back to top
Homeગુજરાત15 મિનિટમાં ત્રિકોણબાગના ટાઈટન શો-રુમમાં લાખોની ચોરી:પોલીસ સ્ટેશનથી 100 મીટરના અંતરે 45...

15 મિનિટમાં ત્રિકોણબાગના ટાઈટન શો-રુમમાં લાખોની ચોરી:પોલીસ સ્ટેશનથી 100 મીટરના અંતરે 45 લાખની 19 ઘડિયાળ સહિત 102 મોંઘીદાટ વોચ, 4 લાખ રોકડ ચોરી, નાઈટ પેટ્રોલિંગ પર સવાલો

રાજકોટમાં તસ્કરોએ પોલીસની નાઈટ પેટ્રોલિંગ સામે સવાલો ઉભા કરી દીધા છે કારણ કે, શહેરના મુખ્ય માર્ગ કહી શકાય એવા ત્રિકોણબાગ નજીક કે જ્યાં 24 કલાક દિવસ-રાત લોકોની સતત અવરજવર રહેતી હોય છે, તે વિસ્તારમાં આવેલ ટાઇટન કંપનીના શો-રૂમમાંથી કિંમતી ઘડિયાળ અને રોકડ રકમની ચોરી થયા હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગેની જાણ થતાની સાથે જ સ્થાનિક પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો તેમજ પોલીસ કમિશનર અને DCP સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. હાલ પોલીસ દ્વારા FSLની મદદ મેળવી તેમજ CCTV ફૂટેજ ચકાસી ચોરી અંગે ફરિયાદ નોંધવા માટે અને આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે. સવારે શો-રુમ પર પહોંચતા ચોરીની જાણ થઈ
રાજકોટના રહેવાસી રવિભાઈ ભુપેન્દ્રભાઈ છોટાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ત્રિકોણબાગ પાસે ટાઈટન વર્લ્ડ નામનો ઘડિયાળનો શો-રૂમ ધરાવે છે. ગઈકાલે તેઓ રાત્રીના સમયે તેઓને એક વેપારીનું આવેલ રૂ.4 લાખનું પેમેન્ટ કેશ કાઉન્ટરમાં રાખી શટર લોક કરી પોતાના ઘરે જતા રહ્યા હતાં. આજે સવારે 10 વાગ્યાની આસપાસ શો-રૂમ પર આવતાં શટર થોડું ઊંચું દેખાતાં તેઓને શંકા ગઈ હતી અને શટર ખોલી જોતાં કેટલાક કાઉન્ટરમાંથી ઘડિયાળ ગાયબ હતી અને માલ-સામાન વેરવિખેર હતો તેમજ કેશ કાઉન્ટરમાં જોતા તેમાં રાખેલ રોકડ રૂ.4 લાખ પણ ગાયબ હતાં. જે બાદ તેઓએ શો-રૂમમાં તપાસ કરતાં ચાર કાઉન્ટરમાં રહેલ ટાઈટનની નેબ્યુલ કંપનીની રિયલ ડાયમંડની 19 વોચ જેની કિંમત રૂ.45.53 લાખ સહિતની કિંમતી 102 ઘડિયાળ કુલ રૂ.66.83 લાખ અને 4 લાખ રોકડ મળી કુલ 70.83 લાખના મુદામાલની ચોરી થયાની જાણ થતા પોલીસને જાણ કરી હતી. 15 મિનિટના ગાળામાં જ ચોર ચોરી કરીને બહાર નીકળી ગયો
તેઓએ CCTV કેમેરા તપાસ કરતાં વહેલી સવારે 4.48 વાગ્યે પાંચ જેટલા તસ્કરો શો-રૂમ પાસે આવ્યા હતાં અને શટરના વચ્ચેના ભાગને ઊંચા નીચું કરી બાદમાં જેક ભરાવી પોણો ફૂટ જેટલું શટર ઊંચું કરી એક પાતળો નાની ઉંમરનો સગીર જેવો દેખાતો વ્યક્તિ પોણા ફૂટની જગ્યામાંથી અંદર પ્રવેશ્યો હતો અને બાદમાં એક થેલામાં ચોરીનો મુદામાલ ભરી 5.02 વાગ્યે એટલે કે 15 મિનિટના ગાળામાં જ બહાર નીકળી ગયો હતો અને અન્ય શખ્સો સાથે મળી ત્રિકોણ બાગ તરફ ચાલીને નીકળ્યા બાદ એક રીક્ષામાં બેસી નાસી છૂટ્યા હોય તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે CCTV ફુટેજના આધારે તપાસ હાથ ધરી
બનાવની જાણ થતાં પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ચૌધરી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયાં હતાં. તેમજ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, એ. ડિવિઝન પોલીસ મથકની ટીમે CCTV ફુટેજના આધારે તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપીઓ છેલ્લે તસ્કરો પારેવડી ચોકથી ગ્રીનલેન્ડ ચોક તરફ ગયાં હોવાનું જાણવા મળ્યું છે. શો-રુમ પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટર દૂર
રાજકોટ શહેર પોલીસને તસ્કરોએ સીધો પડકાર ફેંક્યો હોય તે પ્રકારની ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટર દૂર લાખો રૂપિયાની માલમતાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. એ ડિવિઝન પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટર દૂર આવેલ ટાઈટન કંપનીના શો-રૂમમાં આજે વહેલી સવારે 66 લાખ રૂપિયાની કિંમતી કાંડા ઘડિયાળ તેમજ ચાર લાખ રૂપિયાની રોકડની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં શો-રૂમમાં માત્ર એક જ તસ્કરે પ્રવેશ કરી માત્ર 15 મિનિટમાં લાખો રૂપિયાની માલ મત્તાની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત 4-5 જેટલા શખસો દ્વારા રોડ પર રેકી કરવામાં આવી રહી હોવાનું પણ સામે આવ્યું છે. આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા
હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા FSL, ડોગ સ્ક્વોડ તેમજ ફિંગર પ્રિન્ટ વિભાગની પણ મદદ લેવામાં આવી છે. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ જતા બનાવ અંગે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી અલગ-અલગ ટીમો દ્વારા આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નામાંકિત કંપનીના શો-રૂમમાં ચોરીનો બનાવ સામે આવતા રાજકોટ શહેર પોલીસ કમિશનર સહિત DCP તેમજ ACP કક્ષાના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. કોઈ જાણભેદુ છે કે કેમ? તે અંગે પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની નાઈટ પેટ્રોલિંગ કામગીરી સામે સવાલો ઉભા કરી દીધા
ઉલ્લેખનીય છે કે, જે જગ્યાએ ચોરી થઇ છે તે જગ્યા સતત જાગતો વિસ્તાર છે. અહિયા 24 કલાક દિવસ અને રાત સતત લોકોની અવરજવર રહેતી હોય છે અને બાજુમાં જ સેલ કંપનીનો પેટ્રોલપંપ પણ આવેલો છે તે પણ 24 કલાક ચાલુ રહેતો હોય છે અને આ જગ્યા પોલીસ સ્ટેશનથી તદ્દન નજીક 100 મીટરના અંતરે આવેલ હોવા છતાં ચોરીની ઘટના બનતા તસ્કરોએ પોલીસને સીધો પડકાર ફેંક્યો હોય એવું ચોક્કસ લાગી રહ્યું છે અને આ ઘટનાએ પોલીસની નાઈટ પેટ્રોલિંગ કામગીરી સામે પણ સવાલો ઉભા કરી દીધા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments