back to top
Homeગુજરાતસિટી બસ સેવાનો દિલ્હીની કંપનીનો કોન્ટ્રાક્ટ:4 મોત માટે જવાબદાર ડ્રાઈવરનું લાઇસન્સ એક્સપાયર...

સિટી બસ સેવાનો દિલ્હીની કંપનીનો કોન્ટ્રાક્ટ:4 મોત માટે જવાબદાર ડ્રાઈવરનું લાઇસન્સ એક્સપાયર હતું, પણ મનપા કંપનીને કરશે માત્ર 2674 રૂપિયાનો દંડ

મહેન્દ્રસિંહ જાડેજા, ઈમરાન હોથી

ઈન્દિરા સર્કલ પાસે અકસ્માતની ઘટનામાં ભાસ્કરે તપાસ હાથ ધરતા અકસ્માત અને જોખમી ડ્રાઈવિંગ બદલ એજન્સીને શું દંડ થાય તેની માહિતી મેળવી હતી. જેમાં બહાર આવ્યું છે કે, અકસ્માતની ઘટનામાં એજન્સીને 50 કિ.મી. ટ્રિપનો દંડ કરવાની જોગવાઈ છે. હાલ કંપનીને એક કિ.મી. બદલ 53.48 રૂપિયા અપાય છે. આ રીતે જોતા મનપા 50 કિ.મી.ના 2674 રૂપિયાનો દંડ ચાર મોતને ભરખી લેનાર અકસ્માત બદલ કંપનીને કરશે. આ રકમ તો 90 કરોડ રૂપિયાના કોન્ટ્રાક્ટ સામે કઇ પણ નથી. સૌથી ગંભીર બાબત એ છે કે કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં ડ્રાઈવર ખરેખર લાઇસન્સ ધરાવે છે કે નહિ તેની પણ ચકાસણી થઈ નથી.
ડ્રાઈવરનું લાઇસન્સ મેળવીને તપાસ કરતા બહાર આવ્યું છે કે, ડ્રાઈવર શિશુપાલસિંહ રાણાનું ટ્રાન્સપોર્ટ વાહનો એટલે કે હેવી વ્હિકલનું લાઇસન્સ 17-02-2025ના જ એક્સપાયર થઈ ગયું હતું. આ લાઇસન્સ વગર કોઇ વ્યક્તિ ભારે વાહન ચલાવી ન શકે અને તે જોવાની જવાબદારી સંચાલકો અને મહાપાલિકાની હોય છે. આ મામલે તપાસ કરતાં કંપની ભલે દિલ્હીની હોય પણ રાજકોટના જ છાપેલા કાટલાઓ સંચાલન કરતાં હોવાનું સામે આવ્યું છે. ઈ-બસની ખરીદી અને સંચાલન માટે દિલ્હીની PMI ઇલેક્ટ્રો મોબિલિટી કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો હતો. આ કંપનીએ વળી સિટી બસ અને બીઆરટીએસના સંચાલન માટે પણ અલગ અલગ એજન્સી ઊભી કરી જેમાં નારાયણ એજન્સી બીઆરટીએસ માટે અને સિટી બસ માટે વિશ્વમ એજન્સી જેના ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો. રાજકોટમાં હજુ ઈ-બસ શરૂ થવાની હતી તે સમયે જ મનપાના આસિ. મેનેજર જસ્મીન રાઠોડે અંગત કારણોસર રાજીનામું ધરી દીધું હતું. જોકે તુરંત જ તેઓને PMI કંપનીમાં નોકરીએ લાગી ગયા હતા અને જસ્મીનને PMI વતી વિશ્વમ અને નારાયણ બંને એજન્સીનું મેનેજમેન્ટ અપાયું છે. વિશ્વમ એજન્સીમાં વળી કરતારસિંઘ નામની વ્યક્તિને મેનેજર બનાવ્યા હતા જેણે ડ્રાઈવરના સુપરવિઝન, ભરતી સહિતની જવાબદારી માટે વિક્રમ ડાંગર નામની વ્યક્તિને સુપરવાઈઝર તરીકે રાખ્યા હતા. આ વિક્રમ ડાંગર ગત ટર્મમાં ભાજપના વોર્ડ નં.4ના મહામંત્રી રહી ચૂક્યા છે તેથી ચાલુ ટર્મમાં જ તેઓને આ કામ મળી ગયું હતું. તેઓ ડ્રાઈવરની જવાબદારી પેટા કોન્ટ્રાક્ટની જેમ સંભાળી રહ્યા છે. જેના કારણે જ પબ્લીક ટ્રાન્સપોર્ટેશનની બેદરકારી સામે આંખ આડા કાન થતા રહ્યા છે. આ લોકોની ગુનાહિત બેદરકારી, ચાલકનું લાઇસન્સ એક્સપાયર છતાં ચલાવ્યે રાખ્યું
થોડા સમયમાં રેલનગરમાં ઉંમર વટાવી ચૂકેલા ડ્રાઈવરને બસ અપાઈ અને તેને ચાલુ બસે હાર્ટએટેક આવતાં અકસ્માતમાં બે મોત નીપજ્યા હતા. આ ઉપરાંત કાલાવડ રોડ પાસે માતા-પુત્રને અડફેટે લેતા પુત્રનું મોત જ્યારે માતાના પગ કપાયા હતા. ત્યારબાદ હવે ઈન્દિરા સર્કલે એકસાથે ચારનાં મોત થયા છે. એકાદ બે નહિ પણ ત્રણ-ત્રણ ઘટના બની છે. જે સાબિત કરે છે કે, સંચાલન કરનાર કંપનીના અધિકારીઓ અને મનપાના અધિકારીઓ જ યોગ્ય નિયમ પાલનમાં માનતા નથી અને તેઓની બેદરકારી છે. સૌથી પહેલી બેદરકારી પીએમઆઈ કંપનીના જસ્મીન રાઠોડ, કરતારસિંઘ અને વિક્રમ ડાંગરની છે. આ ત્રણેયની જવાબદારી હતી કે, ડ્રાઈવર લાઇસન્સ ધરાવે છે કે કેમ? તે ક્યારે રિન્યૂ કરવાનું છે? ઉંમર કેટલી છે? આમ છતાં કોઇએ કશું ચકાસ્યું નહિ અને ફક્ત મનપા સાથે લાયઝનિંગમાં રહ્યા અને એક્સપાયર થયેલા લાઇસન્સ ધરાવતી વ્યક્તિ બસ ચલાવતી રહી. ત્યારબાદની જવાબદારી મનપાના સિટી બસ સેવાના અધિકારી મનીષ વોરાની આવે છે. કારણ કે, તેમની પાસે ડ્રાઈવરની તમામ માહિતી આવે છે અને તેમણે જ ચકાસીને કંપનીને કહેવાનું હોય છે કે તે નિયમ મુજબ બસ ચલાવી શકે કે નહીં. ઉંમર, ફિટનેસ, લાઇસન્સ આવું કશું જ મનપામાં જોવામાં આવ્યું નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments