back to top
Homeગુજરાતરાજકોટનાં અટલ સરોવરને ઉનાળો નડ્યો:સ્માર્ટ સિટીમાં આવેલા તળાવમાં પાણી ન હોવાથી લેસર-શોનું...

રાજકોટનાં અટલ સરોવરને ઉનાળો નડ્યો:સ્માર્ટ સિટીમાં આવેલા તળાવમાં પાણી ન હોવાથી લેસર-શોનું એકમાત્ર આકર્ષણ બંધ; માત્ર ફોર્સ ઘટ્યો હોવાનો સ્ટે. ચેરમેનનો બચાવ

રાજકોટ મનપા દ્વારા રૈયાધાર નજીક સ્માર્ટ સિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. 930 એકર જગ્યામાં રૂપિયા 1100 કરોડનાં ખર્ચે બનેલા આ આધુનિક શહેરમાં ખાસ અટલ સરોવર બનાવવામાં આવ્યું છે. જોકે, લોકાર્પણનાં લગભગ બે વર્ષ બાદ પણ અહીં ટોયટ્રેન અને બોટિંગનો પ્રારંભ થયો નથી. હાલ ઉનાળાની ભારે ગરમીના કારણે પાણી ખૂટી જતા અહીંનું એકમાત્ર આકર્ષણ લેસર-શો પણ છેલ્લા પખવાડિયાથી બંધ કરવાની ફરજ પડી છે. જોકે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે માત્ર પાણીનો ફોર્સ ઓછો હોવાથી લેસર-શો બંધ કરવામાં આવ્યો હોવાનો બચાવ કર્યો હતો. એક સપ્તાહમાં લેસર-શો ફરી શરૂ કરવાની ખાતરી આપી હતી. અટલ સરોવરનું એકમાત્ર આકર્ષણ પણ બંધ
રાજકોટ મનપા દ્વારા કરોડોનાં ખર્ચે બનાવવામાં આવેલું અટલ સરોવર સમયાંતરે કોઈને કોઈ વિવાદોમાં આવતું હોય છે. ત્યારે ઉનાળાની ગરમી શરૂ થતાં જ સરોવરમાં પાણી ખૂટી પડ્યું હોવાનું સામે આવ્યું છે. છેલ્લા અંદાજે 15 દિવસ કરતા વધુ સમયથી અટલ સરોવરનું એકમાત્ર આકર્ષણ લેસર-શો પણ પાણીના અભાવે બંધ કરવાની ફરજ પડી છે. જેને લઈને દૂર દૂરથી અહીં ફરવા માટે આવતા સહેલાણીઓમાં નિરાશા જોવા મળી રહી છે. ફુવારાનો લેસર-શો તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી માંગ લોકોમાં ઉઠી રહી છે. સપ્તાહમાં ફરી લેસર-શો શરૂ કરી દેવાશેઃ સ્ટેન્ડિંગ ચેરમેન
આ અંગે સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, અટલ સરોવરમાં લેસર-શો બંધ હોવાનું મારા ધ્યાનમાં આવી ચૂક્યું છે. જેના કારણ અંગે તપાસ થતા અટલ સરોવરમાં લેસર-શો માટે જરૂરી પાણીનો ફોર્સ ટેક્નિકલ કારણોસર મળતો નહીં હોવાનું જાણવા મળ્યું છે. જેને લઈને આ ક્ષતિ તાત્કાલિક દૂર કરવા માટે આદેશો આપી દેવામાં આવ્યા છે. પાણીનો જરૂરી ફોર્સ લાવવા માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી ચૂકી છે. જેને લઈને આગામી એક સપ્તાહમાં જ ફરી અટલ સરોવરમાં લેસર-શો શરૂ કરી દેવામાં આવનાર છે. અહીં બોટિંગ સહિતના આકર્ષણો શરૂ થવામાં હજુ પણ થોડો સમય લાગવાની શક્યતા તેમણે વ્યક્ત કરી હતી. ટિકિટથી થઈને અનેક વિવાદો સામે આવ્યાં
ઉલ્લેખનીય છે કે, અટલ સરોવરના લોકાર્પણ બાદ પ્રથમ ટિકિટમાં વધુ રકમ વસુલવામાં આવતી હોવાનો વિવાદ સામે આવ્યો હતો. ત્યારબાદ બહારના લોકોને ત્યાં ઉભા રહી વેપાર કરવાની છૂટ આપવાનો વિવાદ થયો હતો. એ સિવાય અટલ સરોવરમાં સ્ટોલ ધરાવતા વેપારીઓ દ્વારા પોતાને યોગ્ય વળતર નહીં આપીને મનઘડત રીતે ભાડા વધારવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ત્યારે હવે અહીં પાણી ખૂટી પડયાનું સામે આવ્યું છે. જેને કારણે એકમાત્ર આકર્ષણ લેસર-શો બંધ કરવામાં આવતા અહીં ફરવા આવતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે હવે સ્ટેન્ડિંગ ચેરમેનનાં કહેવા મુજબ સપ્તાહમાં લેસર-શો શરૂ થશે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments