વડોદરા મહાનગરપાલિકાની (VMC) આજે યોજાયેલી સામાન્ય સભા ફિલ્મ અભિનેતા પદ્મશ્રી મનોજકુમારના અવસાન અને ડીસા ખાતે ફટાકડાની ફેક્ટરીમાં થયેલી દુર્ઘટનામાં 21 લોકોના અવસાનના શોકમાં મુલતવી રાખવામાં આવી હતી. જોકે, આ નિર્ણયથી અસંતુષ્ટ કોંગ્રેસના કાઉન્સિલરો મેયરના ચેમ્બરમાં ધસી આવ્યા અને ધરણાં પર બેસી ગયા. સભા મુલતવી રખાતા કોંગ્રેસના કાઉન્સિલરો મેયરના ચેમ્બરમાં ધરણા પર બેઠા
વડોદરા મહાનગર સેવાસદનમાં આજે સામાન્ય સભા મળી હતી. જોકે ફિલ્મ અભિનેતા પદ્મશ્રી મનોજકુમારના અવસાન અને ડીસા ખાતે બનેલી ફટાકડાની ફેક્ટરીમાં આગની દુર્ઘટમા 21 લોકોના થયેલા અવસાન નિમિત્તે શોકદર્શક ઠરાવ પસાર કરીને આગામી તારીખ 15મી મે સુધી સભા મુલતવી કરી દેવામાં આવતા વિપક્ષે સભાગૃહમાં સભા ચાલુ રાખવા માટે સભા અધ્યક્ષને રજૂઆત કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ, તેઓ સભાગૃહ છોડી પોતાના ચેમ્બરમાં આવી ગયા હતા. કોંગ્રેસના કાઉન્સિલરો મેયરના ચેમ્બરમાં ધસી આવી ધરણાં પર બેસી ગયા હતા. ધરણાં પર બેઠેલા કાઉન્સિલરના સમર્થનમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી પણ કોર્પોરેશન ખાતે દોડી આવ્યા હતા અને સત્તાપક્ષ ભાજપા સામે રોષ ઠાલવ્યો હતો. જોકે, મેયર વિપક્ષના કાઉન્સિલરોની રજૂઆત સાંભળ્યા વગર ચેમ્બર છોડી રવાના થઇ ગયા હતા. વિપક્ષની રજૂઆત સાંભળ્યા વગર મેયર ચેમ્બર છોડીને રવાના
કોંગ્રેસના કાઉન્સિલરોનો આક્ષેપ છે કે, ભાજપ સત્તાધારી પક્ષ માત્ર 7 વિપક્ષી કાઉન્સિલરોના વિરોધથી ડરીને સામાન્ય સભા મુલતવી રાખી રહી છે. તેઓએ મેયર પિંકીબેન સોનીને રજૂઆત કરી કે, સભા પુનઃ બોલાવવામાં આવે અથવા આ માસના અંત સુધીમાં નવી તારીખ નક્કી કરવામાં આવે. મેયરે વિપક્ષની રજૂઆત સાંભળ્યા વગર ચેમ્બર છોડીને રવાના થયા. ચેમ્બર છોડીને UCC પ્રદર્શન કાર્યક્રમમાં જવા માટે રવાના થયા
વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાનીમાં ઉપનેતા જહા દેસાઈ, અમીબેન રાવત, પુષ્પાબેન વાઘેલા, હરીશ પટેલ અને અલકાબેન પટેલ મેયરની ચેમ્બરમાં ધરણાં પર બેસી જતા ચેમ્બરમાં હાજર મેયર પિન્કીબેન સોની અને ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી ચેમ્બર છોડીને ભાજપા દ્વારા દાંડિયા બજાર ચાર રસ્તા ખાતે આયોજિત UCC પ્રદર્શન કાર્યક્રમમાં જવા માટે રવાના થઈ ગયા હતા. આ લોકશાહીની હત્યા છે- ચંદ્રકાંત શ્રીવાસ્તવ, વિપક્ષી નેતા
વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, શહેરમાં હાલ પાણીની વિકટ સમસ્યા છે. પાણીના પ્રશ્ને મહિલાઓ પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. લોકોને પાણી મળતું નથી. આ ઉપરાંત ડ્રેનેજ સહિતના પ્રશ્નો અંગે લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તે સાથે ભૂખી કાંસને ડાયવર્ટ કરવાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. માંડવી ખાતે જર્જરીત થઈ ગયેલી ઇમારતના રીપેરીંગનો પ્રશ્ન છે. આવા શહેરના અનેક સળગતા પ્રશ્નોની રજૂઆત કરવા માટે મળતી સભામાં કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવનાર હતી પરંતુ, સત્તાપક્ષ ભાજપા કોંગ્રેસના માત્ર સાત કાઉન્સિલરથી ડરીને સભા મુલતવી કરી દીધી છે. જે આ લોકશાહીની હત્યા છે. અમે પ્રણાલી મુજબ સામાન્ય સભા મુલતવી રાખી છે
સામાન્ય સભા મુલતવી રાખવા બાબતે મેયર અને સભા અધ્યક્ષ પિન્કીબેન સોનિયા જણાવ્યું હતું કે, અમે પ્રણાલી મુજબ સામાન્ય સભા મુલતવી રાખી છે. ફિલ્મ અભિનેતા પદ્મશ્રી મનોજકુમારના નિધન અને ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બનેલી દુર્ઘટના ને અવસાન પામેલા લોકોના માનમાં આજે સભા પ્રણાલિકા મુજબ મુલતવી રાખવામાં આવી છે અને આજની મુલતવી સભા આગામી તારીખ 15 મેના રોજ મળશે.