સુરત શહેરના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પૈકીના એક મેટ્રો પ્રોજેક્ટને કારણે શહેર ભારે મુશ્કેલીમાં મુકાયું છે. મેટ્રોની કામગીરી જ્યારથી શરૂ થઈ છે ત્યારથી વાહનચાલકોની હાલાકીમાં વધારો થયો છે. દિલ્હી ગેટથી રિંગ રોડ તરફ ઉતરતા ફ્લાયઓવર પાસે બેરિકેડ મૂકવામાં આવ્યાં હોવાથી અહીં સવાર-સાંજ ટ્રાફિકજામ સર્જાતો રહે છે. અલબત્ત, અહીં રસ્તો સાંકડો થઈ જતાં ફ્લોટિંગ ટ્રાફિક રહેવાના કારણે આકરી ગરમી વચ્ચે વાહનચાલકોનો સમય વેડફાઈ રહ્યો છે. ટ્રાફિકમાં ફસાવા સાથે તડકે સેકાવ વાહનચાલકો મજબૂર
અત્યારે ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ટ્રાફિક સિગ્નલ ઉપર એક મિનિટ ઉભા રહેવામાં પણ વાહનચાલકો મુશ્કેલી અનુભવે છે, ત્યારે કલાક જેટલો સમય ટ્રાફિકમાં ફસાઈ રહેવાને કારણે ભર ઉનાળામાં વાહનચાલકોની સ્થિતિ ખૂબ જ દયનીય થઈ રહી છે. મેટ્રોની આ કામગીરી ક્યારે પૂર્ણ થશે અને ક્યારે સમસ્યાથી છુટકારો મળશે, તેવું સૌકોઈ વિચારી રહ્યા છે. ગત ચોમાસામાં પણ મેટ્રોની કામગીરીના કારણે પાણીનો ભરાવો ઠેર-ઠેર જોવા મળી રહ્યો હતો. અત્યારે જે પ્રકારે ધીમી ગતિએ કામ ચાલી રહ્યું છે તેને જોતા આ વર્ષે પણ ચોમાસામાં મેટ્રોની કામગીરી લોકોની મુશ્કેલીનું કારણ બનશે.