back to top
Homeગુજરાતરાજકોટ બસમાં અકસ્માતમાં કોઈ ખામી ન હોવાનો FSLમાં ખુલાસો:ડ્રાઈવરનું લાયસન્સ ફેબ્રુઆરીમાં જ...

રાજકોટ બસમાં અકસ્માતમાં કોઈ ખામી ન હોવાનો FSLમાં ખુલાસો:ડ્રાઈવરનું લાયસન્સ ફેબ્રુઆરીમાં જ એક્પાયર થયું હતું, મૃતક કિરણબેનની આંખો અન્યના જીવનમાં ઉજાસ પાથરશે

રાજકોટ શહેરમાં બેફામ દોડતી સિટીબસના ચાલકે બુધવારે સવારે અકસ્માત સર્જ્યો હતો. રાજકોટના ઇન્દિરા સર્કલ નજીક ટ્રાફિક સિગ્નલ ખુલતાની સાથે જ પાછળથી માતેલા સાંઢ માફક આવતી સિટીબસના ચાલકે એક સાથે સાતથી આઠ વાહનોને હડફેટે લીધા હતા અને નિર્દોષ લોકોના શરીર પર બસના ટાયર ફરી વળતા કુલ 4 લોકોના મોત નિપજ્યા હતા જયારે બસચાલક સહીત કુલ ચાર લોકો ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ પોલીસે તપાસ કરતા બસ ચાલકનું ડ્રાઈવીંગ લાયસન્સ એક્સપાયર થઈ ગયું હોવાનું સામે આવ્યું છે. જયારે RTO તપાસમાં બસમાં કોઈ મિકેનિકલ ખામી ન હોવાનું સામે આવતા ગાંધીગ્રામ પોલીસે સાપરાધ મનુષ્યવધ અને મોટર વ્હિકલ એક્ટની અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હાલ બસચાલક ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ હોવાથી પોલીસ જાપ્તામાં રાખવામાં આવેલ છે જેને ડિસ્ચાર્જ આપ્યા બાદ તેની અટકાયત કરી આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બસના ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો
રાજકોટ શહેર ડીસીપી ઝોન- 2 જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, બુધવારે તારીખ 16.04.2025ના રોજ રાજકોટ શહેરના ઇન્દિરા સર્કલ નજીક સિટીબસના ચાલક દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો. સવારના 9.52 વાગ્યે ઇન્દિરા સર્કલથી સૌરાષ્ટ્ર યુનિવર્સીટી તરફ જતી સિટીબસના ચાલક દ્વારા ટ્રાફિક સિગ્નલ ખુલતા સમયે અકસ્માત સર્જ્યો હતો અને સાતથી આઠ જેટલા વાહનોને હડફેટે લીધા હતા. અકસ્માતના પગલે કુલ ચાર લોકોના મોત નિપજ્યા છે. જયારે ચાર લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બસચાલક શિશુપાલસિંહ રાણા પણ પણ ઈજાગ્રસ્ત થતા તેને પણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે BNSની કલમ 105 એટલે કે સાપરાધ મનુષ્યવધ તેમજ 125(એ), 125(બી), 281, 324(4) તેમજ મોટર વેહિકલ એક્ટની કલમ 5, 177, 181, અને 184 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. બસમાં કોઈ ખામી ન હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું
ડીસીપીએ વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા FSL તેમજ RTOની હાજરીમાં બસનું મિકેનિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં બસની બ્રેક ફેઈલ થઇ હતી કે કેમ તે અંગે તપાસ કરતા બસનું મિકેનિકલ સંપૂર્ણ ફિટ હોવાનું એટલે કે કોઈ ખામી ન હોવાનું સામે આવ્યું હતું જ્યારે કે બસ ચાલકનું ટ્રાન્સપોર્ટ લાયસન્સ ફેબ્રુઆરી 2025માં એક્સપાયર થઇ ગયું હોવાનું સામે આવ્યું છે. બસચાલક નશાની હાલતમાં હોવાની લોકોની ફરિયાદ હોવાથી તેમના બ્લડ સેમ્પલ મેળવી કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ નશાની હાલતમાં ન હોવાનું સામે આવ્યું છે. બ્રેથ એનલાઇઝરથી પણ તપાસ કરવામાં આવતા નશાની હાલતમાં ન હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં સીસીટીવી ફૂટેજ જોતા એવું લાગે છે કે ચાલક છે તે બ્રેક લગાવી શક્યો નથી અને અકસ્માત સર્જાયો છે બ્રેક ક્યાં કારણો સર લગાવી નથી શક્યો તે અંગે તપાસ કરવામાં આવશે. વીડિયો ફૂટેજના આધારે 3 લોકોની અટકાયત
