back to top
Homeભારતભારતે કહ્યું- પાકિસ્તાને PoK ખાલી કરવું પડશે:પાકિસ્તાન આર્મી ચીફની ટૂ-નેશન થિયરી પર...

ભારતે કહ્યું- પાકિસ્તાને PoK ખાલી કરવું પડશે:પાકિસ્તાન આર્મી ચીફની ટૂ-નેશન થિયરી પર કહ્યું- ‘બાંગ્લાદેશ બનતાં જ આ થિયરી ફેલ થઈ’

ભારતે પાકિસ્તાનના આર્મી ચીફના કાશ્મીર અને ટૂ નેશન થિયરી અંગેના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ગુરુવારે કહ્યું હતું કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. એનો પાકિસ્તાન સાથે એકમાત્ર સંબંધ એ છે કે તેણે ગેરકાયદે રીતે કબજે કરેલા વિસ્તાર PoK (પાકિસ્તાન કબજે કરેલું કાશ્મીર)ને ખાલી કરવું પડશે. મુનીરે કાશ્મીરને ‘ગળાની નસ’ ગણાવ્યું હતું. આ અંગે જયસ્વાલે કહ્યું હતું કે કોઈ વિદેશી બાબતને આની સાથે કોઈ લેવા-દેવા નથી. જમ્મુ-કાશ્મીર ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશ છે. જયસ્વાલે ટૂ નેશન થિયરી અંગેના નિવેદનને જૂનું અને વિભાજનકારી ગણાવ્યું. તેમણે કહ્યું હતું કે આ નિવેદન 1971માં બાંગ્લાદેશની આઝાદી પછી જ રદ થઈ ગયું હતું, જ્યારે ટૂ નેશન થિયરી નિષ્ફળ થઈ ગઈ હતી. જનરલ મુનીરે કહ્યું- અમારી વિચારસરણી હિન્દુઓથી અલગ
પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે કહ્યું હતું કે પાકિસ્તાનનો પાયો કલમા (ઇસ્લામનો મૂળ સિદ્ધાંત) પર નાખવામાં આવ્યો હતો. અમે દરેક બાબતમાં હિન્દુઓથી અલગ છીએ. અમારો ધર્મ અલગ છે, અમારા રીતરિવાજો અલગ છે. અમારી સંસ્કૃતિ અને વિચારસરણી અલગ છે. આ દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંતનો પાયો હતો. દેશની રાજધાની ઇસ્લામાબાદમાં પ્રથમ ઓવરસીઝ પાકિસ્તાની કોન્ફરન્સમાં જનરલ મુનીરે આ વાત કહી. આ પરિષદમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સહિત ઘણા ટોચના નેતાઓ હાજર રહ્યા હતા. જનરલ મુનીરે કહ્યું- તમારે તમારાં બાળકોને પાકિસ્તાનની કહાની કહેવી જ જોઈએ. આપણા પૂર્વજો માનતા હતા કે આપણે હિન્દુઓથી અલગ છીએ. આપણા વિચારો, આપણી મહત્ત્વાકાંક્ષાઓ અલગ છે. એટલા માટે આપણે એક દેશ નહીં, પણ બે દેશ છીએ. આપણા પૂર્વજોએ આ દેશ માટે બલિદાન આપ્યું છે. આપણે જાણીએ છીએ કે તેનું રક્ષણ કેવી રીતે કરવું. જનરલ મુનીરે કહ્યું હતું કે આજ સુધી ફક્ત બે રજવાડાંનો પાયો કલમ પર નખાયો હતો. પ્રથમ રિયાસત-એ-તૈયબા, કારણ કે તૈયબાનું નામ આપણા પયગંબર (મોહમ્મદ સાહેબ) દ્વારા રાખવામાં આવ્યું હતું. આજે એને મદીના કહેવામાં આવે છે. જ્યારે 1300 વર્ષ પછી અલ્લાહે બીજું રાજ્ય- પાકિસ્તાન બનાવ્યું. પહેલાં કહેવામાં આવ્યું હતું કે- ભારત આપણા નાગરિકોને મારી રહ્યું છે
પાકિસ્તાનના આર્મી ચીફે ગયા વર્ષે કહ્યું હતું કે ભારત આપણી ધરતી પર આતંકવાદ વધારી રહ્યું છે. તેઓ આપણા દેશમાં ઘૂસી રહ્યા છે અને પાકિસ્તાની નાગરિકોને મારી રહ્યા છે. ભારત તરફથી આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન એક આદત બની રહ્યું છે. હવે ઘણા દેશો આના વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે. અમે અમારા નાગરિકોની સુરક્ષા માટે તેમનાં કાવતરાંને નિષ્ફળ બનાવતા રહીશું. જો કોઈ દેશ આપણી પ્રાદેશિક અખંડિતતા પર હુમલો કરશે અથવા એનું ઉલ્લંઘન કરશે તો સેના સંપૂર્ણ તાકાતથી જવાબ આપશે. બાંગ્લાદેશ સાથે સરખામણી કરતાં જનરલ મુનીર ગુસ્સે થયા ગયા વર્ષે ઇમરાન ખાનની મુક્તિ માટે પાકિસ્તાનમાં પ્રદર્શનો થયાં હતાં. આ પ્રદર્શનોની સરખામણી બાંગ્લાદેશમાં થયેલા બળવા દરમિયાનની પરિસ્થિતિ સાથે કરવામાં આવી રહી હતી. આનાથી આર્મી ચીફ મુનીર ગુસ્સે ભરાયા. તેમણે કહ્યું હતું કે દેશમાં કટોકટી ઊભી કરવી એ ‘સૌથી મોટો ગુનો’ છે. સેના આવા કોઈપણ પ્રયાસને નિષ્ફળ બનાવશે અને દેશનું રક્ષણ કરશે. મુનીરે કહ્યું હતું કે ‘અલ્લાહની કસમ’ જો કોઈ પાકિસ્તાનમાં અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરશે તો અમે તેની સામે લડીશું. તેમણે ખાતરી આપી કે અલ્લાહની દયાથી પાકિસ્તાની સેના અશાંતિ અને અરાજકતાનો અંત લાવવામાં સફળ થશે. આસિફ મુનીર 2027 સુધી આર્મી ચીફ રહેશે પાકિસ્તાની આર્મી ચીફનો કાર્યકાળ 2025માં પૂરો થવાનો હતો, જોકે સરકારે આર્મી ચીફનો કાર્યકાળ 3 વર્ષથી વધારીને 5 વર્ષ કર્યો છે. આ માટે સરકારે ગયા વર્ષે કાયદામાં સુધારો કર્યો હતો. જનરલ આસિફ મુનીર પણ 2027 સુધી પદ પર રહેશે. આર્મી ચીફ ઉપરાંત પાકિસ્તાન આર્મીના અન્ય વરિષ્ઠ કમાન્ડરોનો કાર્યકાળ પણ વધારવામાં આવ્યો હતો. સંરક્ષણમંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે પાકિસ્તાન આર્મી એક્ટ 1952માં સુધારાનો પ્રસ્તાવ મૂક્યો હતો. એને ગૃહના અધ્યક્ષ અયાઝ સાદિક દ્વારા પસાર કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments