સાયકિક એટલે સાયકો નહીં. સાયકિક એને કહેવાય જે પોતાની કોઇ ગૂઢ શક્તિથી સામે વાળાનું મન વાંચી લે. એ રીતે જોઇએ તો દરેકની માતા એના બાળક માટે સાયકિક હોય છે. બાળકના મનમાં શું ચાલે છે તેની તેને આગોતરી જાણ થઇ જતી હોય છે. માઇન્ડ રાઇટિંગ એટલે મન દ્વારા લખવું
હવે આ ફીનોમેનાને એક સ્ટેપ આગળ લઇ જઇએ તો આપણને ટેલિપથીનો કન્સેપ્ટ મળે. આ કન્સેપ્ટ જો કે ફક્ત કાગળ ઉપર અને થિયરીમાં છે. એક માણસ કોઇ માધ્યમ વાપર્યા વિના પોતાના મનની વાત બીજાના મન સુધી પહોંચાડે તે આખી ઘટમાળ ટેલિપથી કહેવાય છે. ટેલિપથીના અમુક ગંભીર પ્રયોગો પણ થયા છે અને ઠીક ઠીક સફળતા પણ મળી છે. પરંતુ એ બધી કથા અને દંતકથા છે. હવે આ સાચાખોટા ટેલિપથીના કન્સેપ્ટને હજુ એક સ્ટેપ આગળ લઇ જઇએ અને તેના માટે વિજ્ઞાનની મદદ લઇએ તો આપણને મળે છે માઇન્ડ-રાઇટિંગ. માઇન્ડ રાઇટિંગ એટલે મનમાં લખવું એમ નહીં પણ મન દ્વારા લખવું. કેવી રીતે? એ જાણતા પહેલાં થોડી વાતો મન વિષે કરીએ. તમારા મગજમાં ચાલતા વિચારો સોફ્ટવેર જાણી લેશે
આજકાલ ‘મન કી બાત’ નો બહુ મહિમા છે. દરેક જણ એવું ઇચ્છે છે કે તેમના મનની વાત કહ્યા વગર કોઇ સમજે તો કેવું સારું? અથવા તો ઘણી વખત આપણે એવું પણ વિચારીએ છીએ કે મારા મગજમાં શું ચાલે છે એ બીજો કે બીજી જાણી જશે તો? વેલ, હવે આ સ્થિતિ સાચી પડે અને તમારા મગજમાં ચાલતા વિચારો બીજું કોઇ તો નહીં પણ કોઇ સોફ્ટવેર જાણીને તેને વાક્યમાં ફેરવે તેવા એંધાણ છે. જો આ થયું તો વિજ્ઞાન જગતમાં અને સમાજમાં બહુ મોટી ક્રાંતિ ગણાશે. જી હા, એવું સોફ્ટવેર સાચે જ આવી ગયું છે. જે તમારા મગજમાં ચાલતા વિચારોને એટલે કે અક્ષરોને ઝીલે અને તેને વાક્યમાં પરિવર્તિતત કરે. માઇન્ડ રાઇટિંગ શું છે?
અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલી સ્ટેનફર્ડ યુનિવર્સિટીના સંશોધનકર્તાઓએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સોફ્ટવેરને એવા ડિવાઇસ સાથે જોડ્યું છે. જેને બ્રેઇન કોમ્પ્યુટર ઇન્ટરફેસ કહેવામાં આવે છે. જે સંપૂર્ણ લકવાગ્રસ્ત માણસના મગજમાં રોપવામાં આવ્યું અને આ સોફ્ટવેર બ્રેઇન કોમ્પ્યુટર ઇન્ટરફેસમાંથી માહિતી ડીકોડ કરવામાં સક્ષમ છે. જે માણસના મગજમાં ચાલતા વિચારોને એટલે કે હસ્તાક્ષરોને કોમ્યુટર સ્ક્રીન પર ઝીલી શક્યું. એટલે કે રૂપાંતરિત કરી શક્યું. સાદી ભાષામાં તમે મગજમાં ‘ક’ અક્ષર વિશે વિચારો તો આ સોફ્ટવેર એ ‘ક’ ને ક સ્વરૂમાં કોમ્પ્યુટર સ્ક્રીન પર રૂપાંતરિત કરી શકશે! આ સફળતાપૂર્વક કરવા માટે થોડી પ્રેક્ટિસ જોઇએ. મન ઉપર કાબૂ રાખવો પડે અને જે તે મૂળાક્ષર સ્ક્રીન ઉપર ટાઇપ કરવા માટે તેને શિસ્ત સાથે જોરથી વિચારવો પડે. માણસનું મન દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમમાં પણ વિચારો કરતું હોય છે અને તેમાં અધૂરા વાક્યો પણ સામેલ હોય છે માટે મનને કેળવાવું પડે તો જ કમ્પ્યુટર ઇન્ટરફેસ આપણા મનમાં ઉઠતા તરંગોને વાંચી શકે. માઇન્ડ રાઇટિંગનો ફાયદો શું?
શરીર ખોટું થઇ ગયું હોય એવા હતભાગી લોકો વિષે તમે જાણતા હશો. 12મી મેએ ઓનલાઇન મેગેઝિન નેચરમાં પ્રકાશિત થયેલી માહિતી અનુસાર આ સંશોધન હજારો અમેરિકનો જ નહીં પણ વૈશ્વિક સ્તરે પણ લાખો લોકો જેમણે કરોડરજ્જુની ઇજા કે સ્ટ્રોક કે પછી એમોયોટ્રોફિક લેટરલ સ્ક્લેરોસિસને કારણે એમની બોલવાની અને લખવાની ક્ષમતા ગુમાવી છે એ દરેક ને ફાયદો થશે એવું એમડી અને ન્યુરોસર્જરીના પ્રોફેસર જૈમી હેન્ડરસન જણાવે છે. પેરાલિસિસના દર્દીઓ અને તેના પરિવારને ફાયદો થશે
એ લોકોને પોતાના વિચારો અને લાગણીઓ રજૂ કરવા એક સાધન મળશે. પેરાલિસિસની બીમારીથી લાખો લોકો પીડાઇ રહ્યા છે. અડધું કે આખું શરીર ખોટું થઇ ગયું હોય તેવા લોકોની પોતાની જિંદગી તો દુષ્કર બની જાય છે પરંતુ તેના કુટુંબીજનોની જિંદગી પણ ધીમે ધીમે દોજખ બનતી જતી હોય છે. માઇન્ડ-રાઇટિંગની આ ટેકનોલોજી આવા ઘણા પેશન્ટ અને તેના પરિવારજનો માટે આશીર્વાદરૂપ સાબિત થઇ શકે એમ છે. આ અભિગમ લકવાગ્રસ્ત વ્યક્તિને કોઇ સાજા નરવા વ્યક્તિ સમવયસ્કની જેટલી ઝડપે જ વાક્યોને સ્માર્ટ ફોન પર ટાઇપ કરવા સક્ષમ બનાવે છે. સાધારણ રીતે આધેડ વયની તંદુરસ્ત વ્યક્તિ એક મિનિટની અંદર 23 શબ્દો તેના સ્માર્ટફોનમાં ટાઇપ કરી શકે છે. આ ટેકનોલોજીની મદદ દ્વારા ટેવાઇ ગયેલો દર્દી એક મિનિટની અંદર અઢાર શબ્દો ટાઇપ કરી શકે છે. જેમ જેમ પ્રેક્ટિસ થતી જાય તેમ સ્પીડ વધતી જાય. પેશન્ટ મગજના ટી-ફાઇવ કહેવાતા લોકેશન ઉપર એસ્પીરિન ટેબ્લેટ જેવી એક ચીપ મૂકવી પડે. એ એરિયામાં ન્યૂરોન એટલે કે મગજના ચેતાકોષો વચ્ચે થઇ રહેલા કેમિકલ આદાન પ્રદાનથી જે તંરગો ઉત્પન્ન થાય તેને કમ્પ્યુટર ઇન્ટરફેસ અંગ્રેજી મૂળાક્ષરમાં ફેરવે. તે મૂળાક્ષર સ્ક્રીન ઉપર દેખાય. ધીમે ધીમે આ સિસ્ટમમાં કોઇ ખોટા ટાઇપ થઇ ગયેલા અક્ષરને ભૂંસવાની સુવિધા પણ આવશે. હવે મગજના વિચારોથી જ બધું કામ થશે
અત્યારે તો આ ટેકનોલોજી પ્રાયોગિક ધોરણોમાં છે અને અતિખર્ચાળ છે. ધીમે ધીમે તે સસ્તી થશે અને દેશ વિદેશમાં પ્રસરશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મેડિકલ સાયન્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો કમાલનો સંગમ આ સિસ્ટમમાં થયો છે. દૂરના ભવિષ્યમાં આ ટેકનોલોજી વિકસશે ત્યારે એજ્યુકેશનથી લઇને દેશની સિક્યોરિટી સુધીના અનેક ક્ષેત્રોમાં તે ખૂબ મદદરૂપ નીવડશે. પેપર-પેન ઉપર લખવાનું ઓછું થતું જાય છે. ધીમે ધીમે ટાઇપ કરવાનું ઓછું થતું ગયું અને વોઇસ કમાન્ડ આવતા ગયા, એલેક્સા આવી. હવે સ્વરપેટીનો પણ ખાસ ઉપયોગ ન રહે અને મગજના વિચારોથી જ બધું કામ થાય એવા ભવિષ્ય તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. બાવીસમી સદીમાં આપણે બધા એકબીજાનો હાથ પકડીને ચૂપચાપ વાતચીત કરી લેનારા ‘પીકે’ બની ગયા હોઇશું કે શું?