રાજકોટ ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં અકસ્માત સમયે કેટલાક લોકો દ્વારા સિટીબસમાં તોડફોડ કરવામાં આવી છે તો કેટલાક લોકો દ્વારા બસચાલકને માર મારવામાં આવ્યો છે તેમજ પોલીસ કાર્યવાહીમાં અડચણરૂપ બની અને પોલીસને ફરજમાં પણ રુકાવટ કરવામાં આવી હોવાથી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પબ્લિક પ્રોપર્ટી ડેમેજ કરવા બદલ, ફરજમાં રુકાવટ બદલ અને બસચાલકને માર મારવા બદલ ફરિયાદ નોંધવા તજવીજ ચાલુ છે, જેમાં ફરિયાદ આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ સમયે થયેલી બબાલના સામે આવેલા વીડિયો ફૂટેજના આધારે પોલીસે વીડિયોમાં દેખાતા 3 લોકોની અટકાયત કરી છે. જેની ધોરણસર ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અકસ્માતમાં ચાર લોકોના મોત નિપજ્યા
ઇન્દીરા સર્કલ પાસે સિટી બસ નંબર જીજે.03.બીઝેડ.0048થી જે દુર્ઘટના બની તેમાં ચાર લોકોના મોત નિપજ્યા હતા જેમાં રાજકોટ મહાનગરપાલિકાના ઓડીટ શાખાના કર્મચારી રાજુભાઈ મનુભાઈ ગીડા (ઉંમર વર્ષ 35), સંગીતાબેન ધનરાજભાઈ ચૌધરી (ઉંમર વર્ષ 40), ચિન્મયભાઈ હર્ષદભાઈ ભટ્ટ (ઉંમર વર્ષ 25) અને કિરણબેન ચંદ્રેશભાઇ કક્કડ (ઉંમર વર્ષ 56)નો સમાવેશ થાય છે. જયારે ચાર લોકોને ઈજા પહોંચી છે જેમાં વિશાલ રાજેશભાઈ મકવાણા, સુરજ ધર્મેશ, સાનિયાબેન અજયભાઈ રાજબર, અને વિરાજબા મહાવીરસિંહ ખાચરનો સમાવેશ થાય છે. અકસ્માત સર્જનાર બસચાલક સારવાર હેઠળ
અકસ્માત સર્જનાર બસના ડ્રાઈવર શિશુપાલસિંહ રાણાને તાત્કાલિક અસરથી ટર્મિનેટ કરવામાં આવેલ છે. શિશુપાલસિંહ સારવાર હેઠળ હોવાથી પોલીસ જાપ્તા હેઠળ છે જેને ડિસ્ચાર્જ આપ્યા બાદ અટકાયત કરી તપાસ હાથ ધરવામાં આવશે. મનપા અને બસ સંચાલક એજન્સી વચ્ચે શું કરાર થયા છે અને ઘટનામાં કોની બેદરકારી છે એ અંગે તપાસ હાથ ધરી આગળ કાર્યવાહી કરવામાં આવશે. તપાસ બાદ સિટી બસ ઓપરેશન સાથે સંકળાયેલ વિશ્વમ એજન્સી સામે પણ આકરા પગલાં લેવામાં આવે તેવી પુરી શક્યતા સેવાઈ રહી છે. અકસ્માત કરનાર ડ્રાઇવર ટર્મિનેટ
અકસ્માત સર્જનાર બસના ડ્રાઈવર શિશુપાલસિંહ રાણાને તાત્કાલિક અસરથી ટર્મિનેટ કરવામાં આવેલ છે તેમજ યોગ્ય તપાસ બાદ સિટી બસ ઓપરેશન સાથે સંકળાયેલ વિશ્વમ એજન્સી સામે પણ આકરા પગલાં લેવામાં આવશે. મૃતક કિરણબેનની આંખો અન્યના જીવનમાં ઉજાસ પથરાશે
રાજકોટમાં પૂરપાટ ઝડપે દોડતી સિટી બસની અડફેટે 56 વર્ષીય કિરણબેન કક્કડનું મોત નિપજ્યું હતું. ત્યારે તેમની અંતિમ યાત્રામાં હૃદય દ્રાવક દૃશ્યો સર્જાયા હતા. જોકે, સગર્ભા પુત્રી માતાના અંતિમ દર્શન કરી શકી ન હતી. કિરણબેન નાનીની ગુંજ સાંભળે તે પહેલાં જ તેમના શ્વાસ બસે થંભાવી દીધા હતા. ઇન્દિરા સર્કલ પાસે સિટી બસે સ્વિમિંગ માટે જઈ રહેલા સાસુ-વહુના સ્કૂટરને અડફેટે લીધું હતું. કક્કડ પરિવાર કોટેચા ચોકમાં શાંતિની કેતન સોસાયટી શેરી નં. 18માં રહે છે. તાજેતરમાં જાન્યુઆરી મહિનામાં જ કિરણબેનના પુત્ર જીત કક્કડના લગ્ન નેહા સાથે થયા હતા. કિરણબેન છેલ્લા 5 વર્ષથી કાલાવાડ રોડ પર આવેલા કોર્પોરેશન સંચાલિત સ્વિમિંગ પુલના સભ્ય હતા. તેઓએ સ્વિમિંગમાં અનેક એવોર્ડ અને સર્ટિફિકેટ પણ મેળવ્યા હતા. જોકે, મૃત્યુ બાદ પણ તેમના ચક્ષુદાનથી તેઓ અન્યોના જીવનમાં ઉજાસ પાથરતા ગયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments