કારણ કે જાપાનમાં વ્યાજના દર વધી ગયા છે. તેનું સ્ટોક માર્કેટ ડાઉન જઈ રહ્યું છે. એટલે હવે યુએસમાંથી ફંડ વિડ્રોલ થઈ રહ્યું છે. આખરે છે તો આ બોન્ડ જ. જો વધારે વોલેટાલિટી થશે તો અમેરિકાનું જ અર્થતંત્ર ડામાડોળ થઈ જશે. ચીનની જેમ જાપાન પાસે પણ અમેરિકાની દુ:ખતી નસ છે. એટલે આ બંને દેશ ભેગા મળીને અમેરિકાને હેરાન કરી નાખવાના છે. ભારત- અમેરિકા વચ્ચે BTA કરાર થશે, તે શું છે?
અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઈડેન હતા ત્યારે જ વેપાર ખાધ (ટ્રેડ ડેફિસીટ) હતી. 2024માં અમેરિકા અને ભારત વચ્ચેના વ્યવહારમાં 46 બિલિયન ડોલરની ખાધ હતી. આ ખાધ સરભર કરવા ભારત અને અમેરિકા વચ્ચે બાયલેટેરલ ટ્રેડ એગ્રીમેન્ટ (BTA) થવા જઈ રહ્યું છે. 26 મે, 2025 આસપાસ મોદી અને ટ્રમ્પ મળવાના છે ત્યારે આ કરાર થાય તેવી સંભાવના છે. આ કરારમાં ભારત અમેરિકામાંથી સોનું, ચાંદી અને પ્લેટીનમ ઈમ્પોર્ટ કરશે. કારણ કે યુએસ આ મેટલ્સનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. ભારતને આની જરૂર પણ છે. ભારતના મોટા સેક્ટરોમાંનું એક છે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર. બીજી રીતે જોઈએ તો આપણી RBIને પણ સોનાની જરૂરિયાત છે. BTA હેઠળ બંને દેશ ડ્યુટીમાં રાહત આપશે. આપણે ધાતુ આયાત કરીશું ત્યારે આપણે ઓછી ડ્યુટી લગાવીશું અને ભારત જ્યારે જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ કરશે તો અમેરિકા પણ ઓછી ડ્યુટી લગાવશે. ભારતની કુલ GDPમાં 7 ટકા કોન્ટ્રીબ્ટુશન જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરનું છે. ટોટલ એક્સપોર્ટમાં જુઓ તો 9થી 15 ટકા થાય છે.
અત્યારે અમેરિકા જેમ્સ એન્ડ જ્વેલરી પર વધારે ડ્યુટી લગાવે છે એટલે આપણી પ્રોડક્ટ અમેરિકામાં મોંઘી થઈ જાય છે. તેની સામે વિયેતનામ અને થાઈલેન્ડ પણ જેમ્સ એન્ડ જ્વેલરી અમેરિકા મોકલે છે પણ ત્યાં તેના પર ડ્યુટી ઓછી છે. અમેરિકામાં જેમ્સ એન્ડ જ્વેલરી માર્કેટ બહુ મોટું છે. દુનિયાની 13 ટકા જેમ્સ એન્ડ જ્વેલરી અમેરિકા ઈમ્પોર્ટ કરે છે. છેલ્લે,
બિલ ગેટ્સનું કહેવું છે કે, ભવિષ્યના પૈસા ડિજિટલ કરંસી જ છે. પણ અમેરિકન અર્થશાસ્ત્રી માર્ક સ્કોઉસેનનું કહેવું છે કે, સોના-ચાંદીની જગ્યા ડિજિટલ કરંસી નહીં શકે. કારણ કે ડિજિટલ કરંસી કોમ્પ્યુટર આધારિત છે. કોમ્પ્યુટર શટડાઉન કરો એટલે વાત પૂરી. સોમવારથી શુક્રવાર તમે રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ…આવતીકાલે ફરી મળીએ… નમસ્કાર (રિસર્ચ – યશપાલ બક્ષી)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments