ભારતમાં હવે ડિજિટલ ઓળખનો એક નવો યુગ શરૂ થવા જઈ રહ્યો છે. જે રીતે આપણે પૈસાની લેવડ-દેવડ માટે યુપીઆઈ (UPI) નો ઉપયોગ કરીએ છીએ, એ જ રીતે ટૂંક સમયમાં આપણે આપણી ઓળખ સાબિત કરવા માટે આધાર એપનો ઉપયોગ કરી શકીશું… કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં જ આ અંગે માહિતી આપી હતી. હાલમાં આપણી ઓળખ માટે આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. પરંતુ તેને સાથે રાખવું, તેની ઝેરોક્ષો સાચવવી અને તેના ખોવાઈ જવાનો ડર હંમેશા રહે છે. નવી આધાર એપ આ સમસ્યાનો ઉકેલ લાવશે. આ એપ તમારા મોબાઈલમાં જ તમારું ડિજિટલ આધાર કાર્ડ બની જશે. આ એપનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારે હવે હોટેલ, ટ્રેન કે અન્ય કોઈ જગ્યાએ ઓળખ આપવા માટે તમારું ફિઝિકલ આધાર કાર્ડ બતાવવાની જરૂર નહીં પડે. ફક્ત તમારા ફોનમાં રહેલી આધાર એપ ખોલો અને તેમાં દેખાતો ક્યૂઆર કોડ (QR Code) સ્કેન કરાવો. આ પ્રક્રિયા યુપીઆઈથી પેમેન્ટ કરવા જેટલી જ સરળ હશે. આ એપમાં તમારી પ્રાઈવસીનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તમે નક્કી કરી શકશો કે તમારે સામેવાળી વ્યક્તિને તમારી કેટલી માહિતી આપવી છે. આનાથી તમારી અંગત માહિતીની સુરક્ષા વધુ મજબૂત બનશે. સુરક્ષાને વધુ સુનિશ્ચિત કરવા માટે, જ્યારે તમે ક્યૂઆર કોડ દ્વારા તમારી ઓળખ આપશો, ત્યારે તમારા ફોનનો સેલ્ફી કેમેરો ચાલુ થશે અને તમારે તમારો ચહેરો બતાવવો પડશે. તમારો ચહેરો સ્કેન થયા બાદ જ તમારી ઓળખ સામેવાળી વ્યક્તિને મળશે. આધારના ડેટાબેઝમાં તમારા ચહેરા અને આંખોની બાયોમેટ્રિક માહિતી પહેલેથી જ સુરક્ષિત છે, જે આ પ્રક્રિયાને વધુ વિશ્વસનીય બનાવશે. હાલમાં આ એપનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે અને તે પ્લે સ્ટોર કે એપ સ્ટોર પર ઉપલબ્ધ નથી. જો કે, એવી આશા છે કે આ વર્ષ સુધીમાં આ એપ લોકો માટે ઉપયોગી બની જશે. આ ટેક્નોલોજીથી લોકોને તેમનું ઓળખપત્ર સાથે રાખવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે અને ડિજિટલ ઓળખની પ્રક્રિયા વધુ સરળ અને સુરક્ષિત બનશે. વધુ માહિતી માટે ઉપરના ફોટો પર ક્લિક કરો