back to top
Homeબિઝનેસ2025-26નું વર્ષ શેરબજાર માટે કસોટી ભર્યું રહેશે:પ્રાઇમરી માર્કેટ પણ ઠંડુ રહેશે, સેબીના...

2025-26નું વર્ષ શેરબજાર માટે કસોટી ભર્યું રહેશે:પ્રાઇમરી માર્કેટ પણ ઠંડુ રહેશે, સેબીના કડક નિયંત્રણોની પ્રાઇમરી-સેકન્ડરી માર્કેટમાં નેગેટિવ અસર, IPOમાં ઘટાડો રહેશેઃ નિષ્ણાત

કોરોના કાળ દરમિયાન શેરબજારમાં જબરો કડાકો નોંધાયા પછી શેરબજારમા રોકાણ કરનારને સારો એવો તગડો નફો મળી રહ્યો હતો. પ્રાઇમરી માર્કેટના રોકાણકારોને પણ બે છક બાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પરંતુ છેલ્લા ત્રણેક મહિનાથી આ પરિસ્થિતિમાં ઓટ આવી છે અને શેરબજારની સ્થિતિ ગબડી ગઈ છે. ચાલુ વર્ષે શેરબજારમાં ઉતાર-ચડાવ સાથે રોકાણકારો માટે ખુબ જ કસોટી ભર્યો સમય રહેશે, તેવું શેરબજારના નિષ્ણાતો માની રહ્યા છે. આ વર્ષે પ્રાયમરી માર્કેટમાં પણ મંદી જેવો માહોલ જોવા મળી શકે છે અને સેકન્ડરી માર્કેટમાં પણ તેની નેગેટિવ અસર જોવા મળી શકે તેમ છે. કારણ કે, સેબી દ્વારા બજાર ઉપર કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે, જેની અસર પણ બજારમાં જોવા મળી રહી છે. આ વર્ષનું માર્કેટ નેગેટિવ અસર બતાવી શકેઃ પરેશ વાઘાણી
શેર માર્કેટના નિષ્ણાત અને દાયકાઓથી બજાર સાથે કામ કરતા પરેશ વાઘાણીએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, કોરોના કાળ દરમિયાન શેર બજાર પડી ભાંગ્યુ હતું અને ત્યારબાદ છેલ્લા દોઢ બે વર્ષથી બજાર ખુબ ઝડપભેર આગળ વધી રહ્યું હતું. પરંતુ છેલ્લા બે ત્રણ મહિનાથી બજારમાં વિપરીત અસર જોવા મળી રહી છે. વર્ષ 2025-26 નાણાકીય વર્ષની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે હાલની પરિસ્થિતિ જોતા આવતું વર્ષ એટલે કે, નાણાકીય વર્ષ 2025-26 શેરબજારમાં મંદીનો માહોલ જેવી સ્થિતિ કહેવાય. પાછલા વર્ષોની સરખામણીએ આ વર્ષનું માર્કેટ નેગેટિવ અસર બતાવી શકે તેમ છે. ‘આ વર્ષે IPO SME સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો’
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમેરિકા ટ્રમ્પ શતા પર આવ્યા ત્યારથી અત્યાર સુધી બજારમાં અનેક ઉતાર-ચડાવ જોવા મળ્યા છે. બજારમાં છેલ્લા 3 મહિનાથી સ્થિતિ નેગેટિવ જોવા મળી રહી છે. તેમાં પણ ટેરિફ લાગશે, નહિ લાગેના અસમંજસ પછી 90 દિવસ મોકૂફ રાખ્યા બાદ પરિસ્થિતિ કૈક અલગ જ જોવા મળી રહી છે. શેર માર્કેટમાં પણ નવા IPO SME આવવાની સંખ્યામાં મહદ અંશે ઘટાડો જોવા મળી શકે તેમ છે. કેટલીક નવી કંપનીઓના IPO આવવાના હતા. તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધા બાદ તેને હોલ્ડ કરી દેવાની સ્થિતિ જોવા મળી છે. માટે આ વર્ષે IPO SME સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થતો જોઈ શકાય છે. ‘કેપિટલ ગેઈન ટેક્સનો વધારો શેરબજાર માટે નુકસાનકારક’
સેબી દ્વારા કેટલાક બદલાવ કરવામાં આવ્યા છે. જેમાં શેરબજારની સટ્ટાકીય પ્રવૃત્તિને ડામવા લેવાયેલા પગલાં. જેમ કે, વિકલી એક્સપાયરીમાં ઘટાડો કરવો, લોટ સાઈઝમાં વધારો કરવો, ઉપરાંત એસ.ટી.ટીમાં વધારો અને શોર્ટટર્મ-લોંગટર્મ કેપિટલ ગેઈન ટેક્સનો વધારો શેરબજાર માટે નુકસાનકારક જ સાબિત થયો છે. પ્રાઇમરી માર્કેટમાં પણ કડક નિયંત્રણો અને લિસ્ટિંગના નિયમોમાં ફેરફાર ઉપરાંત પોસ્ટ આઈ.પી.ઓના નિયંત્રણો અને એસ.એમ.ઇ આઈ.પી.ઓ લાવવા પર પણ જાહેર થયેલા નવા નિયમોને લઈને પ્રાઇમરી માર્કેટની સ્થિતિ પણ ખરાબ થઈ છે. ‘ઘણા મોટા IPOની તારીખ આગળ ધકેલાઈ’
ગત વર્ષે 325 જેટલા આઈ.પી.ઓ. આવ્યા હતા, જેમાં 92 આઈ.પી.ઓ. મેઈન બોર્ડના હતા. જ્યારે 243 એસ.એમ.ઇ આઈ.પી.ઓ મૂડી એકઠી કરવા બજારમાં આવ્યા હતા. પરંતુ તેની સામે ચાલુ વર્ષે 2025-26માં આ સ્થિતિમાં થોડોક ફેરફાર જોવા મળી શકે તેમ છે. કારણ કે, અત્યારથી જ મોટા આઈ.પી.ઓ કે જે મેઈન બોર્ડના આવવાની શક્યતા છે અને હજારો કરોડના આઇ.પી.ઓ લાવવાની તૈયારી કરી રહ્યા છે તે આઈ.પી.ઓ લાવવા માટેની તારીખો આગળ લઈ રહ્યા છે. જેઓ નજીકના ભવિષ્યમાં આઈ.પી.ઓ લાવવાનો સાહસ કરવાથી દૂર જતા જાય છે. ‘ખોટી ટિપ્સ મેળવી લાલચમાં ન આવવા અપીલ’
બજારમાં ખોટી ટિપ્સથી પણ અનેક રોકાણકારોને રૂપિયા ડૂબતા તેઓ પણ સેકન્ડરી માર્કેટથી દૂર થઈ રહ્યા છે. ખાસ તો ટેલિગ્રામ, વોટ્સએપ કે અન્ય કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપરથી લેભાગુ તત્વો દ્વારા ખોટી ટિપ્સ આપી અનેક રોકાણકરોને ફસાવવામાં આવી રહ્યા છે. માટે લોકોને લોભામણી લાલચ અને ખોટી ટિપ્સ મેળવી લાલચમાં ન આવવા અપીલ કરવામાં આવી રહી છે. ‘કઈ કંપનીને કેટલું નુકસાન કે નફો થશે તે કહેવું મુશ્કેલ’
અધૂરામાં પૂરું જ્યારથી ટ્રેડ વોર ચાલુ થઈ છે, ત્યારથી બજારની પરિસ્થિતિ ખૂબ જ કથળતી જાય છે, જેને લઇને પણ રોકાણકારોમાં નિરાશા છે. ડરનો માહોલ છે, આવી પરિસ્થિતિમાં ક્યારે શું થશે તેવું કહેવું મુશ્કેલ છે. કયા દેશને, કઈ કંપનીને કેટલું નુકસાન કે નફો થશે તે પણ કહેવું મુશ્કેલ છે. રોકાણકારો બજારથી દૂર થઈ રહ્યા છે અને પોતાના રોકાણની સલામતી ખાતર પણ રોકાણકારોએ હમણાં રોકાણ કરવાથી દૂર રહેવું જ હિતાવહ છે. આમ નાણાકીય 2025-26નું વર્ષ અગાઉના ત્રણ-ચાર વર્ષ કરતા શેરબજાર માટે સારું રહેવાની શક્યતા ખૂબ જ ઓછી હોવાનું લાગી રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments